વેદાંત દેશિકાર (. 1269, થુપ્પુલ, કાંચિવરમ્, તમિલનાડુ; . 1369) : દક્ષિણ ભારતમાં વૈષ્ણવ સંપ્રદાયના એક મહાન આચાર્ય. તેમના જન્મ સમયે તેમને વેંકટનાથન્ નામ આપવામાં આવ્યું. 20 વર્ષની વય સુધીમાં તેમણે તમામ શાસ્ત્રો અને કલામાં પારંગતતા પ્રાપ્ત કરી તથા તમિળ અને સંસ્કૃત એમ બંને ભાષામાં તત્કાળ કાવ્યરચના કરવાની ક્ષમતા મેળવી. તેમની વાક્પટુતા અને વાદવિવાદનાં કલા-કૌશલથી તેમણે દેશ અને વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.

તેમનું જીવન અને વૃત્તાંત વૈષ્ણવ આચાર્યો અને આલવારો(સંત-ભજનિકો)નાં જીવન અને કાળને લગતા વૈષ્ણવ સંપ્રદાયના ધર્મગ્રંથ ‘ગુરુપરંપરા પ્રભાવમ્’માં આલેખ્યાં છે. તેમણે ‘સિરપારતાસારમ્’ (‘ધી ઇસેન્સ ઑવ્ ધ આર્ટ ઑવ્ સ્કલ્પ્ચર’) નામક ગ્રંથ રચીને તેઓ પોતે સ્થાપત્ય વિશે કંઈ જાણતા નથી તેવી દંતકથાનો છેદ ઉડાડી દીધો અને કહેવાય છે કે તેમણે તેમની પોતાની પ્રતિમા ઘડેલી, જે શ્રીરંગમ્ મંદિરમાં નાચ્યાર તીર્થ ખાતે હયાત છે. તમિળ, સંસ્કૃત અને મણિપ્રવાલમમાં રચાયેલ તેમના ગ્રંથોમાં તેમના બૌદ્ધિક અને રચનાત્મક ઢાંચા ઉપરાંત તેમની બહુમુખી પ્રતિભાના પર્યાપ્ત પુરાવા મળે છે. તેમની શીઘ્ર અને અસ્ખલિત કાવ્ય રચવાની અસાધારણ ક્ષમતા માટે તેઓ જાણીતા હતા. 1,000 કાવ્યો ધરાવતો ‘પાદુકાસહસ્ર’ નામક કાવ્યસંગ્રહ તેમણે એક જ રાત્રિમાં રચ્યો હતો. તેથી તેમને ‘કવિતાર્કિકસિંહમ્’ની ઉપાધિ આપવામાં આવી. તેમની કૃતિઓમાં તેમણે કાલિદાસ અને વાલ્મીકિની સમાલોચના કરી છે.

વૈષ્ણવ સંપ્રદાયના ઇતિહાસમાં ઘણા વળાંક માટે વેદાંત દેશિકાર જવાબદાર છે. એ વળાંકોમાંથી કેટલાક હવે ધોરણો તરીકે સ્વીકારવામાં આવ્યા છે. તેમણે પૂજાવિધિના ભાગ રૂપે મંદિરોમાં ‘દિવ્ય પ્રબંધમ્’ તરીકે ઓળખાતાં ભજનિકોનાં 4,000 ભજનોનું ગાન કરવાની પ્રથા દાખલ કરી અને પૂજાના એક ભાગ તરીકે આ સ્તુતિને ઉન્નત બનાવી. એકમાત્ર સંસ્કૃત ભાષાને દેવોની ભાષા તરીકે જોવાતી ત્યારે તેમણે તમિળને સંસ્કૃતની સમાન સ્વીકારવાની હિમાયત કરી. તેમણે મક્કમપણે જાહેર કર્યું કે આલવારોનાં ભજનો કંઈ ઓછાં પવિત્ર નથી. પરિણામે આ માટે તેમનું ‘ઉપાય વેદાંત આચાર્ય’ તરીકે અભિવાદન કરાયું.

તત્વજ્ઞાનવિષયક ગ્રંથ ‘શ્રીભાષ્યમ્’ પરની તેમની ટીકા માટે તેમને પ્રસિદ્ધિ મળી. તેમાં તેમણે રામાનુજના વિશિષ્ટાદ્વૈતમતનું વિવરણ કર્યું છે. તેમના કાળથી વૈષ્ણવ સંપ્રદાય બે પંથમાં વહેંચાયો. એક વડકલાઈ (ઉત્તરનો સંપ્રદાય), જે દેશિકારને અનુસરે છે અને બીજો તેનકલાઈ (દક્ષિણનો સંપ્રદાય). તેમના અનેક ગ્રંથોમાં મુકુટમણિ સમાન ‘શ્રીભાષ્ય’ પરની તેમની ટીકા ઉપરાંત ‘સંકલ્પસૂર્યોદયમ્’ જેવાં નાટકો, ગણનાપાત્ર શ્ર્લોકો અને સ્તોત્રો તથા તત્વજ્ઞાનવિષયક વિવરણ, શાસ્ત્રીય નિયમો અને 82 જેટલા ધાર્મિક પાઠનો સમાવેશ થાય છે.

તમિળમાં તેમણે 24 ગ્રંથો આપ્યા છે, જે ‘દેશિકારપ્રબંધમ્’ તરીકે ઓળખાય છે. તેમાં 405 કાવ્યો છે. અન્ય તમિળ ગ્રંથોમાં ‘પ્રબંધસારમ્’, ‘આકરનિયમમ્’, ‘મુમ્મ્રનિકોવઈ’, ‘અધિકારસંગ્રહમ્’, ‘અમૃતાશ્ર્વિની’, ‘પરમપદસોપાનમ્’, ‘પરમપદભંગમ્’, ‘અર્થપંચકમ્’, ‘નેવરાતિના મલાઈ’, ‘ગીતાર્થસંગ્રહમ્’ વગેરે ઉલ્લેખનીય છે. તેમની ધાર્મિક કૃતિ ‘રહસ્ય-ગ્રંથાંગલ’ જાણીતી છે. વૈષ્ણવ પ્રથા પ્રમાણે ‘દેશિકાર’ એટલે આચાર્યપદ એકમાત્ર તેમને જ લાગુ પડે છે. વૈષ્ણવ મંદિરોમાં આજે પણ અનુસરાતી પૂજાનાં ધોરણો રચ્યાનું શ્રેય તેમને ફાળે જાય છે.

બળદેવભાઈ કનીજિયા