વેનેત્ઝિયાનો, ડૉમેનિકો [(Veneziano, Domenico)

February, 2005

વેનેત્ઝિયાનો, ડૉમેનિકો [(Veneziano, Domenico) (. સંભવત: 1410, વેનિસ, ઇટાલી; . સંભવત: 1461, ઇટાલી)] : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. એના જીવન વિશે પ્રમાણભૂત માહિતી ખૂબ ઓછી મળે છે. શરૂઆતથી જ એ ફ્લૉરેન્સ આવી વસેલો. ચિત્ર ‘મૅડોના ઍન્ડ ચાઇલ્ડ વિથ સેન્ટ’ એની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે. તેમાં કમાનોની નીચે સ્તંભમાળા વચ્ચે બેઠેલી મૅડોના (માતા મેરી) ખોળામાં બાળ ક્રાઇસ્ટને રમાડતી અને આજુબાજુ ઊભેલા સંતો સાથે વાતો કરતી નજરે પડે છે. રૈખિક પરિપ્રેક્ષ્ય(linear perspective)ને અનુસરીને ચીતરવામાં આવેલા આ ચિત્રમાં વિગલન બિંદુ(vanishing point)ને સ્થાને મૅડોનાનું મસ્તિષ્ક ચીતરીને વેનેત્ઝિયાનોએ ચિત્રના સૌથી મહત્વના સ્થાને સૌથી વધુ મહત્વની ચીજ ગોઠવી છે. સંતોમાં સેંટ જૉન મૅડોના તરફ આંગળી ચીંધી આ ચિત્રમાંનું મહત્વનું સ્થાન દર્શકો તરફ તાકી તેમને સૂચવતા લાગે છે. મૅડોનાની અંગભંગિ અને આંખો મસાચિયોની મૅડોનાઓ જેવી છે; પણ રંગ ખૂબ જ ખૂલતા અને મધુર છે.

અમિતાભ મડિયા