વેટિવેરિયા (ખસ) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક બહુવર્ષાયુ ઘાસની પ્રજાતિ. તે જૂની દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થાય છે. ભારતમાં તેની બે જાતિઓ થાય છે : Vetiveria zizanioides (Linn.) Nash syn. Andropogon muricatus Retz. (સં. સુગંધીમૂલ; હિં. ખસ-ખસ; ગુ. ખસ, વાળો; મ. વાળો; અં. વેટિવર). સામાન્ય રીતે ‘વેટિવર’ તરીકે જાણીતી છે અને ઔષધઉદ્યોગ અને અત્તરઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા ખસના તેલનો સ્રોત છે.
તે એક સઘન ગુચ્છિત (tufted) ઘાસ છે અને સમગ્ર ભારતમાં સપાટ મેદાનોમાં અને પહાડી પ્રદેશોમાં 1,200 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તે નદીઓના કિનારે અને કાદવવાળી મૃદામાં મળી આવે છે. સુગંધિત ગાંઠામૂળીમાંથી સમૂહમાં નીકળતા સાંઠા (culms) 2 મી.થી વધારે ઊંચા હોય છે. તેમાંથી ઉત્પન્ન થતાં મૂળ વાદળીસદૃશ (spongy) અને સુગંધિત હોય છે. પર્ણો સાંકડાં, ટટ્ટાર, નૌકાકાર (keeled) અને અરોમિલ (glabrous) હોય છે. તેમની પર્ણકિનારી ખરબચડી (scabrid) હોય છે. પુષ્પવિન્યાસ લઘુપુષ્પગુચ્છી (panicle) પ્રકારનો હોય છે અને તે 15 સેમી.થી 40 સેમી. લાંબો હોય છે. તેની મુખ્ય ધરી પર ચક્રાકાર (whorled) ગોઠવાયેલી કલગી (raceme) પર શૂકિકાઓ (spikelets) આવેલી હોય છે. શૂકિકા ભૂખરી લીલી કે જાંબલી રંગની હોય છે. તે 4 મિમી.થી 6 મિમી. લાંબી અને યુગ્મમાં હોય છે; જેમાંની એક શૂકિકા અદંડી (sessile) અને બીજી સદંડી (pedicelled) હોય છે. દરેક શૂકિકામાં બે પુષ્પ હોય છે. અદંડી શૂકિકામાં નીચેનું પુષ્પ અધ:તુષનિપત્ર(lemma)માં રૂપાંતર પામે છે, જ્યારે ઉપરનું પુષ્પ દ્વિલિંગી હોય છે; જ્યારે સદંડી શૂકિકામાં નરપુષ્પો હોય છે. બાહ્ય તુષનિપત્રો (glumes) ગાંઠ પરથી ઉત્પન્ન થતા ટૂંકા કંટ (spine) ધરાવે છે. અધ:તુષનિપત્ર તૃણકેશવિહીન (awnless) હોય છે. ઊર્ધ્વતુષનિપત્ર (palea) ખૂબ નાનાં હોય છે.
ભારતમાં ખસનું અત્તર ઘણા જૂના સમયથી જાણીતું છે. આ અત્તર ઘણા ઊંચા પ્રકારનું ગણાય છે. ભારતમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં કેટલાંક સ્થળોએ તેનું વાવેતર થાય છે. જોકે તેનાથી મળતું ઉત્પાદન ખૂબ ઓછું હોય છે. શીતન (cooling) અને અત્તરના નિષ્કર્ષણ માટે કુદરતી રીતે ઊગી નીકળતાં ખસનાં વૃંદ(formations)માંથી મૂળનો જથ્થો મેળવવામાં આવે છે.
આ જાતિના સપુષ્પી (flowering) અને અપુષ્પી (non-flowering) એમ બે પ્રકારો પડે છે. ઉત્તર ભારતમાં કુદરતી રીતે ઊગતો પ્રકાર ખૂબ સામાન્યપણે મળી આવે છે, જે સપુષ્પી હોય છે; જ્યારે દક્ષિણ ભારતમાં બંને પ્રકાર જોવા મળે છે. મૂળ અને પ્રકાંડનાં લક્ષણોના તફાવતો પરથી આ ઘાસના બીજા બે પ્રકાર પાડવામાં આવે છે : એક પ્રકારમાં તેનું પ્રકાંડ મધ્યમસરનું જાડું અને મૂળ વધારે શાખાઓ ધરાવે છે. બીજા પ્રકારમાં પ્રકાંડ જાડું અને મૂળ ઓછી શાખાઓ ધરાવે છે. બીજો પ્રકાર વધારે સામાન્ય છે. તેલના ઉત્પાદન અને ગુણવત્તાની દૃષ્ટિએ ભરતપુર, અકીલા અને મુસાનગર(કાનપુર જિલ્લો)માંથી પ્રાપ્ત થતું તેલ વધારે સારી સુગંધ ધરાવે છે. દક્ષિણ ભારતમાં તેલનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય છે.
ખસ લગભગ બધા જ પ્રકારની મૃદામાં થાય છે; છતાં ફળદ્રૂપ, સારા નિતારવાળી રેતાળ ગોરાડુ મૃદા સૌથી સારી ગણાય છે. જ્યાં વાર્ષિક વરસાદ 100 સેમી.થી 200 સેમી. થતો હોય અને તાપમાનનો ગાળો 21° સે.થી 43.5° સે. રહેતો હોય ત્યાં આ ઘાસ વિપુલ પ્રમાણમાં થાય છે. ફળદ્રૂપ અને પંકિલ (marshy) મૃદામાં અને હૂંફાળી તેમજ ભેજવાળી આબોહવામાં આ ઘાસની વધારે સારી વૃદ્ધિ થાય છે અને તેનાં મૂળ પણ પાતળાં જાલમય અને જાજમ જેવાં બને છે.
વરસાદ પછી ભૂમિ સ્વચ્છ કરી ઊંડી ખેડવામાં આવે છે. 15 સેમી.થી 20 સેમી. પ્રરોહ ધરાવતી ગાંઠામૂળીઓનો વાવેતર માટે ઉપયોગ કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં ખસના વાવેતર માટે બીજનો ઉપયોગ થાય છે. જાન્યુઆરીમાં ધરુવાડિયામાં બીજ વાવવામાં આવે છે અને ચોમાસા પૂર્વેના વરસાદની શરૂઆતમાં તેના રોપા ખેતરમાં રોપવામાં આવે છે. સામાન્ય રીતે બીજ દ્વારા વાવણી ભાગ્યે જ કરવામાં આવે છે.
ચોમાસા દરમિયાન ખસ પર Fusarium નામની ફૂગનો ચેપ લાગે છે. જમીનને 1 % બોર્ડો મિશ્રણ કે 0.1 % સેરાસન આપવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે. ખસ પર Curvularia trifolii દ્વારા ‘પાનનો સુકારો’ થાય છે. કૉપર ફૂગનાશક(0.3 %)નો વારંવાર છંટકાવ કરવાથી રોગનું નિયંત્રણ થાય છે. આ ઘાસ પર Gloeocercospora sorghi દ્વારા પાન પર બદામી ટપકાંનો રોગ થાય છે. Holotrichia serrataના કીડા ખસનાં મૂળ ખાઈ જાય છે. ઢોરો પણ આ ઘાસને ખાતાં હોવાથી તેમનાથી રક્ષણ આપવું જરૂરી છે.
મૂળના ઉત્પાદનનો આધાર આબોહવા, મૃદા અને ખસના પ્રકાર પર રહેલો છે. દક્ષિણ ભારતમાં વાવેતરના વિસ્તારોમાં તેનાં તાજાં મૂળનું સરેરાશ ઉત્પાદન 4,000 કિગ્રા.થી 5,000 કિગ્રા. પ્રતિ હૅક્ટર છે. અનાઈમલાઈની ટેકરીઓમાં સરકારી વાવેતર દ્વારા 7,600 કિગ્રા. પ્રતિ હૅક્ટર ઉત્પાદન નોંધાયું છે.
મૂળ ખૂબ આહ્લાદક સુગંધ ધરાવે છે. તેમનો રંગ આછા પીળાથી માંડી બદામી પીળો કે રતાશ પડતો પીળો હોય છે. તાજાં કે વાયુ-શુષ્ક (air-dried) મૂળના નિસ્યંદન દ્વારા વ્યાપારિક તેલ મેળવવામાં આવે છે. તેલ કાં તો શુદ્ધ સ્વરૂપે અથવા સુખડના તેલ કે અન્ય વનસ્પતિ તેલના આધારમાં અત્તર તરીકે મેળવવામાં આવે છે. ભારતમાં તેનું ઉત્પાદન ભરતપુર (રાજસ્થાન), મુસાનગર (કાનપુર જિલ્લો) અને કેરળના પશ્ચિમ કિનારાના કેટલાક વિસ્તારોમાં થાય છે.
તેલ આછા પીળાથી રતાશ પડતા બદામી રંગનું કે કેટલીક વાર લીલા રંગનું અને ઘટ્ટ હોય છે. તેની સુગંધ આનંદદાયી અને સ્થાયી હોય છે. તેલની ગુણવત્તાનો આધાર મૂળની ઉંમર અને નિસ્યંદનના સમય પર રહેલો છે. એક વર્ષ જૂનાં મૂળના નિસ્યંદનથી પ્રાપ્ત થતા તેલનું વિશિષ્ટ ગુરુત્વ અને પ્રકાશીય ઘૂર્ણન (optic rotation) ઓછું, દ્રાવ્યતા ઓછી અને સુગંધી જમીન જેવી કે કેટલેક અંશે કડવી હોય છે. બે વર્ષ જૂનાં મૂળના નિસ્યંદનથી પ્રાપ્ત થતા તેલનું વિશિષ્ટ ગુરુત્વ અને પ્રકાશીય ઘૂર્ણન વધારે હોય છે. તે સેસ્ક્વીટર્પિન-સંયોજનો અને દ્રાવ્યતા વધારે પ્રમાણમાં ધરાવે છે. તેની સુગંધ મૃદુ, સારી અને સ્થાયી હોય છે. સંગ્રહ કરેલાં મૂળમાંથી પ્રાપ્ત કરવામાં આવતું તેલ વધારે ઘટ્ટ, ઘેરા રંગનું અને સહેજ વધારે સારી સુગંધ આપે છે. વધારે લાંબા સમયના નિસ્યંદનથી મળતા તેલની પ્રકાશીય ઘૂર્ણતા અને ઘટ્ટતા વધારે હોય છે.
મૂળમાંથી બે પ્રકારનાં બાષ્પશીલ તેલ પ્રાપ્ત થાય છે : (1) ઉત્તર ભારતમાંથી કુદરતી રીતે ઊગતી જાતના મૂળમાંથી પ્રાપ્ત થતું ઉચ્ચ વામાઘૂર્ણી (laevorotatory) તેલ અને (2) દક્ષિણ ભારતમાં કૃષ્ટ (cultivated) જાતના મૂળમાંથી પ્રાપ્ત થતું દક્ષિણાવર્તી (dexrotatory) તેલ. આ બંને પ્રકારનાં તેલ તેમની સુગંધ તેમજ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની દૃષ્ટિએ તફાવત દર્શાવે છે.
ઉત્તર ભારતનું ખસનું તેલ અસામાન્ય પ્રતિધ્રુવીય (antipodal) રચના ધરાવતા કેડીનેન અને યુડેસ્મેન સેસ્કવીટર્પિનો ધરાવે છે, જેમાં ખસોલ, ખસિનોલ, ખસિટોન, ( — )-V2-કેડિનિન અને લીવો જ્યુનિયોલનો સમાવેશ થાય છે. આ પ્રકારના તેલમાં વામાઘૂર્ણી ખસિલલ(ભાગ્યે જ મળતો C14 વર્ગનો ટર્પિનૉઇડ)ને કારણે તેલ વામાઘૂર્ણન દર્શાવે છે. દક્ષિણાવર્તી તેલમાં આ સંયોજન હોતું નથી. દક્ષિણાવર્તી તેલમાં નૂટ્કેટેન, વેટિસ્પાયરેન અને ટ્રાઇસાઇક્લિક ઝીઝાન બંધારણ ધરાવતા પદાર્થો હોય છે. આ બંને પ્રકારનાં બાષ્પશીલ તેલોનું રસાયણ ખૂબ જટિલ છે અને પૂર્ણપણે સમજી શકાયું નથી.
મૂળમાંથી તેલ ઉપરાંત ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ, સુક્રોઝ અને ગ્લિસરોલ હોય છે. મુક્ત ગ્લિસરોલની આ વનસ્પતિમાં સૌપ્રથમ વાર થયેલી પ્રાપ્તિ અને હાજરી ઘણું જૈવિક મહત્વ ધરાવે છે.
તેલના પરિશોધન (rectification) પછી પાત્રમાં રહી જતો અવશેષ પદાર્થ રાળસ્વરૂપ (resinous) હોય છે. તેનું પ્રમાણ લગભગ 25 % જેટલું હોય છે. શુષ્ક મૂળના બેન્ઝિન-નિષ્કર્ષણ દ્વારા રાળસ્વરૂપ ઘટક પ્રાપ્ત થાય છે. તે અર્ધઘટ્ટ હોય છે અને ઘેરો બદામી રંગ તેમજ અત્યંત સ્થાયી ગંધ ધરાવે છે. તે અત્તર-ઉદ્યોગમાં અને સાબુ બનાવવામાં વપરાય છે અને સારી સ્થાયીકર (fixative) અસર ધરાવે છે. તે આયોનોન, લીનેલૂલ, સિનેમિક આલ્કોહૉલ, સુખડ અને ઓક-મૉસ નીપજો સાથે સારી રીતે મિશ્ર થાય છે.
ખસનું તેલ અત્તર-ઉદ્યોગમાં સૌથી મહત્વનું કાચું દ્રવ્ય છે. તેનો સૌંદર્ય-પ્રસાધનોમાં અને સાબુને સુગંધિત કરવામાં ઉપયોગ થાય છે. તેલ સેસ્ક્વીટર્પિન આલ્કોહૉલ(દા.ત., વેટિવરોલ)ના અલગીકરણ માટેનો સ્રોત છે. આલ્કોહૉલના એસિટિલેશન દ્વારા વેટિવરોલ એસિટેટ બનાવાય છે, જે સારો સ્થાયીકર ગુણધર્મ ધરાવે છે.
તેલ વાયુવિકાર (flatulence), શૂલ (colic) અને ઊલટીમાં વાતહર (carminative) તરીકે વપરાય છે. તે ઉત્તેજક (stimulant), પ્રસ્વેદક (diaphoratic) અને શીતક (refrigerant) ગુણધર્મો ધરાવે છે. પર્ણોનો કાઢો પ્રસ્વેદક ગણાય છે. સંધિવા, કટિશૂલ (lumbago) અને મચકોડ (sprain) પર તેલ લગાડતાં આરામ મળે છે. કૃમિહર (anthelmintic) તરીકે આ વનસ્પતિનો ઉપયોગ બાળકોમાં થાય છે.
સૂકાં મૂળ લિનન અને કપડાંને સુગંધિત કરવા માટે વપરાય છે. ઘણા જૂના સમયથી મૂળનો ઉપયોગ પડદા (ખસની ટટ્ટી), સાદડીઓ, હાથ-પંખા અને ટોપલીઓ બનાવવામાં થાય છે. પડદા બારી પાસે લટકાવી તેના પર પાણી છાંટવાથી ઘરમાં સુગંધિત ઠંડક પ્રસરે છે. ભારતમાં ઉનાળામાં તેનો ખૂબ ઉપયોગ થાય છે. તેનાં મૂળને વાંસની ખાપટો સાથે ગૂંથી લઈ સૂવા માટે ચપટી સાદડીઓ બનાવવામાં આવે છે; જે ઠંડક આપે છે. ઇલેક્ટ્રિક રૂમ-કૂલરોમાં પણ તેનો ઉપયોગ થાય છે. તેના પ્રકાંડમાંથી મૂડા બનાવાય છે.
તેનાં કુમળાં પર્ણો ઢોરો અને ઘેટાં-બકરાં ચરે છે. આ ઘાસનું રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : અશુદ્ધ પ્રોટીન 6.1 %થી 6.7 %, ઈથર-નિષ્કર્ષ 1.1 %થી 2.1 %, રેસો 34.7 %થી 42.2 %, નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 45.0 %થી 47.4 %, કુલ ભસ્મ 6.3 %થી 9 %, કૅલ્શિયમ 0.28 %થી 0.31 % અને ફૉસ્ફરસ 0.05 %થી 0.06 %. સૂકા ઘાસમાંથી સાવરણા બનાવાય છે. તેનો ઉપયોગ ઝૂંપડી બનાવવામાં પણ થાય છે. ઘાસમાં હેમિસેલ્યુલોઝનું પ્રમાણ વધારે હોય છે. સેલ્યુલોઝ 45.8 % (શુષ્કતાને આધારે) હોય છે. તેના માવામાંથી લખવાના અને છાપવાના કાગળનું ઉત્પાદન થઈ શકે છે. વનસ્પતિનો ઉપયોગ મૃદા-બંધક (soil-binder) તરીકે થાય છે.
બળદેવભાઈ પટેલ