વેદ : જગતસાહિત્યના સૌથી પ્રાચીનતમ ગ્રંથો. આ ગ્રંથોમાં પરમ જ્ઞાન અર્થાત્ ઈશ્વર વિશેનું જ્ઞાન રહેલું છે. સાયણાચાર્ય કહે છે કે જે ઉપાય પ્રત્યક્ષ (પ્રમાણ) કે અનુમાન(પ્રમાણ)થી જાણી શકાતો નથી એને વેદથી જાણી શકાય છે. તેથી તેને ‘વેદ’ કહે છે. ઋગ્વેદ વગેરે જ્ઞાનની પ્રાપ્તિમાં સાધન હોવાથી ‘વેદ’ કહેવાય છે. ‘ઋગ્વેદભાષ્યભૂમિકા’માં સ્વામી દયાનંદ સરસ્વતી કહે છે કે – (ક) જેનાથી કોઈ પણ મનુષ્ય બધી સત્યવિદ્યાઓ જાણે છે, (ખ) જેમાં બધી સત્યવિદ્યાઓ રહેલી છે, (ગ) જેનાથી બધી સત્યવિદ્યાઓ મેળવી શકાય છે, (ઘ) જેનાથી બધી સત્યવિદ્યાઓ વિશે વિચારીને કોઈ પણ મનુષ્ય વિદ્વાન થઈ શકે છે તે વેદ છે. વિંટરનિત્ઝ કહે છે, ‘‘વેદ શબ્દનો અર્થ ‘જ્ઞાન’, ‘પરમજ્ઞાન’, ‘પરમધર્મનું જ્ઞાન’ થાય છે. વેદ એટલે ‘વિદ્યા’. પવિત્ર અને આધારભૂત વિદ્યાથી ભરપૂર એવા આ જ્ઞાનભંડારમાં ભારતીય ધર્મ, તત્વજ્ઞાન અને સમાજનું ઉત્કૃષ્ટ, અંતિમ કક્ષાનું, મહત્વપૂર્ણ દર્શન થયેલું જોવા મળે છે.’’

ભારતનાં આસ્તિક દર્શનો અને વિવિધ વિદ્યાઓનાં મૂળ વેદમાં રહેલાં છે. તેથી તે ‘આમ્નાય’ અથવા ‘આગમ’ કહેવાય છે. ગુરુશિષ્ય-પરંપરાથી અથવા પિતા-પુત્રપરંપરાથી પ્રત્યક્ષ સાંભળીને કંઠસ્થ કરવા દ્વારા તે મેળવવામાં આવ્યા છે; તેથી ‘શ્રુતિ’ કહેવાય છે. વેદમંત્રોની અધિકાંશ રચના છંદોમાં થયેલી છે. તેથી ‘છંદસ્’ એવા શબ્દથી ઓળખાય છે. ઋષિઓને યજ્ઞક્રિયા દરમિયાન આ મંત્રોનું દર્શન થયેલું છે. તેથી તેઓ ‘દ્રષ્ટા’ છે. આ સાહિત્ય ‘આર્ષ’ સાહિત્ય છે. આ અર્થમાં ભારતીય પરંપરાને માટે વેદ ‘અપૌરુષેય’ છે. સ્વામી દયાનંદ સરસ્વતી વેદને ‘નિત્ય’ કહે છે. તે અનાદિ છે. દ્રષ્ટાઓએ તેમનું દર્શન કર્યું છે અને લિપિમાં ઉતાર્યા છે. આચાર્ય સાયણે લખ્યું છે કે વેદ અપૌરુષેય છે, તેના કર્તાઓ હોતા નથી. કલ્પના આરંભે ઈશ્વરની કૃપાને કારણે જેમને મંત્રોની પ્રાપ્તિ થાય છે તેઓ ‘મંત્રકર્તા’ છે; એમ કહેવાય છે.

ભારતીય પરંપરા વેદને અપૌરુષેય માને છે; પરંતુ છેલ્લાં ત્રણ શતકોમાં પશ્ચિમી વિચારણાના સંપર્કથી ઐતિહાસિક અભિગમ અપનાવીને વેદ ક્યારે રચાયા હશે; એની વિચારણા ભારતમાં થતી આવી છે. આ રચનાકાળ અંગે મૅક્સમૂલર, મૅકડોનલ, હ્યુગો, ડૉ. આર. જી. ભાંડારકર, બાલગંગાધર ટિળક, યાકોબી, ડૉ. હોગ, નારાયણ પારંગી, દયાનંદ સરસ્વતી વગેરેએ વિચાર કર્યો છે. આ અંગે મતભેદ સારા એવા પ્રમાણમાં છે. વિંટરનિત્ઝના મત મુજબ વેદોનો રચનાકાળ ઈ. પૂ. 2500થી ઈ. પૂ. 500નો છે; તેમ છતાં હજુ પણ આમાં વિશેષ સંશોધનને અવકાશ છે.

માધવાચાર્યે પોતાના ગ્રંથ ‘ન્યાયવિસ્તર’માં જણાવ્યું છે તેમ, આ વેદની અભિવ્યક્તિની ત્રણ પદ્ધતિઓ છે : ગદ્ય, પદ્ય અને ગાન. આથી વેદ ‘ત્રયી’ કહેવાય છે. મંત્રો ત્રણ પ્રકારના છે : ગદ્યાત્મક, પદ્યાત્મક અને ગાનાત્મક. ચારેય સંહિતાઓમાં તે આવેલા છે. પદ્યાત્મક ઋક્માં છે. ગાનાત્મક સામમાં છે. સામાન્યત: ગદ્યાત્મક યજુ:માં છે. ગદ્યપદ્યાત્મક અથર્વમાં છે. સંહિતાઓ ચારમાં ગદ્યાત્મક વિભક્ત છે; તે વિષયભેદને આધારે છે.

મંત્રો ચાર સંહિતામાં કઈ રીતે ઊતરી આવ્યા, તે અંગે યજુર્વેદભાષ્યને આરંભે આચાર્ય મહીધરે સરસ નિર્દેશ આપ્યો છે. બ્રહ્મા પાસેથી પરંપરા દ્વારા વેદવ્યાસને વેદ મળ્યા હતા. મનુષ્યો મંદમતિના છે. તેથી તેમની ઉપર દયા કરવાના હેતુથી, તેઓ ગ્રહી શકે એટલા માટે વેદવ્યાસે વેદને ઋક્, યજુ:, સામ અને અથર્વના નામે ચાર ભાગમાં વિભક્ત કર્યા અને પછી અનુક્રમે તેમનો ઉપદેશ પોતાના શિષ્યો પૈલ, વૈશમ્પાયન, જૈમિની અને સુમન્તુને આપ્યો. આ કારણે તો તે ‘વેદવ્યાસ’ કહેવાયા છે. વેદવ્યાસે વેદને જુદી જુદી ચાર સંહિતાઓમાં પૃથક કર્યો છે.

સંહિતાઓ અખંડિત સ્વરૂપમાં જળવાઈ રહી છે; તેનો યશ ગૌરવશીલ મહામના ઋષિઓને છે. મંત્રોના સંહિતાપાઠને વધારે પ્રામાણિકપણે સાચવી શકાય એટલા માટે કાળક્રમે જુદી જુદી વિકૃતિઓ વિકસાવવામાં આવી છે. સંહિતાપાઠને આધારે પદપાઠ, ક્રમપાઠ, જટાપાઠ, ઘનપાઠ જેવી આઠ પ્રકારની વિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે; જેમ કે –

સંહિતાપાઠ –

अग्निमीले पुरोहिते यज्ञस्य देवमृत्विजम् ।

होतारं रत्नधातमम् ।। ઋગ્વેદ 1/1/1

પદપાઠ –

अग्निम् । ईले । पुरःहितम् । यज्ञस्य । देवम् । ऋग्विजम् ।

होतारम् । रत्मधातमम् ।।

‘યજ્ઞપરિભાષા’માં આપસ્તંબના મત મુજબ ‘મંત્ર’ અને ‘બ્રાહ્મણ’ બંનેને વેદ કહેવાય છે. બ્રાહ્મણમાં બ્રાહ્મણ-આરણ્યક-ઉપનિષદ સમજવાનાં છે. આ વેદ પોતપોતાની શાખાઓમાં હોય છે; જેમ કે, શાકલ સંહિતાનો ઋગ્વેદ. ઋગ્વેદને પોતાનાં બ્રાહ્મણ-આરણ્યક-ઉપનિષદ છે. વ્યાકરણમહાભાષ્યના પસ્પશાહ્નિકમાં પતંજલિનું વાક્ય છે  – चत्वारो वेदाः साङ्गाः सरहस्या बहुधा भिन्ना।  વેદો ચાર છે. તે છ વેદાંગો સાથેના છે. તે બ્રાહ્મણ-આરણ્યક-ઉપનિષદ સાથેના છે. અનેક શાખાઓમાં વિભક્ત છે. વેદોને સમજવા માટે વેદાંગો, પ્રાતિશાખ્યો, બૃહદદેવતા અને અનુક્રમણી ગ્રંથો ઉપયોગી છે.

વેદાંગો છ છે : શિક્ષા, કલ્પ, છન્દ, જ્યોતિષ, વ્યાકરણ અને નિરુક્ત. વેદને સમજવામાં વેદાંગ ઉપયોગી છે, તે અંગે આ શ્ર્લોક પ્રસિદ્ધ છે :

छन्दः पादौ तु वेदस्य हस्तौ कल्पोडथ पठयते ।

ज्योतिषामयनं चक्षुर्निरुक्तं श्रोत्रमुच्यते ।।

शिक्षा घ्राणं तु वेदस्य मुखं व्याकरणं स्मृतम् ।

तस्मात्साङ्गमधीत्यैव ब्रह्मलौके महीयते ।।

(પાણિનીય શિક્ષા – 41, 42)

અર્થાત્, આ વેદપુરુષ છે. છંદ એનાં ચરણો છે. કલ્પ એના હાથ કહેવાય છે. જ્યોતિષ એનું નેત્ર છે. નિરુક્ત એનું કર્ણ છે. શિક્ષા એનું ઘ્રાણ છે. વ્યાકરણ એનું મુખ છે. તેથી આ અંગો સાથેનો વેદ ભણી લે તે બ્રહ્મલોકમાં આદર પામે છે.

વેદમંત્રોનું શુદ્ધ અને સસ્વર ઉચ્ચારણ કઈ રીતે કરવું, તે શિક્ષાગ્રંથ બતાવે છે. વેદના ઉચ્ચારણ માટે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત – એવા ત્રણ સ્વરો છે. કલ્પમાં વૈદિક કર્મોને સૂત્રબદ્ધ કરી લીધાં છે. શ્રૌતસૂત્ર, ગૃહ્યસૂત્ર, ધર્મસૂત્ર અને શુલ્વસૂત્ર – એવા ચાર એના વિભાગો છે. વેદમંત્રો મહદંશે છંદોબદ્ધ છે. છંદની માહિતી આ વેદાંગ આપે છે. ગાયત્રી, અનુષ્ટુપ, બૃહતી, જગતી, પંક્તિ અને ઉષ્ણિગ્ વધુ પ્રમાણમાં પ્રયોજાયા છે. અમુક યજ્ઞક્રિયા ક્યારે કરવી, એના કાળનિર્ણય માટે જ્યોતિષ આવશ્યક છે. મંત્રોમાંનાં પદોનું સ્વરૂપ સમજવા અને એનો અર્થ મેળવવા વ્યાકરણ જરૂરી છે. નિરુક્ત પદની વ્યુત્પત્તિ આપે છે અને એ રીતે અર્થપ્રાપ્તિમાં સહાયક બને છે.

અનુક્રમણી ગ્રંથો પૃથક્કરણાત્મક યાદીઓ છે. મંત્રોની સંખ્યા, તેમાં પાદો, પદો, અક્ષરો; મંત્રોના છંદો; મંત્રોના દ્રષ્ટાઓ, વગેરેની વ્યવસ્થિત સૂચિઓ આમાં છે. પ્રાતિશાખ્યોમાં વેદના સ્વર, એની ઉચ્ચારણવિધિ વગેરે છે. પ્રાતિશાખ્યોનું અસ્તિત્વ તો વેદાંગોથી પણ પ્રાચીનતર છે. ઋગ્વેદની અનુક્રમણી ‘ઋક્સર્વાનુક્રમણી’ છે અને ઋગ્વેદનું પ્રાતિશાખ્ય શૌનકનું ‘ઋક્પ્રાતિશાખ્ય’ છે.

વેદના અર્થઘટનને સરળ બનાવવાનું શ્રેય ભાષ્યકારોને છે. સ્કન્દસ્વામી, વેંકટમાધવ, આનંદતીર્થ, આત્માનંદ, મહીધર, ઉવ્વટ, હલાયુધ, રાવણ, દેવસ્વામી, માધવ, સાયણ વગેરે અનેક છે. અર્વાચીન સમયમાં સ્વામી દયાનંદ છે. પ્રાચીનતમ ભાષ્યકાર સ્કન્દસ્વામી છે. ઋગ્વેદ પરનું એમનું ભાષ્ય ઈ. સ. 631માં રચાયું છે. નારાયણ અને ઉદ્ગીથ એમના સહાયકો હતા. આચાર્ય સાયણનાં ભાષ્યો સિવાય અર્થઘટન અશક્યવત્ બની રહે; એટલું આ ભાષ્યનું મહત્વ છે. સાયણની સહાયમાં નરહરિ સોમયાજી, નારાયણ વાજપેયયાજી, પંઢરી દીક્ષિત વગેરે હતા. સાયણ કર્ણાટકના રાય બુક્કરાયના અને પછી એના ઉત્તરાધિકારી હરિહરના મંત્રી હતા. ઈ. સ. 1387માં 72 વર્ષની વયે એમનું અવસાન થયેલું. સંહિતા, બ્રાહ્મણ, ઉપનિષદ, પ્રાતિશાખ્ય ઉપર એમનાં ભાષ્યો મળે છે. બધું મળીને કુલ પાંચ સંહિતાઓ, અગિયાર બ્રાહ્મણો, બે આરણ્યકો, બે ઉપનિષદો અને એક પ્રાતિશાખ્ય ઉપર આચાર્ય સાયણનાં ભાષ્યો ઉપલબ્ધ છે.

વૈદિક સાહિત્યના આધુનિક અભ્યાસનો પ્રારંભ પ્રથમ વિદેશમાં થયો છે. આને પરિણામે કેવળ મૌખિક પરંપરાથી જે વેદો ઊતરી આવતા હતા, તે પછી મુદ્રિત સ્વરૂપમાં મળ્યા. ઈ. 1805માં Henry Thomas Colebrooke નામના વિદ્વાને On the Vedas or Sacred Writings of the Hindus નામે નિબંધ પ્રકાશિત કર્યો. આ સાથે વૈદેશિકોના વેદાધ્યયનનો શુભારંભ થયો. તેઓ કોલકાતામાં સંસ્કૃતના પ્રાધ્યાપક હતા. લેખમાં તેમણે વૈદિક સાહિત્યનું બહિરંગ પરીક્ષણ કર્યું હતું. ઈ. 1816માં યુરોપમાં Franz Bopp નામના વિદ્વાને વેદમાંથી કેટલાક અંશોનો જર્મન અનુવાદ પ્રકાશિત કર્યો. ઈ. સ. 1848માં Leipzigથી Benfey – એ સામવેદની આવૃત્તિ પ્રકાશિત કરીને પ્રશંસનીય કાર્ય કર્યું. પરિશિષ્ટ રૂપે વૈદિક શબ્દોની યાદી આપી. એમણે વૈદિક વ્યાકરણ વિશે એક લેખ આપ્યો. એમના શિષ્ય Friedrich Rosen હતા. એમણે ઈ.  સ. 1830માં Rigvedic specimen પ્રકાશિત કર્યું. તેમાં ઋગ્વેદના અંશનો લૅટિન અનુવાદ હતો. Eugene Burnouf(ઈ. સ. 1801 – ઈ. સ. 1852)એ પૅરિસમાં વેદ વિશે વ્યાખ્યાનો આપ્યાં હતાં. Rudolf Roth-એ ઈ. સ. 1846માં 25 વર્ષની ઉંમરે વેદ વિશે વિદ્વત્તાપૂર્ણ નિબંધ લખ્યો. એમણે Petersburg Dictionary આપી. નિરુક્ત અને અથર્વવેદની આવૃત્તિ આપી. વેબર (Weber) નામના જર્મને ઈ. સ. 1852માં વૈદિક ગ્રંથોનો વિસ્તૃત ઇતિહાસ આપ્યો. ફ્રેડરિક મૅક્સમૂલર(Friedrich Max Mler)નું પ્રદાન યશસ્વી છે. ઋગ્વેદની સાયણ ભાષ્ય સાથેની સંપૂર્ણ આવૃત્તિ તેમણે ઈ. સ. 1874માં પ્રકાશિત કરી. જૉન મૅઇરે (John Mair) લંડનથી ઈ. સ. 1858થી ઈ. સ. 1872માં ‘ઓરિયેન્ટલ સંસ્કૃત ટેક્સ્ટ્સ’ના પાંચ ભાગ પ્રકાશિત કર્યા. આમાંથી વેદને લગતા સંદર્ભો પ્રાપ્ત થતા હતા. વિલ્સન (Wilson) નામના વિદ્વાને ‘સાયણ ભાષ્ય’ને અનુસરીને સમગ્ર ઋગ્વેદ અંગ્રેજી અનુવાદ સાથે આપ્યો. આ અરસામાં લુડવિગે (Ludwig) ઋગ્વેદનો જર્મનમાં પદ્યાનુવાદ આપ્યો. ઈ. સ. 1873માં ગ્રાસમાને (Grassmann) ‘Warterbuch zum Rigvedu’ (ઋગ્વેદનો શબ્દકોશ) પ્રકાશિત કર્યો. સમગ્ર ઋગ્વેદની સંક્ષિપ્ત સામગ્રી Kaegi-એ ઈ. સ. 1880માં અંગ્રેજીમાં એક વિસ્તૃત નિબંધમાં આપી. રિચાર્ડ પિશેલ (Richard Pischel) અને કાર્લ એફ. ગેલ્ડનર(Karl F. Geldner)ના સંયુક્ત પ્રયાસથી ઈ. સ. 1882થી 1901માં ‘Vedische Studien’ (= વૈદિક અભ્યાસ) નામે ગ્રંથ ત્રણ ભાગમાં મળ્યો. ગેલ્ડનરે આ ઉપરાંત ઋગ્વેદનો સટિપ્પણ જર્મન અનુવાદ આપ્યો. વ્હિટની(Whitney)એ વૈદિક વ્યાકરણ આપ્યું. અંગ્રેજીમાં આ ગ્રંથ પોતાની રીતે અદ્વિતીય છે. ઓલ્ડનબર્ગે (Oldenberg) ઋગ્વેદને પોતાની જર્મનમાં ટિપ્પણીઓ સાથે પ્રકાશિત કર્યો છે. ન્યૂયૉર્કથી એમ. બ્લૂમફિલ્ડે (M. Bloomfield) ઈ. સ. 1902માં વૈદિક પદાનુક્રમકોશ પ્રકાશિત કર્યો. મૅક્ડૉનેલ (Macdonell) અને કીથ(Keith)ના સંયુક્ત પ્રયાસથી ઈ. સ. 1902માં વૈદિક નામો અને વિષયોનો કોશ મળ્યો છે. Bergaine-એ ઋગ્વેદનાં 70 સૂક્તોનો ફ્રેન્ચમાં અનુવાદ કર્યો છે. Renou-એ સમગ્ર ઋગ્વેદનો ફ્રેન્ચ ટિપ્પણ સાથેનો અનુવાદ આપ્યો છે.

ભારતના વેદઅભ્યાસીઓમાં એસ. પી. પંડિત, રામચંદ્ર પટવર્ધન, સિદ્ધેશ્વર શાસ્ત્રી, પંડિત સાતવળેકર, અરવિંદ ઘોષ વગેરે નોંધપાત્ર છે. આ સૌમાં સ્વામી દયાનંદ સરસ્વતીનું પ્રદાન ચિરસ્મરણીય છે.

જે તે શાખા, એની સંહિતા, એના બ્રાહ્મણ  આરણ્યક  ઉપનિષદ ઉપલભ્ય છે; તેની વિગત આ પ્રમાણે છે :

હિતા ઋક્ શુક્લયજુ: કૃષ્ણયજુ: સામ અથર્વ
શાખા શાકલ વાજસનેયી તૈત્તિરીય કૌથુમ શૌનક
    કાણ્વ મૈત્રાયણી જૈમિનીય પિપ્પલાદ
      કઠ રાણાયણીય  
બ્રાહ્મણ કૌષીતકિ શતપથ તૈત્તિરીય વંશ ગોપથ
  ઐતરેય     દૈવતષડ્વિંશ  
        જૈમિનીય  
        સંહિતોપ-  
           નિષદ  
        તાંડ્ય  
        આર્ષેય  
        તલવકાર  
        સામવિધાન  
આરણ્યક કૌષીતકિ બૃહદારણ્યક તૈત્તિરીય તલવકાર  
  ઐતરેય તલવકાર મૈત્રાયણી    
ઉપનિષદ કૌષીતકિ બૃહદારણ્યક તૈત્તિરીય છાંદોગ્ય પ્રશ્ન
  ઐતરેય ઈશાવાસ્ય મૈત્રાયણી કેન મુંડક
      કઠ   માંડૂક્ય
      શ્વેતાશ્વતર    

આ રીતે ‘વેદ’ના અર્થવ્યાપમાં સંહિતા-બ્રાહ્મણ-આરણ્યક-ઉપનિષદ આવી જાય છે.

ઋગ્વેદસંહિતાનું ગ્રથન બે રીતે છે : (1) અષ્ટકક્રમ – કુલ 10,552 મંત્રોને લગભગ સરખા પ્રમાણમાં ‘અષ્ટક’ નામે કુલ આઠ વિભાગમાં વિભક્ત કરવામાં આવ્યા છે. દરેક અષ્ટકમાં આઠ અધ્યાય છે. આ રીતે કુલ 64 અધ્યાય છે. દરેક અધ્યાયમાં લગભગ પાંચ પાંચ મંત્રોના બનેલા 33 વર્ગો છે. સમગ્ર સંહિતામાં 2,024 વર્ગો છે. (2) મંડલક્રમ  આ વ્યવસ્થા વધુ પ્રાચીન, વધુ મહત્વની અને વૈજ્ઞાનિક છે. આમાં 10,552 મંત્રોને દશ મંડળોમાં વહેંચવામાં આવ્યા છે. આ 10 મંડળોમાં નાના નાના 85 અનુવાક છે. આ અનુવાકોમાં 1,028 સૂક્તો છે. ‘સર્વાનુક્રમણી’ મુજબ 10,552 મંત્રો છે; આ મંત્રોમાં 1,53,826 શબ્દો છે; 4,32,000 અક્ષરો છે. આ 10 મંડળોમાં 2થી 7 કુળમંડળ છે. પ્રત્યેકના દ્રષ્ટાઓ એક એક કુળના છે. તે અનુક્રમે ગૃત્સમદ, વિશ્વામિત્ર, વામદેવ, અત્રિ, ભારદ્વાજ અને વસિષ્ઠનાં છે. રચનાક્રમની દૃષ્ટિએ આ મંડળો પ્રાચીનતર છે. 1, 8, 9 અને 10માં મંડળો પછીથી રચાયેલાં છે. 8મા મંડળમાં કણ્વ અને અંગિરા દ્રષ્ટા છે. 9મું મંડળ પવમાન (= સોમ) મંડળ છે. પહેલું અને દશમું મંડળ પછીથી જોડાયેલું છે. આમાં પણ દશમું મંડળ ભાષા, છંદ, વિચારો વગેરેની દૃષ્ટિએ બાકીનાં કરતાં ચોક્કસપણે જુદું પડે છે. કુલ 1,028 સૂક્તો છે; તેનું વિષયની દૃષ્ટિએ વ્યાપક વિભાજન ડૉ. વી. એસ. ઘાટે આ રીતે આપે છે : (1) ધર્મ સંબંધી સૂક્તો, (2) તત્વજ્ઞાનવિષયક સૂક્તો, (3) વ્યાવહારિક સૂક્તો. આમાંથી વ્યાવહારિક સૂક્તો ધર્મનિરપેક્ષ છે; જેમકે, અક્ષસૂક્ત(10.34)માં જુગારીની મનોદશા વર્ણિત  છે. પોતાના સમગ્ર જીવનનો નિષ્કર્ષ એ આપે છે – इक्षैर्मा दीव्यः कृषमित्कृषस्व । ’ પાસાથી જુગાર ન રમો. ખેતી જ કરો.’ ભિક્ષુસૂક્ત અથવા દાનસ્તુતિ(10.117)માં દાનનો મહિમા છે. केवलाघो भवति केवलादी । ‘જે એકલો ખાય છે, તે માત્ર પાપી જ બને છે.’ ઋગ્વેદસંહિતામાં સંવાદસૂક્તો  જેમ કે, પુરુરવા-ઉર્વશી (10.95)નું વિશિષ્ટ સ્થાન છે. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં નાટ્યસ્વરૂપના ઉદ્ભવને ભૂમિકા આમાંથી પ્રાપ્ત થઈ છે. પ્રકૃતિસૂક્તો – જેમ કે, ઉષા (4.51)માં કવિતાનું રમણીય રૂપ છે.

યજુર્વેદની પાંચ શાખા ઉપલબ્ધ છે : તેમાં શુક્લની બે છે – વાજસનેયી અર્થાત્ માધ્યન્દિની અને કાણ્વ. કૃષ્ણની ત્રણ છે : કાઠક, મૈત્રાયણી અને તૈત્તિરીય. આ બધામાં વાજસનેયી જ મુખ્ય છે. સૂર્યે અશ્વના રૂપમાં યાજ્ઞવલ્ક્યને દિવસના મધ્યભાગે ઉપદેશી હતી; તેથી તે વાજસનેયી અથવા માધ્યન્દિની કહેવાય છે. આમાં 40 અધ્યાય છે, તે 303 અનુવાકોમાં છે. કુલ મંત્ર સંખ્યા 1975ની છે. આ મંત્રોને ‘કંડિકા’ કહે છે. આમાં 29,652 શબ્દો અને 88,875 અક્ષરો છે. આ મંત્રોમાંથી યજ્ઞો, ધર્મભાવના, આધ્યાત્મિક વિચારો વગેરે વિકસ્યાં છે; તેની સાથે ગણિત, વાસ્તુ, ચિકિત્સા, યુદ્ધવિદ્યા, જ્યોતિષ વગેરે વિકાસ પામ્યાં છે. રુદ્રાષ્ટાધ્યાયી, પુરુષસૂક્ત, શિવસંકલ્પસૂક્ત, ઈશોપનિષદ વગેરે આ સંહિતાના નોંધપાત્ર વિભાગો છે.

સામવેદમાં 1,549 મંત્રો છે. તેમાંથી 75 સિવાયની બધી ઋગ્વેદમાંથી જ લીધેલી છે. આ સંહિતાના બે ભાગ છે : પૂર્વાર્ચિક અને ઉત્તરાર્ચિક. આર્ચિક એટલે ઋચાઓનો સંગ્રહ. પૂર્વાર્ચિકમાં 650 મંત્રો છે. ઉત્તરાર્ચિકમાં મંત્રોની સંખ્યા 1,250 છે અને નવ પ્રપાઠકો છે. 1,549 મંત્રોમાં મુખ્યત્વે ગાયત્રી અને પ્રગાથ છંદ છે. આ સંહિતા ત્રણ શાખાઓમાં મળે છે. આમાંથી કૌથુમીય વધુ લોકપ્રિય છે. બાકીની બે રાણાયણીય અને જૈમિનીય છે. કૌથુમ શાખાનો પ્રચાર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થયેલો છે. આ વેદ ગાનપ્રધાન છે. સામગાન ચાર પ્રકારનાં છે – ગ્રામ, આરણ્ય, ઊહ અને ઉહ્ય. સામગાનના પાંચ ભાગ છે : હિંકાર, પ્રસ્તાવ, ઉદ્ગીથ, પ્રતિહાર અને નિધન.

અથર્વવેદમાં ‘અથર્વન્’નો અર્થ ‘અગ્નિ સંબંધી પુરોહિત’ છે. આ સંહિતામાં 20 કાંડ છે. દરેક કાંડમાં પ્રપાઠક, અનુવાક, સૂક્ત અને મંત્ર છે. આ રીતે આમાં 34 પ્રપાઠક, 111 અનુવાક, 731 સૂક્ત અને 5,849 મંત્ર છે. આમાંથી 1,200 ઋગ્વેદમાંથી લીધેલી છે. આ સંહિતાનો 1/6 ભાગ ગદ્યમાં છે. આની બે શાખાઓ ઉપલબ્ધ છે : પિપ્પલાદ અને શૌનકીય. પ્રો. બ્લૂમફિલ્ડે આના વિષય ચૌદ પ્રકારના ગણાવ્યા છે : (1) દાનવોથી મુક્તિ, (2) નીરોગીપણું, (3) શત્રુને વશ કરતી અભિચારવિદ્યા, (4) ઇષ્ટ સ્ત્રીને વશ કરતી અભિચારવિદ્યા, (5) સામ્મનસ્યમ્, (6) બ્રાહ્મણોનું હિત, (7) રાજાનું અને રાજ્યનું હિત, (8) કુટુંબમાં સુખપ્રાપ્તિ, (9) પ્રાયશ્ચિત્ત કર્મ, (10) સૃદૃષ્ટિક્રિયા, (11) યજ્ઞયાગ, (12) કૃષિકર્મ, (13) મરણોત્તર ક્રિયા, (14) કુંતાપ. કુટુંબભાવનાનું સુંદર ઉદાહરણ આમાં છે. (3301).

*सहृदयं सामनस्यं वोडर्विद्वेषं कृणोमि वः ।

अन्यो अन्यभि हर्यत वत्सं जातमिवाध्न्या ।।

અર્થાત્, હે કુટુંબના સભ્યો ! હું તમને એક હૃદયવાળાં, એક મનવાળાં અને દ્વેષ વગરનાં કરું છું. જે રીતે ગાય પોતાને જન્મેલા વાછરડાને સ્નેહ કરે, એટલો સ્નેહ તમે એકબીજાંને કરો.

બ્રાહ્મણસાહિત્ય ખૂબ વૈવિધ્યવાળું અને વિસ્તૃત છે. સાંસ્કૃતિક દૃષ્ટિએ મહત્વનું છે. ઐતરેય અને કૌષીતકિ ઋક્સંહિતાનાં બ્રાહ્મણો છે. યજુર્વેદનું તૈત્તિરીય બ્રાહ્મણ વધુ પ્રસિદ્ધ છે તે કૃષ્ણ યજુર્વેદનું છે; તો શુક્લનું શતપથ બ્રાહ્મણ વધુ પ્રસિદ્ધ છે. બધાંમાં તે સૌથી વધુ પ્રાચીન બ્રાહ્મણ છે. સામવેદનાં બ્રાહ્મણોમાંથી તાંડ્ય અથવા પંચવિંશ પ્રસિદ્ધ છે; એ જ રીતે અથર્વનું ગોપથ બ્રાહ્મણ પ્રસિદ્ધ છે.

આરણ્યકોની રચના અરણ્યના વાતાવરણમાં થઈ છે. એસ. પી. આપ્ટે આને માટે લખે છે : ‘It is one of a class of religious and philosophical writings connected with the Brahmanas’ (‘બ્રાહ્મણો સાથે સંકળાયેલા ધાર્મિક અને આધ્યાત્મિક લખાણોનો સંવર્ગ’). આમાં ઐતરેય, કૌષીતકિ અને તૈત્તિરીય વધુ પ્રસિદ્ધ છે.

વેદનો અંતિમ ભાગ ઉપનિષદ છે. ભારતીય તત્વજ્ઞાનનો મૂળ સ્રોત આમાં છે. બ્લૂમફિલ્ડે આની પ્રશંસા કરી છે, ‘હિંદુ વિચારધારાનું એવું એક પણ મહત્વપૂર્ણ અંગ નથી જેનું મૂળ ઉપનિષદમાં ન હોય. આમાં બૌદ્ધમત જેવું નાસ્તિકદર્શન પણ અપવાદ નથી.’ ઉપનિષદો 108થી વધુ છે, તેમાં 10 મુખ્ય છે તેવું ‘મુક્તિકોપનિષદ’માં જણાવ્યું છે. ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડૂક્ય, તૈત્તિરીય, ઐતરેય, છાંદોગ્ય, બૃહદારણ્યક, કૌષીતકિ, શ્વેતાશ્વતર અને મૈત્રાયણી ગણનાપાત્ર પ્રસિદ્ધિ ધરાવે છે. આ મહાન તત્વદર્શનના પ્રવક્તાઓ રૈક્વ, શાંડિલ્ય, સત્યકામ જાબાલ, યાજ્ઞવલ્ક્ય, ગાર્ગી, મૈત્રેયી વગેરે છે.

રશ્મિકાંત પ. મહેતા