વેણીસંહાર : પ્રાચીન ભારતીય સંસ્કૃત નાટક. ભટ્ટનારાયણ નામના નાટકકારે આ નાટક સાતમી સદીના ઉત્તરાર્ધ અને આઠમી સદીના પૂર્વાર્ધમાં રચેલું છે. છ અંકનું બનેલું આ વીરરસપ્રધાન નાટક મહાભારતનાં પાત્રો અને પ્રસંગોને રજૂ કરે છે.
પ્રથમ અંકમાં શૂરવીર ભીમને કૌરવો સાથે સંધિ કે સુલેહ પસંદ નથી, કારણ કે યુદ્ધ કરીને કૌરવો સામે વેરનો બદલો લેવા ઇચ્છે છે. આથી તે દુર્યોધનના લોહીથી ખરડાયેલા હાથે દ્રૌપદીના કેશને બાંધવાની પ્રતિજ્ઞા લે છે. સહદેવ ભીમને ગુસ્સો ન કરવા સમજાવે છે, પરંતુ વેર ન વળે ત્યાં સુધી દુ:શાસને ખેંચેલા વાળ નહિ બાંધવાની જેણે પ્રતિજ્ઞા લીધેલી તે દ્રૌપદી એ પ્રસંગને યાદ કરી ભીમના બળબળતા ક્રોધમાં ઘી હોમે છે. પાંડવો તરફથી વિદૃષ્ટિ કરવા ગયેલા કૃષ્ણ તેમાં સફળ ન થતાં યુદ્ધ અનિવાર્ય બને છે. દ્વિતીય અંકમાં એક નોળિયો સો સાપને મારી નાખે છે એવું અમંગળ સ્વપ્ન દુર્યોધનની પત્નીને આવે છે અને દુર્યોધન તેને સાંત્વન આપી તેની સાથે પ્રણયગોષ્ઠી કરે છે. એ પછી દુર્યોધન યુદ્ધભૂમિ તરફ પ્રયાણ કરે છે. તૃતીય અંકમાં પિશાચદંપતી રણભૂમિમાં મરેલાંઓનાં લોહી-માંસ ખાય છે એવું વર્ણવે છે. એ પછી દ્રોણનું અવસાન થતાં અશ્વત્થામા શોકમાં ડૂબે છે. અશ્વત્થામાને સેનાપતિ બનાવવા તેના મામા કૃપાચાર્ય દુર્યોધનને સૂચવે છે. કર્ણે કરેલી દ્રોણવિરોધી ચઢવણીથી દુર્યોધન કર્ણને સેનાપતિ બનાવે છે. કર્ણે અશ્વત્થામાની ઠેકડી ઉડાડતાં બંને વચ્ચે જોરદાર ઝઘડો થાય છે. ત્યાં દુ:શાસનને ભીમે પકડ્યો છે એવી ખબર પડતાં દુર્યોધન દુ:શાસનને બચાવવા દોડે છે. ચતુર્થ અંકમાં દુ:શાસનના મૃત્યુની અને કૌરવોની ખરાબ સ્થિતિની ખબર મળતાં ધૃતરાષ્ટ્ર વગેરે દુર્યોધનને પાંડવો સાથે સુલેહ કરવા સૂચવે છે, પરંતુ દુર્યોધન એ સૂચનને સ્વીકારતો નથી અને અસહાય કર્ણની ખબર મળતાં તે યુદ્ધભૂમિમાં જવા તૈયાર થાય છે. ત્યાં જ ભીમ અને અર્જુન આવી પહોંચે છે. પંચમ અંકમાં ભીમે ધૃતરાષ્ટ્રનું અપમાન કરતાં દુર્યોધન ભીમને ઠપકો આપે છે અને લડવા તૈયાર થયેલા ભીમને અર્જુન રોકે છે અને યુધિષ્ઠિર પાસે બંને પાછા જાય છે. સંધિનો પ્રસ્તાવ લઈને આવેલો અશ્વત્થામા દુર્યોધનના હાથે અપમાનિત થઈ જતો રહે છે. ષષ્ઠ અંકમાં ભીમ દુર્યોધનને મારી નાખે છે. આ સમાચાર મળે તે પહેલાં યુધિષ્ઠિર અને દ્રૌપદીને ભીમ મરી ગયાની ખબર ચાર્વાકનો વેશ લીધેલો રાક્ષસ આપે છે. આથી લોહીથી ખરડાયેલા વિજયી ભીમને તે બંને દુર્યોધન માની બેસે છે. અગ્નિપ્રવેશની તૈયારી જેણે કરેલી તે દ્રૌપદીના કેશને ગૂંથી ભીમ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી ચાર્વાકને હણે છે અને કૃષ્ણ અને અર્જુનના આગમન સાથે આ નાટક સમાપ્ત થાય છે.
‘વેણીસંહાર’માં ભીમની વેણીસંવરણની પ્રતિજ્ઞા એ કવિનો કલ્પેલો મૌલિક પ્રસંગ છે. મહાભારતના કર્ણને ગાળાગાળી કરતો રજૂ કરીને તેના પાત્રનું નાટ્યકારે અવમૂલ્યન કર્યું છે. દુર્યોધનનો ભાનુમતી સાથે પ્રણયનો પ્રસંગ નવીન છે, પરંતુ મુખ્ય વીર રસને આ શૃંગારનો પ્રસંગ અવરોધક છે. ચાર્વાકનો અંતમાં આવતો પ્રસંગ પણ નાટ્યકાર ભટ્ટનારાયણની મૌલિક કલ્પનાનું ફળ છે. ભરતના નાટ્યશાસ્ત્રમાં ગણાવેલાં સંધ્યંગોનાં ઉદાહરણો રજૂ કરવાની વાત નાટકકારના મતે મહત્વની છે. નાટ્યવિવેચકો ‘વેણીસંહાર’માંથી ઘણાં ઉદાહરણો સંધ્યંગો માટે આપે છે. નાટ્યશાસ્ત્રના નિયમોને પાળવા જતાં એના નાટ્યતત્વને ક્યારેક હાનિ પણ પહોંચી છે. કર્ણ અને અશ્વત્થામાના કલહમાં શિષ્ટતા અને ઔચિત્ય નથી. ભીમ અને દુર્યોધનમાં જંગલિયત આગળ તરી આવે છે. વર્ણનાત્મક શ્ર્લોકોની ભરમારથી કાર્યવેગ મંદ પડે છે. સંસ્કૃત ભાષાનાં નાટકોમાં વીરરસપ્રધાન નાટક તરીકે ‘વેણીસંહાર’ આગવું સ્થાન ધરાવે છે.
પ્ર. ઉ. શાસ્ત્રી