વેધશાળા, પ્રાચીન : પ્રાચીન ભારતમાં આકાશી પદાર્થોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તેમનાં સ્થાન, ગતિ વગેરે યંત્રોથી નક્કી કરવાની જગ્યા. પ્રાચીન કાળમાં આ પ્રકારનાં ખાસ મકાનોનું અસ્તિત્વ હોવા અંગેનું ચોક્કસ વર્ણન મળતું નથી; પરંતુ જ્યોતિષ અને ગ્રહોના વેધ લેવાની પદ્ધતિનાં અલગ અલગ વર્ણનો કે પ્રયત્નો થયેલાં જોવા મળે છે. વળી યુરોપિયન પદ્ધતિનું વેધગણિત પ્રત્યક્ષથી જુદું પડે છે. ખાસ તો ચંદ્રદર્શન, ગ્રહોના ઉદય-અસ્ત, ગ્રહણ, ગ્રહયુતિ વેધોની સાથે મળતી આવતી ન હોઈ, દિલ્હીના બાદશાહ મહમ્મદશાહે ઈ. સ. (1720થી 1748) દરમિયાન તત્કાલીન રાજા જયસિંહને આ બાબતે નિર્ણય આપવા કહ્યું. સમરકંદમાં મિર્ઝા ઉલુઘ બેગે વેધ માટેનાં વિવિધ યંત્રો બનાવ્યાં અંગેની વિગતો મેળવી એ પછી જયસિંહે દિલ્હીમાં વેધ લેવા માટેનાં યંત્રો બનાવ્યાં.

ભારતમાં જયસિંહની વેધશાળાનાં યંત્રો માટેની પરિકલ્પના પિત્તળનાં યંત્રોની હતી, પણ તે સિદ્ધ થતી ન હોઈ; તેમજ હિપાર્કસ, ટૉલેમીનું વેધગણિત, ગ્રહોના વેધ સાથે મળતું ન હોઈ, પિત્તળનાં પ્રાચીન યંત્રો જોવા મળતાં નથી.

પથ્થરનાં યંત્રો : જયસિંહે 18 હાથની ત્રિજ્યાવાળા અને દોઢ જવ જેટલી કળા ધરાવતા પરિઘવાળા અને સંપૂર્ણ નક્કર પથ્થર અને ચૂનાનાં બનેલાં મજબૂત અને વર્ષો સુધી ઘસારો ન લાગે તેવાં યંત્રો બનાવ્યાં. જેમાં રામયંત્ર, જયપ્રકાશ અને સમ્રાટયંત્ર વગેરેનો ઉલ્લેખ મળે છે. આમ આકાશી ગ્રહોના વેધ લેવા માટેની સૂક્ષ્મતા  ચોકસાઈનો યુગ શરૂ થયો.

પશ્ચિમમાં લિયેલના નામથી પ્રસિદ્ધ થયેલાં ગ્રહકોષ્ટકોનું ગણિત વેધની સાથે મળતું નહોતું. ચંદ્રમાં 1/2° (અર્ધો અંશ) અને અન્ય ગ્રહોનાં ગણિતમાં પણ ભૂલો હોવાનું જણાયું. જેથી ગણિતના નિયમો બહુ સૂક્ષ્મ અને સાચા હોય તેવો ગ્રંથ જયસિંહે હિજરી સન 1141(ઈ. સ. 1728, શક સં. 1650)માં બાદશાહની ઇચ્છાથી બનાવીને પૂર્ણ કર્યો. તેનું ગણિત વેધની સૂક્ષ્મતાને અનુસરે છે.

હંટરે આપેલું વેધશાળાનું વર્ણન : હંટરે ‘એશિયાટિક રિસર્ચિઝ’માં ચાર વેધશાળાઓનું વર્ણન આપ્યું છે (ઈ. સ. 1799). શેરિંગના અંગ્રેજી પુસ્તક ‘કાશી ક્ષેત્રવર્ણન’(ઈ. સ. 1868)માં તેમજ ‘કાશીની વેધશાળાનું વર્ણન’ નામના પં. બાપુદેવના લેખમાં ‘માનમંદિરસ્થ યંત્રવર્ણન’ આપેલું છે.

માનમંદિર : આ વેધશાળા ગંગાના કિનારે માનમંદિર ઘાટ ઉપર આવેલ છે. આ વેધશાળાની ઇમારત અને તે મહોલ્લો આજે પણ જયપુરના રાજાની માલિકીનો છે. વેધશાળાનું મકાન મજબૂત છે. બહાર પગથિયાં છે. ત્યાંથી ઉપર જતાં આંગણું છે. તેમાંથી ઉપર જતાં સીડી ચડતાં વેધશાળાનો મુખ્ય ભાગ આવેલો છે. વેધશાળાનાં કેટલાંક યંત્રો ઘણાં મોટાં છે. બાંધકામ ટકાઉ છે. તે હજારો વર્ષ સહેજે ટકી શકે તેવું છે, સૂક્ષ્મ છે. તેનાં યંત્રો વડે સૂક્ષ્મ વેધ લઈ શકાય તેવો આ યંત્રો બનાવનારનો હેતુ જણાઈ આવે છે. જાળવણીના અભાવે, ગરમી, વરસાદ અને હવામાનને લીધે યંત્રો બરાબર કામ કરતાં નથી. ઘસારાને લીધે અક્ષરો કે દિશાઓ વગેરે જણાવતા ભાગો દેખાતા નથી.

ભિત્તિયંત્ર : વેધશાળામાં જતાં સૌપ્રથમ ભિત્તિયંત્ર નજરે પડે છે. તે એક 3.35 મીટર (11 ફૂટ) ઊંચી, 3.06 મીટર (9 ફૂટ સવા ઇંચ) પહોળી ઉત્તરદક્ષિણ દિશામાં ચણેલી દીવાલ છે. તે યંત્ર વડે મધ્યાહ્ને સૂર્યના ઉન્નતાંશ અને નતાંશ તેમજ સૂર્યની પરમ ક્રાંતિ અને સ્થળનાં અક્ષાંશ કાઢી શકાય છે. યંત્રની પાસે પથ્થરનું અને બીજું ચૂનાના પથ્થરનું – એમ બે મોટાં વર્તુળો છે. એક પથ્થરનો ચોરસ છે. શંકુચ્છાયા અને દિગંશ કાઢવા માટે તેનો ઉપયોગ થતો હશે.

યંત્રસમ્રાટ : યંત્રસમ્રાટ નામનું એક મોટું યંત્ર છે. તે યામોત્તરવૃતમાં બાંધેલી 10.97 મીટર (36 ફૂટ) લાંબી અને 1.37 મીટર (4 1/2 ફૂટ) જાડી ભીંત છે. એક છેડો 1.94 મીટર (6 ફૂટ 4 1/4 ઇંચ) ઊંચો અને બીજો 6.79 મીટર (22 ફૂટ 3 1/2 ઇંચ) ઊંચો છે. આ ભીંત ઉત્તર તરફ થોડી ઊંચી થતી ગઈ હોઈને તેના ઉપરથી ધ્રુવ દેખાય છે. આ યંત્રથી આકાશી પદાર્થોનું યામ્યોત્તરથી અંતર, ક્રાંતિ અને વિષુવાંશ કાઢી શકાય છે. બીજું એક બેવડું ભિત્તિયંત્ર છે. તેની પૂર્વ તરફ પથ્થરનું નાડી-વલય છે. બે ભીંતની વચ્ચે એક ચક્ર-યંત્ર છે. તારાઓની ક્રાંતિ જોવા આ યંત્ર ઉપયોગમાં લેવામાં આવતું હશે. તેની નજીક એક દિગંશ-યંત્ર છે. તારાઓના દિગંશ કાઢવા માટે તેનો ઉપયોગ થતો હતો.

પ્રાચીન વેધપરંપરા : લાકડી, નળી કે સળી જેવો નક્કર પદાર્થ સૂર્યની વચ્ચે રાખી, તે ઉપરથી સૂર્ય વગેરે આકાશી પદાર્થો જોવા તેનું નામ વેધ. પદાર્થનું બિંબ વિદ્ધ થાય, વીંધાય છે, તેને લીધે આ ક્રિયાને ‘વેધ’ એવું નામ આપવામાં આવ્યું છે. માત્ર દૃષ્ટિથી આકાશી પદાર્થને જોવા તે અવલોકન કહેવાય  દૃષ્ટિવેધ કહેવાય. લાકડી વગેરે સાધનોને સામાન્ય રીતે યંત્રો કહે છે. તે યંત્રવેધ ગણાય છે.

પ્રાચીન પરંપરામાં વેધપરંપરા નથી, વેધયંત્રો નથી, એમ યુરોપિયનો કહે છે; પણ 27 નક્ષત્રો ઋગ્વેદકાળથી જાણવા મળે છે. ઋગ્વેદમાં સપ્તર્ષિઓની જાણકારી હતી. યજુર્વેદમાં પણ તેનાં વર્ણનો છે. નક્ષત્ર-તારાઓ, રોહિણી ઉપર ચંદ્રની અતિશય પ્રીતિ વગેરેની તૈત્તિરીય સંહિતામાં કથા છે.

શનિકૃત રોહિણી શકટભેદનું જ્ઞાન 7 હજાર વર્ષ પૂર્વેથી ભારતમાં પ્રચલિત હતું. વળી મહાભારતમાં ગ્રહો, ધૂમકેતુ, તારાઓનું તેમજ વિવિધ ગ્રહોના સંચરણનું ઉત્તમ જ્ઞાન જ્યોતિષ-સંહિતાઓ આપે છે.

રાજ્યાશ્રયથી વેધનું કાર્ય થતું. જ્યોતિષીઓએ અનેક ગ્રંથોમાં મધ્યમ ગ્રહોના બીજ-સંસ્કારો કહ્યા છે. તે વેધપરંપરા, વેધજ્ઞાન પરંપરા હોવાનો પુરાવો છે જ. કેશવે પોતે કરેલા વેધનું વર્ણન આપ્યું છે. કમલાકરે ધ્રુવ તારાને ચલન હોવાનું કહ્યું છે. યુરોપિયનોનું ભારતીય જ્યોતિષ પરંપરામાં વેધપ્રથા નથી એમ કહેવું અનુચિત છે, કારણ કે પ્રાચીન ભારતમાં ગુરુશિષ્યની મૌખિક પરંપરાથી એ જ્ઞાન અપાતું, તે આજે સંગૃહીત છે.

ઘરમાં વેધશાળા : ચિંતામણિ દીક્ષિતે ઘરમાં વેધશાળા માટેનું યંત્ર દિશા-સાધન બનાવેલું તેમજ તુકોજી મહારાજના આશ્રયે જ્યોતિષીઓ વેધ લેતા.

હૈદરાબાદના નિઝામ તરફથી જ્યોતિષીઓ સતત વેધ લેવાનું કાર્ય કરતા. કેટલાંક યંત્રો તૈયાર કરવામાં આવ્યાં હતાં. પ્રાચીન પરંપરામાં આવા છૂટક પ્રયત્નો તેમજ વેધ અંગેની કે વેધશાળાનાં યંત્રો અંગેની પ્રવૃત્તિઓ થયેલી જોવા કે જાણવા મળે છે. જયસિંહ દ્વારા બાંધેલી વ્યવસ્થિત પાંચ વેધશાળાઓ જોવા અને જાણવા મળે છે.

જયસિંહ : ભારતીય વેધશાળાના આદ્યસ્થાપક જયસિંહે ઈ. સ. 1728માં વેધ અને વેધયંત્રો બાબતનો ગ્રંથ પૂર્ણ કર્યાનો ઉલ્લેખ મળે છે.

તેઓ ઈ. સ. 1693માં અંભેર(રાજપૂતાના)ના રાજા હતા. અત્યારનું જયપુર શહેર તેમણે વસાવેલું છે. તેમણે જયપુરને રાજધાની બનાવી. તેમણે જયપુર, ઇન્દ્રપ્રસ્થ (દિલ્હી), ઉજ્જયિની, કાશી અને મથુરામાં વેધશાળાઓ સ્થાપી. તેમણે ઝીચ મહમદશાહી નામે અરબી ભાષામાં અને ‘સિદ્ધાંતસમ્રાટ’ નામે સંસ્કૃતમાં ગ્રંથ કર્યા. ‘સિદ્ધાંતસમ્રાટ’ ગ્રંથમાં પહેલા અધ્યાયમાં 14 પ્રકરણ તથા 16 આકૃતિઓનો વિચાર છે. તેમાં જ્યાચાપાદિ રેખાગણિત, સાધ્ય, ત્રિપ્રશ્ર્ન, મધ્યમનો સ્પષ્ટ વિચાર કર્યો છે.

જયસિંહની વેધશાળા, વેધો, અપૂર્વદૃષ્ટ બાબતો વગેરેનું સવિસ્તર વર્ણન કર્યું છે. યુરોપખંડમાં તે સમયમાં ગ્રહ, ગતિસ્થિતિ જેટલી સૂક્ષ્મ કાઢી શકાતી તે કરતાં વધારે સૂક્ષ્મતા જયસિંહે સિદ્ધ કરી. જયસિંહ પોતે વેધકુશળ ગણિતજ્ઞ હતો. વેધ લઈને ‘દૃક્તુલ્ય નવીનીકરણ’ ગ્રંથની મૂળ વિભાવના જયસિંહની જ પોતાની હતી. તેણે પોતાની વેધશાળામાં અરબી, સંસ્કૃત ભાષાના જાણકાર વિદ્વાનો રાખ્યા હતા. વેધ માટે પરદેશમાં પણ જ્યોતિષીઓને મોકલ્યા હતા.

બટુક દલીચા