વૅન ઉસ્ટનહૅગ કીટી (. 1949, માર્ટનસ્ટિક, હોલૅન્ડ) : હોલૅન્ડનાં મહિલા-સાઇકલસવાર (cyclist). તેઓ વિશ્વનાં એક સૌથી મજબૂત સાઇકલસવાર લેખાયાં. તેમની ઝળહળતી કારકિર્દીમાં તેમણે 6 વિશ્વ વિજયપદક અને 22 રાષ્ટ્રીય વિજયપદક હાંસલ કર્યા. 1975-76માં અને 1978-79માં તેઓ વિશ્વ-ચૅમ્પિયન બન્યાં. 1971માં બીજા ક્રમે, 1968-69માં અને 1974માં ત્રીજા ક્રમે રહ્યાં; 1968 અને 1976માં તેઓ રોડ-રૅસના વિશ્વ-ચૅમ્પિયન બનવા ઉપરાંત 1966, 1973 અને 1978માં બીજા ક્રમે તેમજ 1971 અને 1974-75માં ત્રીજા ક્રમે રહ્યાં.

1978માં મ્યૂનિક ઑલિમ્પિક સ્ટેડિયમ ખાતે તેમણે 43.08292  કિમી. અંતર કાપીને મહિલાઓ માટેના 1 કલાકના વિક્રમમાં લગભગ 3 કિમી. જેટલું અંતર વધારે કાપ્યું અને રસ્તામાં પણ 5 કિમી. આગળ 6 : 44.75નો, 10 કિમી. આગળ 13 : 34.39નો અને 20 કિમી. આગળ 27 : 26.66નો વિક્રમ પણ સ્થાપ્યો.

1966થી 77 દરમિયાન દર વર્ષે તેઓ હોલૅન્ડના ‘પર્સ્યૂટ-ચૅમ્પિયન’ તેમજ 1969-76 તથા 1978 માટે તેઓ ‘રોડ-ચૅમ્પિયન’ બની રહ્યાં.

મહેશ ચોકસી