વેણીમોગરો : દ્વિદળી વર્ગમાં આવેલી યુફર્બિયેસી (Euphorbiaceae) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acalypha hispida syn. A. sanderiana છે. એકેલિફાના છોડ મુખ્યત્વે એનાં પાનની શોભાને માટે જાણીતા છે; પરંતુ આ જાતનાં પાન સામાન્ય પ્રકારનાં લીલાં, થોડાં લંબગોળ અણીવાળાં અને મધ્યમ કદનાં હોય છે. પણ એનાં ફૂલ 20થી 40 સેમી. લાંબી નિલંબ શુકી (catkin) સ્વરૂપે ગૂંથેલાં દેખાય છે અને તે ગાઢ ગુલાબી રંગનાં હોય છે. તે તોડીને સીધાં વેણી તરીકે કામમાં લઈ શકાય છે એટલે તો એનું નામ વેણીમોગરો પડ્યું છે. જોકે અંગ્રેજીમાં આ વનસ્પતિ કૅટ્સટેઇલ (cats tail = બિલ્લીની પૂંછ !) નામે જાણીતી છે. ફૂલ લગભગ બારે માસ જોવા મળે છે.

આ છોડના ઉછેરમાં ખાસ દરકારની જરૂર નથી રહેતી; છતાં સાધારણ ખાતર-પાણી મળે તો છોડ સારા ખીલી ઊઠે છે. તે તદ્દન ખુલ્લામાં તેમજ આછી છાયામાં પણ થાય છે. આ છોડ 1 મી.થી 1.25 મી. જેટલા ઊંચા થાય છે અને નીચેથી થોડા ફેલાય છે. ચોમાસા પહેલાં એની થોડી થોડી છાંટણી (prunning) કરવાથી છોડ ઘાટીલા રહે છે અને ફૂલ પણ વધારે આપે છે. થોડી વધારે છાંટણી કરીને કૂંડામાંના છોડ તરીકે પણ તે ઉછેરી શકાય છે.

આ છોડની વંશવૃદ્ધિ કટકારોપણ(cutting)થી કરવામાં આવે છે.

તેની એક જાત A. sanderiana var. albaને ગુલાબીને બદલે પીળાશ પડતાં સફેદ રંગનાં ફૂલ આવે છે.

આની એક બીજી જાત Acalypha colorata છે. એના ફૂલની શેરો ગુલાબી રંગની અને એ. હિસ્પિડા કરતાં લાંબી હોય છે અને પાન આછા ગુલાબી-લીલા રંગનાં હોય છે.

મ. ઝ. શાહ