વેબ્સ્ટર, જૉન (જ. 1580 ?; અ. 1625 ?) : અંગ્રેજ નાટ્યકાર. શેક્સપિયરના સમકાલીન, એલિઝાબેથના સમયના, મહાન કરુણાંત નાટકોના સર્જક. તેમના જીવન વિશે આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી. પિતા બગી બનાવનાર અને સ્મિથફિલ્ડમાં રહેતા હતા. પિતાનો વ્યવસાય પુત્રે પણ અપનાવેલો. તેમના સમયના માર્સ્ટનના ‘ધ માલકન્ટેન્ટ’ અને ડેકરના ‘ધ વેસ્ટવર્ડ હો’ નાટકોના લખાણમાં તેમનો ફાળો છે. ‘ધ ડેવિલ્સ લૉ કેસ’ (1610 ?) તેમનું રોમાંચક પણ સુગ્રથિત નહિ તેવું કરુણ નાટક છે. ‘ધ વ્હાઇટ ડેવિલ’ (1612 ?) અને ‘ધ ડચેસ ઑવ્ માલ્ફી’ (1613) તેમનાં ખૂબ જાણીતાં કરુણ નાટકો છે. ‘મોમેન્ટ્સ ઑવ્ ઑનર’ (1624) તેમનું અધૂરું સર્જન છે. મિડલટનના નાટક ‘એનીથિંગ ફૉર અ ક્વાએટ લાઇફ’ (1621 ?) અને વિલિયમ રોલીના ‘અ ક્યૉર ફૉર અ કકુલ્ડ’(1624 ?)માં તેમનો હિસ્સો છે.
‘ડચેસ ઑવ્ માલ્ફી’માં એક ડ્યૂકની વિધવા સ્ત્રી ડચેસને બે ભાઈઓ છે. એક ભાઈ કાર્ડિનલ (ધર્મગુરુ) અને બીજો ફર્ડિનાન્ડ કેલેબ્રિયાના ડ્યૂક છે. પોતાની બહેન પુનર્લગ્ન ન કરે તેવો બંને ભાઈઓનો આશય છે. બહેનની જાગીર પડાવી લેવામાં તેમને રસ છે; પરંતુ ડચેસ તો તેના સ્ટૂઅર્ટ ઍન્ટૉનિયો સાથે ખાનગીમાં લગ્ન કરી લે છે. ભાઈઓ બોસોલા નામના જાસૂસને મહેલમાં તહેનાત કરે છે. જોકે ડચેસ એક પુત્રને જન્મ આપે છે. તે અને તેનો પતિ બંને ભાગી જાય છે, પરંતુ ડચેસ પકડાઈ જાય છે. ગાંડાંઓની સાથે ડચેસને રાખી તેના પર માનસિક ત્રાસ ગુજારવામાં આવે છે. ભાઈઓ તેને અને તેનાં બાળકોને મારી નાંખે છે. હવે બોસોલાનો વારો આવે છે. જોકે બોસોલા કોઈ અજાણ્યાને કાર્ડિનલ માની મારી નાંખે છે; તે બીજું કોઈ નહિ, પરંતુ ઍન્ટૉનિયો જ હોય છે. હવે પશ્ર્ચાત્તાપનું ઝરણું ફૂટે છે. બોસોલા છેવટે કાર્ડિનલનું ખૂન કરે છે; પરંતુ ફર્ડિનાન્ડ તેને મારી નાંખે છે. આ પહેલાં બહેનના મૃતદેહને જોઈ, તેના પરથી ઢાંકેલું વસ્ત્ર ઉઠાવતાં, જગપ્રસિદ્ધ પંક્તિઓમાં પસ્તાવો કરે છે. ‘કવર હર ફેસ, માઇન આઇઝ ડેઝલ સી ડાઇડ યંગ’ (‘ઢાંકી દો તેના ચહેરાને, મારી આંખોને હવે કંઈ દેખાતું નથી, ખરેખર તેનું અવસાન અકાળે થઈ ગયું’) ‘ધ વ્હાઇટ ડેવિલ’માં ઝેર આપીને મારી નંખાવેલ ડ્યૂક બ્રેચિયાનો અને તેની પત્ની ઇઝાબેલાની કરુણ કહાણી છે.
વીસમી સદીમાં વેબ્સ્ટરનું પુનર્મૂલ્યાંકન થતાં તેમની કટાક્ષશક્તિ અને નીતિની ભાવનાને બિરદાવવામાં આવ્યાં છે. એફ. એલ. લુકાસે ચાર ગ્રંથોમાં વેબ્સ્ટરની કૃતિઓનું સંપાદન કર્યું છે.
વિ. પ્ર. ત્રિવેદી