વેનેરા, અંતરીક્ષયાન : શુક્ર ગ્રહના અન્વેષણ માટે 1961થી 1983 દરમિયાન સોવિયેત રશિયાએ પ્રક્ષેપિત કરેલાં અંતરીક્ષયાનો. આ યાનોને વેનેરા (Venera) અંતરીક્ષયાનો તરીકે ઓળખાવવામાં આવેલ. તેમની વિગતો નીચે પ્રમાણે છે :
12 ફેબ્રુઆરી 1961ના રોજ પ્રક્ષેપિત કરાયેલું વેનેરા-1 સૂર્યની પ્રદક્ષિણા કરતી કક્ષામાં મુકાયું હતું, જેમાં તે શુક્ર ગ્રહથી લગભગ એક લાખ કિમી. અંતર સુધી જતું હતું. ત્યારપછી 12 નવેમ્બર, 1965ના રોજ પ્રક્ષેપિત કરાયેલું વેનેરા-2 યાન પણ એ જ પ્રકારની સૌરકેન્દ્રીય કક્ષામાં મુકાયું હતું, જેમાં તે યાન શુક્ર ગ્રહથી 24,000 કિમી.ના અંતર સુધી જતું હતું.
શુક્ર ગ્રહની ખાસ વિશિષ્ટતા એ છે કે તે હંમેશાં ઘટ્ટ વાદળાંથી ઘેરાયેલો રહે છે, આથી તેની તસવીરમાં તેની સપાટી (ભૂમિ) દેખાતી નથી. આ કારણથી 16 નવેમ્બર, 1965ના રોજ પ્રક્ષેપિત કરાયેલા વેનેર-3 અંતરીક્ષયાનમાંથી વિવિધ ઉપકરણયુક્ત એક અન્વેષીયાન (probe) હવાઈ-છત્રીની મદદથી શુક્રની ધરતી પર ધીમી ગતિથી ઉતારવામાં આવ્યું હતું. જોકે સપાટી પર ઊતર્યા બાદ થોડી ક્ષણોમાં તેની સાથેનો રેડિયો-સંપર્ક કપાઈ ગયો હતો, એટલે કોઈ માહિતી મળી નહોતી.
12 જૂન 1967ના રોજ પ્રક્ષેપિત થયેલા વેનેરા-4 અંતરીક્ષયાનને સફળતાપૂર્વક શુક્રની સપાટી પર ઉતારવામાં આવ્યું હતું તથા તેનાં ઉપકરણોની મદદથી શુક્રના વાતાવરણનાં ભૌતિક પરિબળો; જેવાં કે, સપાટી પરનું વાતાવરણનું દબાણ, ઘનતા, તાપમાન અને તેના રાસાયણિક ઘટકો વિશે અગત્યની માહિતી મળી હતી. આ માહિતી પ્રમાણે શુક્રની સપાટીનું તાપમાન 540° સે., તેના વાતાવરણમાં 96 % કાર્બન ડાયૉક્સાઇડ અને લગભગ 3.5 % નાઇટ્રોજન છે અને સપાટી પરના વાતાવરણના દબાણ કરતાં શુક્ત સપાટીપર લગભગ 90 ગણું ભારે છે.
ત્યારપછી વેનેરા-5, વેનેરા-6 (1969) તથા વેનેરા-7 (1970) અને વેનેરા-8 (1972) અંતરીક્ષયાનોનાં અન્વેષી યાનો પણ શુક્ર ગ્રહની સપાટી પર ઊતર્યાં હતાં અને તેમના દ્વારા વાતાવરણનાં પરિબળો વિશે ઉપર જણાવ્યા પ્રમાણે થોડી જાણકારી મળી હતી.
1975 દરમિયાન વેનેરા-9 અને વેનેરા-10 અંતરીક્ષયાનો દ્વારા શુક્ર ગ્રહના વાતાવરણ વિશે વધારે જાણકારી મળી હતી તથા તે ઉપરાંત તેની સપાટીની ટેલિવિઝન તસવીરો પણ મળી હતી. 1981થી 1983 દરમિયાન વેનેરા-13, 14, 15, 16 અંતરીક્ષયાનો શુક્ર ઉપર મોકલવામાં આવ્યાં હતાં. વેનેરા-13, 14ની મદદથી શુક્રની સપાટીની રંગીન ટેલિવિઝન-તસવીરો મળી હતી, જેમાં તેની સપાટી મુખ્યત્વે કેસરી-પીળા રંગની દેખાતી હતી, જ્યારે વાદળાં કેસરી રંગનાં દેખાતાં હતાં. આ ઉપરાંત, તેનાં સ્વયંચાલિત ઉપકરણો દ્વારા સપાટીની ધૂળનું રાસાયણિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વેનેરા15, 16માં મૂકેલાં રડાર યંત્રો વડે શુક્રની સપાટીનાં કમ્પ્યૂટર-આધારિત ચિત્રો મેળવી શકાયાં હતાં.
પરંતપ પાઠક