વેરાક્રુઝ (Veracruz) : પૂર્વ-મધ્ય મેક્સિકોમાં આવેલું રાજ્ય તથા તે જ નામ ધરાવતું મેક્સિકોનું મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 19° 12´ ઉ. અ. અને 96° 08´ પ. રે..

વેરાક્રુઝ રાજ્યનો વિસ્તાર 71,895 ચોકિમી. જેટલો છે. તેની પૂર્વ તરફ તબાસ્કો રાજ્ય અને મેક્સિકોનો અખાત, દક્ષિણ તરફ ચિયાપાસ અને ઓઆક્સાકા, પશ્ચિમ તરફ પ્યુએબ્લા, હિડાલ્ગો અને સાન લુઈ પોટોસી તથા ઉત્તર તરફ તમાઉલીપાસ આવેલાં છે. રાજ્યનો ભૂમિભાગ સાંકડા રેતાળ કિનારાથી શરૂ થાય છે. આ રાજ્યમાં ઘણા ફળદ્રૂપ ખીણપ્રદેશો આવેલા છે. મેક્સિકોનું સર્વોચ્ચ પર્વતશિખર (5,700 મીટર) અહીં આવેલું છે. આ રાજ્યમાં થઈને પસાર થતી નદીઓ મેક્સિકોના અખાતમાં ઠલવાય છે. અહીં કેટલાક પુરાતત્વીય પ્રાદેશિક ભાગો પણ આવેલા છે. આ રાજ્યના મુખ્ય કૃષિપાકોમાં ડાંગર અને અન્ય ધાન્યપાકો, કપાસ, કૉફી, શેરડી, તમાકુ અને ફળોનો સમાવેશ થાય છે. આ રાજ્યમાં ખનિજતેલનું ઉત્પાદન લેવાય છે. વળી રિફાઇનરી પણ છે. કાપડ અને તમાકુના, કાગળ અને દારૂ ગાળવાની ભઠ્ઠીઓના ઉદ્યોગો વિકસ્યા છે. વેરાક્રુઝ, કૉર્ડોબા અને કોટઝાકોલ્કોસ અહીંનાં મુખ્ય શહેરો છે.

વેરાક્રુઝ (શહેર) : મેક્સિકોનું મુખ્ય બંદર. સત્તાવાર નામ ‘વેરાક્રુઝ લાવ’. ભૌગોલિક સ્થાન : 19° 12´ ઉ. અ. અને 96° 08´ પ. રે.. આ શહેર ઊંચાઈ પર વસેલું છે, ત્યાંથી મેક્સિકોના અખાત પર આવેલું નીચે વિકસેલું બંદર દેખાય છે. તે મેક્સિકો શહેરથી પૂર્વ તરફ 455 કિમી. અંતરે આવેલું છે. આ શહેર રેલમથક પણ છે. ચૉકલેટો, સિગાર, પગરખાં અને સુતરાઉ કાપડ આ શહેરની મુખ્ય પેદાશો છે.

1519માં હર્નાન ડો કૉર્ટિસે આ સ્થળની સ્થાપના કરેલી. આખા મેક્સિકોમાં આ શહેર સર્વપ્રથમ સ્પૅનિશ વસાહત ગણાય છે. સોળમી સદીમાં સ્પૅનિશ લોકોએ બાંધેલો સાન જુઆન દ ઉલ્વા કિલ્લો અહીં આવેલો છે. 1847માં થયેલા મેક્સિકોના યુદ્ધ દરમિયાન યુ.એસ. લશ્કરે આ શહેરનો કબજો મેળવેલો. 1860ના દશકામાં ફ્રેન્ચોએ મેક્સિકોમાં હુમલા કરીને આ શહેર કબજે કરેલું.

1997 મુજબ તેની વસ્તી 68,56,415 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા