વેદી : યજ્ઞ સાથે સંકળાયેલું સ્થાપત્ય. ભારતમાં છેક વેદકાલથી યજ્ઞની પરંપરા ચાલી આવી છે. યજ્ઞ કરવામાં આવે ત્યારે સૌપ્રથમ ધાર્મિક વિધિ અને સ્થાપત્યના સિદ્ધાંતો અનુસાર વેદીની રચના કરવામાં આવે છે. વેદીની રચના કરીને તેમાં વિધિવત્ અગ્નિ પ્રગટાવવામાં આવે છે. ભારતનું સૌથી જૂનું સ્થાપત્ય વેદી છે. ભારતીય વાસ્તુકલાનો જન્મ યજ્ઞવેદીમાંથી થયો છે. મંદિર-સ્થાપત્યના મૂળમાં યજ્ઞવેદી રહેલી છે. વૈદિક યજ્ઞવેદી (ચિતિ) પ્રાસાદ (મંદિર)  વાસ્તુની પૂર્વજ છે એમ બધા જ વાસ્તુ-વિશારદો માને છે. ‘સમરાંગણ સૂત્રધાર’(અધ્યાય 47)માં વેદી-લક્ષણ પર વિશેષ ચર્ચા કરવામાં આવી છે. આ ચર્ચા દ્વારા સ્પષ્ટ થાય છે કે યજ્ઞવેદીઓની પૃષ્ઠભૂમિ પર જ પ્રાસાદ(મંદિર)-નિર્માણની કલ્પના કરવામાં આવી છે. વેદીઓનો સંબંધ વિવિધ પ્રકારના યજ્ઞો સાથે હતો. કાલાન્તરે કોઈ પણ શુભ અથવા ધાર્મિક કાર્યમાં વેદી-રચના એક આવશ્યક અંગ બની ગયું. જુદા જુદા પ્રસંગોએ જુદા જુદા પ્રકાર અને માપની વેદીઓ બનાવવામાં આવતી જે નીચે દર્શાવ્યું છે :

(1) ચતુરસ્રાવેદી : યજ્ઞપ્રસંગે રચવામાં આવતી આ વેદી 9 હસ્ત(4.11 મીટર; 131 ફૂટ)ની રાખવામાં આવતી. તેના નામ પ્રમાણે તે ચોરસ હતી.

(2) સર્વતોભદ્રાવેદી : દેવતા-સ્થાપનના પ્રસંગે આ વેદી રચવામાં આવતી. તેનું માપ 8 હસ્ત (3.66 મીટર; 12 ફૂટ) રહેતું અને તે ભદ્ર વડે વિભૂષિત કરવામાં આવતી.

(3) શ્રીધરી વેદી : વિવાહના પ્રસંગે રચવામાં આવતી, 7 હસ્ત (3.2 મીટર; 101 ફૂટ) ધરાવતી આ વેદી 20 કોણોવાળી હતી.

(4) પદ્મિની વેદી : અગ્નિકાર્ય, રાજ્યાભિષેક અને શક્રધ્વજોત્થાનના પ્રસંગોએ પદ્મિની વેદી રચવામાં આવતી. તેનું માપ 6 હસ્ત(2.74 મીટર; 9 ફૂટ)નું રહેતું અને તે કમલાકાર હતી.

થૉમસ પરમાર