વેબ્સ્ટર, નૉઆહ્ (. 16 ઑક્ટોબર 1758, વેસ્ટ હાર્ટફૉર્ડ, કનેક્ટિકટ, યુ.એસ.; . 28 મે 1843, ન્યૂ હેવન, કનેક્ટિકટ) : અમેરિકન કોશકાર. 16 વર્ષની ઉંમરે યૅલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો; પરંતુ સ્વાતંત્ર્ય-યુદ્ધમાં ભાગ લેવા માટે થોડો સમય લશ્કરમાં સેવા આપી. 1778માં સ્નાતકની ઉપાધિ મેળવી. શાળામાં શિક્ષક બન્યા બાદ કારકુનની નોકરી પણ કરી. કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1781માં બૅરિસ્ટર થયા. ન્યૂયૉર્કની ગોર્શન સંસ્થામાં અધ્યાપન કરતી વેળા બાળકો માટેનાં પાઠ્યપુસ્તકોથી તેમને સંતોષ ન થતાં, અમેરિકન સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ માટે જીવનભરનું કાર્ય નિર્ધાર્યું. સૌપ્રથમ તેમણે ‘અ ગ્રામેટિક્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ધી ઇંગ્લિશ લૅંગ્વેજ’ માટે યોજના કરી અને તેના પરિપાક રૂપે ‘ધી અમેરિકન સ્પેલિંગ બુક’ (1783) પ્રસિદ્ધ કરી. ‘બ્લૂ બૅક્ડ સ્પેલર’ની આવૃત્તિઓ અવારનવાર બહાર પડ્યાં જ કરે છે. જોડણીનું કામ વેબ્સ્ટરે જીવનભર ચાલુ રાખ્યું. 1890 સુધીમાં તેની દસ કરોડથી પણ વધુ નકલો વેચાઈ ગઈ હતી. ‘અમેરિકન ઇંગ્લિશ’ને તેમણે ‘ફેડરલ ઇંગ્લિશ’ તરીકે ઓળખાવ્યું. શબ્દોની ભીતરમાં તેમનો મનસૂબો લોકશાહીના આદર્શો અને નૈતિક અને રાજકીય વર્તણૂકના પાયાનું ચણતર કરવાનો હતો. પોતાના આ મહાન પુસ્તકના ‘કૉપીરાઇટ’ માટે, તેમણે મજબૂત મધ્યસ્થ સરકાર માટે ‘ફેડરાલિસ્ટ’ તરીકે ઉત્સાહપૂર્વક કાર્ય કર્યું. 13 રાજ્યોમાં તે અંગે કાયદો કરાવવા માટે ‘સ્કૅચિઝ ઑવ્ અમેરિકન પૉલિસી’(1785)માં ફેડરલ સરકાર માટે પોતાના વિચારો પ્રગટ કર્યા. આ માટે તેમણે અનેક મહાનુભાવો અને સંસ્થાઓને પત્રો લખ્યા અને પ્રવાસો ખેડી વ્યાખ્યાનો આપ્યાં. તેમણે ‘અમેરિકન મૅગેઝીન’ની સ્થાપના ન્યૂયૉર્ક સિટીમાં કરી. તેમણે અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, દાક્તરી વિજ્ઞાન પર અનેક પુસ્તકો લખ્યાં. ‘જર્નલ ઑવ્ જૉન વિન્થ્રોપ’(1790)નું સંપાદન તેમણે કર્યું. બેન્જામિન ફ્રૅન્કલિનના કહેવાથી તેમણે ‘ડિઝર્ટેશન ઑન ધી ઇંગ્લિશ લૅંગ્વેજ’(1798)માં પોતાની જોડણી વિશેના ક્રાંતિકારી વિચારો પ્રગટ કર્યાં. તેમણે ‘ધી અમેરિકન મિનરવા’ નામનું દૈનિક અને ‘ધ હેરાલ્ડ’ અઠવાડિક સામયિક દશ વર્ષ સુધી ચલાવ્યાં. બ્રિટિશ અને અમેરિકન અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણીમાં જે ભેદ દેખાય છે તે વેબ્સ્ટરને આભારી છે. ડૉ. જૉન્સનના શબ્દકોશના કેટલાક શબ્દો અને વ્યાખ્યાઓ સામે તેમનો વિરોધ હતો. બાઇબલનાં કેટલાંક વાક્યો અને શબ્દોમાં તેમણે સુધારાઓ પ્રસિદ્ધ કર્યા હતા.

નૉઆહ્ વેબ્સ્ટર

વેબ્સ્ટર 1798માં ન્યૂ હેવનમાં રહેવા ગયા. ત્યાંના સ્થાનિક રાજકારણમાં તેઓ સક્રિય હતા. તેમણે કનેક્ટિકટ એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સિઝની સ્થાપના કરી. મેસેચ્યૂસેટ્સ વિધાનસભાના તેઓ સભ્ય બન્યા હતા. ‘એમહર્સ્ટ એકૅડેમી’ અને ‘એમહર્સ્ટ કૉલેજ’ની સ્થાપનામાં તેમણે સક્રિય રસ લીધો હતો.

1806માં વેબ્સ્ટરે ‘કમ્પેન્ડિયસ ડિક્શનરી ઑવ્ ધી ઇંગ્લિશ લૅંગ્વેજ’ પ્રસિદ્ધ કરી. શરૂઆતમાં ડૉ. જૉન્સનના શબ્દકોશ કરતાં તેમાં 5,000 જેટલા વધારે શબ્દો હતા. 1807માં તેમણે ‘અમેરિકન ડિક્શનરી’ પર કામ શરૂ કર્યું. તેમને 20 ભાષાઓ સાથે થોડોઘણો મહાવરો હતો. શબ્દોના સીધા સંબંધ માટે તેમણે ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડનો પ્રવાસ કર્યો હતો.

‘એન અમેરિકન ડિક્શનરી ઑવ્ ધી ઇંગ્લિશ લગ્વેજ’ બે ભાગમાં 1828માં પ્રસિદ્ધ થઈ ત્યારે વેબ્સ્ટર 70 વર્ષની ઉંમરે પહોંચ્યા હતા. આ પુસ્તકની અમેરિકામાં 2,500 અને ઇંગ્લૅન્ડમાં 3,000 નકલો વેચાઈ હતી. ઇંગ્લૅન્ડમાં તેની ટીકા થઈ હતી. આ શબ્દકોશમાં 70,000 શબ્દોનો સમાવેશ થતો હતો અને જુદા જુદા 40,000 શબ્દોની વ્યાખ્યાઓની અહીં સૌપ્રથમ રજૂઆત થઈ હતી. ડૉ. જૉન્સનની સાથે સંમત ન થનાર વેબ્સ્ટર પર તેમનું ઋણ નિ:શંક હતું. અમેરિકામાં આ શબ્દકોશના સર્વહક્ક (copyright) ‘જ્યૉર્જ ઍન્ડ ચાર્લ્સ મરિયમ’ કંપનીએ મેળવી લીધેલ.

વેબ્સ્ટરને યેલ યુનિવર્સિટી કૅમ્પસની નજીક દફનાવવામાં આવ્યા હતા. યુવાનીમાં અત્યંત ચર્ચાસ્પદ, પોતાના વિવેચકો પ્રત્યે અસમાધાનકારી અને રાજકારણમાં પોતાનાં પાછલાં વર્ષોમાં રૂઢિચુસ્ત એવા આ શબ્દકોશકારનું વ્યક્તિત્વ હજુ પણ યાદ રહી જાય તેવું છે.

વિ. પ્ર. ત્રિવેદી