વેરાવળ : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો, તાલુકામથક (નગર) અને મધ્યમ કક્ષાનું બંદર. ભૌગોલિક સ્થાન : તે 21° 45´ ઉ. અ. અને 70° 40´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 688 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે જિલ્લામથક જૂનાગઢથી 83 કિમી. દૂર આવેલું છે. અહીંથી તદ્દન નજીક (માત્ર 4 કિમી.) આવેલું યાત્રાધામ પ્રભાસપાટણ – દ્વાદશ જ્યોતિર્લિગ પૈકીનું સોમનાથનું મંદિર ભારતભરમાં ખૂબ જાણીતું છે. રોમન ભૂગોળવેત્તાએ આ સ્થળનો ‘સુરાષ્ટ્રીયન’ તરીકે ઉલ્લેખ કરેલો છે. વેરાવળ ગામ ધનાવાળાના પુત્ર વેરાવળજીએ વસાવ્યું હતું. વેરાવળ તાલુકામાં વેરાવળ અને પ્રભાસપાટણ નામનાં બે શહેરો તથા 102 ગામો આવેલાં છે.

આ તાલુકાની જમીન સમતળ, ફળદ્રૂપ અને કાંપની બનેલી છે. દરિયાકાંઠાથી દૂર આવેલી જમીન કાળી છે. વેરાવળ તાલુકો સમુદ્રકાંઠે આવેલો હોઈ અહીંની આબોહવા સમધાત રહે છે. મે માસનાં ગુરુતમ અને લઘુતમ તાપમાન 30° સે. અને 26° સે. તથા ઑક્ટોબરમાં તે 32° સે. અને 23° સે. તેમજ જાન્યુઆરીમાં તે 28° સે. અને 15.5° સે. જેટલાં રહે છે. અહીંનો સરેરાશ વરસાદ આશરે 525 મિમી. જેટલો પડે છે. તાલુકાની આબોહવા એકંદરે ખુશનુમા ગણાય છે.

ભાલકાતીર્થ

આ તાલુકામાં હિરણ અને સરસ્વતી નામની બે નદીઓ આવેલી છે. તે અરબી સમુદ્રને મળે છે. તેમની લંબાઈ અનુક્રમે 64 કિમી. અને 42 કિમી. જેટલી છે. અહીંની સરસ્વતી નદી પ્રાચીન સરસ્વતી નદીનો એક ટુકડો હોવાનું કહેવાય છે. સરસ્વતી પર તોબ્રા નજીક એક આડબંધ (weir) બાંધવામાં આવેલો છે.

આ તાલુકામાં જંગલો આવેલાં નથી, પરંતુ દરિયાકાંઠા નજીકના મેદાની ભાગમાં નાળિયેરી, ચીકુ, પપૈયાં, કેળ, આંબા વગેરે ફળોનાં વૃક્ષોની વાડીઓ આવેલી છે. અહીંના કુલ વાવેતરમાં આશરે 45 % હિસ્સો અનાજ, કઠોળ, શેરડી અને શાકભાજીનો છે. આ ઉપરાંત અહીં મઠડી(મગફળી) તમાકુ અને એરંડા પણ થાય છે. અહીંની સિંચાઈનો મુખ્ય આધાર કૂવાઓ છે.

તાલુકાની કુલ વસ્તી 2,80,187 (2001) જેટલી છે. આ પૈકી શિક્ષિત લોકોની સંખ્યા આશરે 1,35,000 જેટલી છે. અહીંના મોટાભાગના ઉદ્યોગો શહેરમાં આવેલા છે, જ્યારે પરંપરાગત ગૃહઉદ્યોગો ગ્રામીણ વિસ્તારોમાં આવેલા છે. ગ્રામીણ વિસ્તારના ઘણા ખરા લોકો ખેતી, ખાણ, ગૃહઉદ્યોગોમાં રોકાયેલા છે. બીજા કેટલાક બાંધકામમાં, પરિવહનક્ષેત્રમાં તેમજ માછીમારીમાં કામ કરે છે. અહીં મત્સ્ય ઉત્પાદનનું પ્રમાણ 3થી 3.5 લાખ ટન વચ્ચે રહે છે. અહીં હજાર કરતાં પણ વધુ યાંત્રિક હોડીઓ કાંઠા નજીક તથા ઊંડા સમુદ્રમાં અવરજવર કરે છે.

શહેર : ભૌગોલિક સ્થાન : તે 20° 54´ ઉ. અ. અને 70° 22´ પૂ. રે. પર સૌરાષ્ટ્રના દક્ષિણ છેડે અરબી સમુદ્રના દરિયાકાંઠે આવેલું છે. આ શહેરની વસ્તી 2001 મુજબ આશરે 1,41,207 જેટલી છે, તે પૈકી સ્ત્રીઓ અને પુરુષોનું પ્રમાણ લગભગ સરખું છે. અહીંના આશરે 60 % લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે.

વેરાવળ સૌરાષ્ટ્રના આ વિસ્તારના વેપારનું કેન્દ્ર છે. અહીંના માર્કેટ-યાર્ડમાં મગફળી, ડુંગળી, મરચાં, ઘઉં, બાજરી, ઘી, કેળાં, ગોળ આવે છે. માછલીઓ માટે અહીં અલગ બજાર છે. શહેરમાં રાષ્ટ્રીયકૃત, સહકારી તેમજ જમીન વિકાસની બૅંકોની શાખાઓ આવેલી છે. તાર-ટપાલ, ટેલિફોન, વેધશાળાની સગવડો પૂરતા પ્રમાણમાં છે. દરિયાકાંઠે દીવાદાંડી પણ છે.

વેરાવળ શહેર વેરાવળ-ખીજડિયા અને વેરાવળ-રાજકોટ મીટરગેજ રેલમાર્ગનું છેવાડાનું મથક છે. વેરાવળ નગરપાલિકા હસ્તક આશરે 42 કિમી.ના રસ્તાઓ છે. તે પૈકી 7 કિમી.ના રસ્તા કાચા છે. ઉમરગામ તરફ જતો કંઠાર ધોરી માર્ગ વેરાવળ નજીકથી જ પસાર થાય છે. તે રાજ્યના ધોરી માર્ગો અને જિલ્લામાર્ગો દ્વારા ગુજરાતનાં મહત્વનાં શહેરો અને નગરો સાથે રાજ્ય પરિવહન નિગમની બસોથી જોડાયેલું છે. વેરાવળ બંદરને બ્રેકવૉટર દ્વારા સુરક્ષિત બનાવાયું છે. મોટાં જહાજો દરિયાકિનારાથી 5 કિમી. દૂર ઊભાં રહે છે, બજરાઓ મારફતે માલની ચડઊતર થાય છે. મત્સ્યવિભાગ બંદરથી અલગ ધક્કો ધરાવે છે. અહીંથી આશરે 2.5 લાખ ટન માલસામાનની આયાત અને આશરે 1 લાખ ટન માલની નિકાસ થતી રહે છે. આયાતમાં બાંધકામનો સામાન, ઇમારતી લાકડું, રેયૉન, માવો, અનાજ, કઠોળ, કપાસિયા, ખાતર, પેટ્રોલિયમ પેદાશોની અને નિકાસમાં સિંગતેલ, ખોળ, ડુંગળી, ચૂનાખડક, માછલીઓ, ઊન, રૂ, ઘી અને રસાયણોનો સમાવેશ થાય છે.

વેરાવળમાં ઇન્ડિયન રેયૉન (1956), ફિશમિલો, મત્સ્યપ્રક્રમણ, બરફનાં કારખાનાં, દીવાસળીનું કારખાનું, તેલમિલો, સાબુનું કારખાનું, હાડકાં દળવાની મિલ, જાળ બનાવવાનું કારખાનું, યાંત્રિક અને સાદી હોડીઓ બનાવવાના એકમો, રંગાટીકામ-ભરતકામ-વણાટકામના ગૃહઉદ્યોગો આવેલાં છે.

અહીં બાલમંદિરો, કુમારશાળાઓ અને કન્યાશાળાઓ, માધ્યમિક શાળાઓ, વિનયન-વાણિજ્યની કૉલેજ તથા ત્રણ પુસ્તકાલયો આવેલાં છે. શહેરમાં મહાદેવનાં ઘણાં મંદિરો છે. આ ઉપરાંત સ્વામીનારાયણ, હનુમાનજી અને અન્ય દેવદેવીઓનાં મંદિરો; જૈન મંદિરો અને મસ્જિદો  પણ આવેલાં છે.

શિવપ્રસાદ રાજગોર