વેન્ચુરી, રૉબર્ટ (જ. 1925, ફિલાડૅલ્ફિયા, અમેરિકા) : અનુઆધુનિકતાવાદના જન્મદાતા, પ્રણેતા તથા પ્રથમ અનુઆધુનિક સ્થપતિ. પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં તેમણે પ્રાધ્યાપક જ્યાં લાબાતુ હેઠળ સ્થાપત્યનો અભ્યાસ કર્યો. ત્યારબાદ 1954માં તેઓ રોમ ગયા. ત્યાં તેમને સ્થાપત્યક્ષેત્રનો પ્રતિષ્ઠિત ખિતાબ ‘પ્રિ દે રોમા’ મળ્યો.
રોમમાં વિરાટકાય ભવ્ય પ્રાચીન રોમન સ્થાપત્યમાં તેમને કોઈ રસ પડ્યો નહિ, પણ રોમની પ્રાચીન પોળોમાં રસ પડ્યો, અદના આદમી માટેના સ્થાપત્યમાં જ તેમણે તેમની રુચિ કેન્દ્રિત કરી. તેઓ ધીમે ધીમે સ્થાપત્યની આધુનિક આંતરરાષ્ટ્રીય શૈલીથી દૂર ખસતા ગયા અને પ્રાચીન પ્રણાલીઓની નજીક પહોંચતાં ગયા. થોડો સમય તેમણે વિશ્વવિખ્યાત સ્થપતિ લુઈ કાહ્નના મદદનીશ તરીકે કામ કર્યું. કાહ્ન પણ આ સમયે આધુનિક આંતરરાષ્ટ્રીય શૈલીથી દૂર ખસીને ધીમે ધીમે પ્રાચીન રોમન શૈલી તરફ ઢળી રહ્યા હતા. કાહ્ન અને વેન્ચુરી બંને અસૌમ્ય કહી શકાય તેવાં સ્થાપત્યો, મકાનો સર્જી રહ્યા હતા. 1966માં વેન્ચુરીએ પુસ્તક લખ્યું ‘કૉમ્પ્લેક્સિટી ઍન્ડ કૉન્ટ્રાડિક્શન ઇન આર્કિટેક્ચર’. ઇટાલિયન મૅનરિસ્ટ અને બરોક-સ્થાપત્યોનો અભ્યાસ કરી તેમણે આ પુસ્તકમાં એવું પ્રતિપાદન કર્યું કે ભૂતકાળનાં ભવ્ય સ્થાપત્યોમાં પ્રશિષ્ટ શિસ્તનું ઉલ્લંઘન કરી ચમત્કૃતિ અને અરૂઢ પરિણામો નિપજાવેલાં જોવા મળે છે.
કોઈ પણ મકાનનું સ્થાપત્ય માત્ર કોઈ એક જ શૈલીને અનુસરતું હોવું જોઈએ. એવા આધુનિકતાવાદના વણલખ્યા સાર્વત્રિક ચુસ્ત નિયમને તેમણે એક ઠોકરે ફગાવી દેતાં કહેલું, ‘જે ઓછું છે તે કંટાળાજનક છે’. – Less is a bore. એકથી વધુ શૈલીઓનાં સંયોજનથી રચાતાં સ્થાપત્યોની તેમણે આ પુસ્તકમાં હિમાયત કરી છે. વળી આ પુસ્તકમાં તેમણે આધુનિકતાવાદ અને આધુનિક સ્થાપત્યની કડક શબ્દોમાં ઝાટકણી પણ કાઢી છે. કાચ, કૉન્ક્રીટ અને પોલાદનાં બનેલાં આધુનિક સ્થાપત્યો વિરાટકાય ખોખાં જેવાં ભાસે છે અને તેથી તે વિકરાળ જણાય છે. આને કારણે તે માનવીના મનમાં હકારાત્મક અને શાંતિદાયક, આરામદાયક પ્રતિભાવ જગાડવાના બદલે તેને ડરામણાં, બિહામણાં અને રાક્ષસી જણાય છે. તેમણે આ પુસ્તકમાં એક પયગંબરી વિધાન કર્યું છે : ‘હવે પછી સ્થપતિઓને રૂઢિચુસ્ત આધુનિક સ્થાપત્યોની શુદ્ધ શૈલીઓને વળગી રહેવાનું પરવડશે નહિ’. (Architects can no longer be intimidated by the puritanically moral language of orthodox modern architecture.)
વેન્ચુરીએ આ પુસ્તકમાં સ્પષ્ટ કર્યું છે કે ‘આધુનિકતાવાદની ચળવળ ક્યારનીય ઘરડી થઈ ચૂકી છે, વાસી થઈ ચૂકી છે. બીજી પેઢીના આધુનિક સ્થપતિઓએ આધુનિક ક્રાંતિમાંથી ક્રાંતિના તત્વની બાદબાકી કરી નાંખી. પોતાના સ્વાર્થી હેતુ સાધવા માટે આધુનિક ચળવળને સ્થાપિત હિતમાં ફેરવી નાંખી છે. આધુનિક ચળવળ અમાનવીય છે, સમકાલીન માનવીની જરૂરિયાતોની તે સદંતર ઉપેક્ષા કરે છે. વિરાટ કદનાં રાક્ષસી બાંધકામો માનવીની એકલતામાં વધારો કરે છે અને એકધારો કંટાળો ઉપજાવે છે. બાઉહાઉસના અને તેનાંથી પ્રેરણા પામેલા બધા જ સ્થપતિઓએ આમ જ કર્યું છે.’
નગરઆયોજક પત્ની ડેનિસે સ્કૉટ બ્રાઉન સાથે વેન્ચુરીએ બીજું પુસ્તક લખ્યું ‘લર્નિગ ફ્રૉમ લાસ વેગાસ’. આ પુસ્તકમાં લાસ વેગાસના રસ્તાઓનો અને ટ્રાફિકનો વ્યવસ્થિત અભ્યાસ છે. ભાવિમાં નવા પ્રકારનાં વાહનો શોધાય તો તે માટે કેવા રસ્તા જોઈએ તે માટે અહીં સૂચનો મૂકવામાં આવ્યાં છે. સમકાલીન અવ્યવસ્થિત ટ્રાફિકને તેમણે અનુઆધુનિકતાનું પ્રતીક ગણી, તેને ‘ધબકતું માનવીય જીવન’ કહી બિરદાવ્યો છે, તેની પ્રશંસા કરી છે.
વિવેચક આદા લુઈસી હક્સેબલે વેન્ચુરીને ‘અંધાધૂંધી અરાજકતાના ગુરુ’ (‘ગુરુ ઑવ્ કૅઓસ’) કહી બિરદાવ્યા. 1955 પછી જન્મેલા સ્થપતિઓ, ડિઝાઇનરો અને કલાકારો વેન્ચુરીને હવે દેવ કે ગુરુ સમાન માનવા માંડ્યા; પરંતુ અત્યાર સુધી નાનકડા પ્રૉજેક્ટ પાર પાડતા વેન્ચુરીને છેક 1986માં વિશાળ કદનો પ્રૉજેક્ટ મળ્યો : ટ્રાફેલ્ગાર સ્ક્વેર ખાતે લંડનની નૅશનલ ગૅલરીને વિસ્તારવાનો. આ ઉપરાંત ફિલાડૅલ્ફિયા ખાતેના ‘ગિલ્ડ-હાઉસ’ તથા ‘ચેસ્ટનટ હિલ હાઉસ’ વેન્ચુરીનાં મહત્વનાં સ્થાપત્ય-સર્જનો ગણાય છે. આ બધાં સ્થાપત્યોના સર્જનમાં માનવીની જરૂરિયાતો સંતોષી શકે તેવી નેમ અને વિકરાળ રાક્ષસીપણાનો અનુભવ માનવીને થાય નહિ તેની તકેદારી પણ રાખી છે. સ્થપતિની નહિ પણ લોકોની આકાંક્ષાઓ સંતોષાવી જોઈએ તેવી તેમની નીતિ પણ અહીં સિદ્ધ થતી જોવા મળે છે.
અમિતાભ મડિયા