વેબ, સિડની ઍન્ડ બિયેટ્રિસ : પતિ અને પત્ની બંને બ્રિટિશ સમાજસુધારકો અને ગ્રેટ બ્રિટનની મજૂર-ચળવળનાં પ્રસિદ્ધ ઇતિહાસકારો.

સિડની ઍન્ડ બિયેટ્રિસ વેબ

સિડની જેમ્સ વેબ(જ. 13 જુલાઈ 1859, લંડન; અ. 13 ઑક્ટોબર 1947, લિફુક, હેમ્પશાયર, ઇંગ્લૅન્ડ)ના પિતા હિસાબનીશ હતા. ઈ. સ. 1885માં સિડની બ્રિટિશ સમાજવાદીઓની સંસ્થા ફેબિયન સોસાયટીમાં જોડાયા. તેઓ જીવનભર આ સોસાયટીના આગેવાન રહ્યા અને સોસાયટીના સામાજિક સંશોધનના મુખ્ય કાર્યમાં સહાય કરી.

બિયેટ્રિસ વેબ(જ. 22 જાન્યુઆરી 1858, ગ્લોસેસ્ટર; અ. 30 એપ્રિલ 1943, લિફુક, હેમ્પશાયર)નો જન્મ ધનિક અને સામાજિક પ્રતિષ્ઠા ધરાવતા પરિવારમાં થયો હતો. તેમનું પ્રથમ નામ માર્થા બિયેટ્રિસ પૉટર હતું. તેમને સામાજિક સંશોધનમાં રસ હોવાથી સિડની વેબના સંપર્કમાં આવ્યાં અને 1892માં બંનેએ લગ્ન કર્યાં.

1892માં લંડન કાઉન્ટી કાઉન્સિલના સભ્ય તરીકે સિડની રાજકારણમાં પ્રવેશ્યા. તેમાં તેમણે લંડનમાં શિક્ષણનો કાર્યક્રમ ઘડવામાં સહાય કરી. વેબ સિડની અને બિયેટ્રિસ બંનેએ 1895માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ ઍન્ડ પૉલિટિકલ સાયન્સની સ્થાપના કરવામાં આગેવાની લીધી. બિયેટ્રિસ શ્રીમંત હોવાથી તે દંપતી બ્રિટિશ મજૂર ચળવળના અભ્યાસમાં રોકાયેલાં રહી શક્યાં. ‘ધ હિસ્ટરી ઑવ્ ટ્રેડ યુનિયનિઝમ’ (1894), અને ‘ઇન્ડસ્ટ્રિયલ ડેમૉક્રસી’ (1897) જેવાં સંખ્યાબંધ પુસ્તકો લખવાની તેમણે પહેલ કરી.

બિયેટ્રિસે 1906થી 1909 સુધી બ્રિટનમાં ગરીબીની તપાસ કરવા માટે નિમાયેલા રૉયલ કમિશન ઑન ધ પુઅર લૉમાં સેવા આપી. તેમણે અને સિડનીએ આ કમિશન માટે હેવાલ લખ્યો. તેના ફલસ્વરૂપે બધા નાગરિકો માટે લઘુતમ જીવનધોરણની ખાતરી આપતો ધારો પસાર કરવામાં આવ્યો. ઈ. સ. 1913માં વેબ દંપતીએ ‘ન્યૂ સ્ટેટ્સમૅન’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું, જેમાં તેમના સમાજવાદી વિચારોનો ફેલાવો કરવામાં આવ્યો.

પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન સિડની મજૂરપક્ષમાં સક્રિય બન્યા અને તેની કારોબારી સમિતિમાં ચૂંટાયા. તેમણે 1918માં એક નિવેદન તૈયાર કરીને તેમાં પક્ષનો ઉદ્દેશ સમાજવાદનો રાખ્યો. 1922માં સિડની પાર્લમેન્ટમાં ચૂંટાયા. 1924માં અને 1929થી 1931 સુધી તેઓ મજૂરપક્ષની સરકારમાં કૅબિનેટ-પ્રધાન હતા.

બિયેટ્રિસે 1872થી નોંધપોથી લખી હતી. તેને સુધારીને, સંપાદન કરીને ‘માય એપ્રેન્ટિસશિપ’ (1926) તથા ‘અવર પાર્ટનરશિપ’ (1948) પુસ્તકો પ્રગટ કરવામાં આવ્યાં. તેમાં એ દંપતીની કારકિર્દીની પ્રમાણભૂત નોંધ મળે છે.

જયકુમાર ર. શુક્લ