વેદિકા : સ્તૂપ-સ્થાપત્યનું એક અંગ. સામાન્ય રીતે ‘વેદિકા’નો અર્થ કઠેડો (railing) થાય છે. આ શબ્દનું મૂળ વેદકાલીન ‘વેદી’માં રહેલું છે. યજ્ઞના અગ્નિને ફરતું બાંધકામ વેદી તરીકે ઓળખાય છે. આગળ જતાં આ જ સ્વરૂપ કોઈ પણ ધાર્મિક સ્થાપત્યને ફરતી દીવાલને પણ લાગુ પડ્યું; જેમ કે, રામાયણમાં ચૈત્ય-વૃક્ષને ફરતા કઠેડા માટે પણ ‘વેદિકા’ શબ્દ પ્રયોજાયો છે. રુમ્મિનદેઇના અશોકના શિલાસ્તંભને ફરતી પથ્થરના સ્તંભની વેદિકા બાંધવામાં આવી હતી. તેને સ્તંભ પરના શિલાલેખમાં ‘શિલાવિગદ-ભીચ’ તરીકે ઓળખાવી છે. નારાયણ વાટકના ઘોસુન્ડીના શિલાલેખમાં ‘વેદિકા’ને ‘પ્રાકાર’ તરીકે ઓળખાવી છે. એનો અર્થ એ કે પૂજા-શિલાને ફરતી દીવાલ જેવી વેદિકા. વેદિકાનું આ સ્વરૂપ સ્તૂપ-સ્થાપત્યમાં પણ સ્વીકારવામાં આવ્યું. ભગવાન બુદ્ધ કે બૌદ્ધ ધર્મના જાણીતા ધર્મોપદેશકોના શારીરિક અવશેષોને અસ્થિપાત્રમાં મૂકીને જમીનમાં દાટીને તેની પર સ્તૂપ રચવામાં આવતો. સ્તૂપ અને સ્તૂપની ભૂમિ પવિત્ર ગણાતી.
આ બંનેને રક્ષણ મળી રહે અને તેમને પશુઓથી અપવિત્ર થતી અટકાવવા વેદિકાનું નિર્માણ કરવામાં આવતું. પથ્થરની વેદિકા સાલ-પદ્ધતિ(socket system)થી રચવામાં આવતી. વેદિકાનાં ચાર અંગો હોય છે : આલંબન-પિંડિકા, સૂચિ, સ્તંભ અને ઉષ્ણીશ. આલંબન-પિંડિકા એ વેદિકાનો પાયો છે. તેને જમીનમાં દાટીને તેની ઉપર ચોક્કસ અંતરે પથ્થરના સ્તંભ સાલવીને ઊભા રાખવામાં આવતા. દરેક બે સ્તંભોની જોડ વચ્ચે ત્રણ આડી પીઠ (bars) સાલવીને ગોઠવવામાં આવતી. (જુઓ આકૃતિ). આ આડી પીઠને ‘સૂચિ’ કહે છે. સૂચિનો આકાર મસૂરાકાર (lenticular) રાખવામાં આવતો. દરેક સ્તંભમાં સૂચિના આકારે છિદ્રો પાડીને સ્તંભો વચ્ચે તેને જોડવામાં આવતી. સૂચિને શિલાકટક પણ કહે છે અને તેને ગોઠવવા માટેના સ્તંભમાંના છિદ્રને રન્ધ્ર કે સૂચિમુખ કહે છે. સ્તંભોની હારને આવરી લે એ રીતે સ્તંભોની સૌથી ઉપર આડી પીઢ મૂકવામાં આવતી તેને ઉષ્ણીશ (coping stone) કહે છે. પીઢની નીચેના ભાગના છિદ્ર(ચુલ્લી)ની સાથે સ્તંભની ઉપરના ઉપસાવેલા ભાગ(ચૂદા)ને એકબીજા સાથે મિલાવવામાં આવતા. ઉષ્ણીશનો ઉપરનો ભાગ નળાકાર રાખવામાં આવતો. દસથી બાર ફૂટ લાંબા ઉષ્ણીશને એકબીજાની સાથે નજીક નજીક ગોઠવીને સમગ્ર વેદિકા પર ઉષ્ણીશની રચના થતી. સાંચીના મહાસ્તૂપ(સ્તૂપ નં. 1)માં અંડને ફરતી વેદિકા રચવામાં આવી છે.
આવા સંજોગોમાં ભૂમિ પરની વેદિકા મહાવેદિકા તરીકે ઓળખાય છે. ભરહૂતની અને બોધિગયાની વેદિકા સુંદર રીતે અલંકૃત હતી, જ્યારે સાંચીની સ્તૂપની મહાવેદિકા અલંકાર વિનાની સાદી છે. વેદિકામાં ચાર મુખ્ય દિશાઓએ પ્રવેશદ્વાર રચવામાં આવતા. જેમને તોરણ કહેવામાં આવે છે.
સાંચી, મથુરા, પશ્ચિમ ભારતની કેટલીક બૌદ્ધ ગુફાઓનાં શિલ્પોમાં વેદિકાનું આલેખન સુશોભન (motif) તરીકે થયેલું જોવા મળે છે.
થૉમસ પરમાર