વેજનર, આલ્ફ્રેડ (. 1 નવેમ્બર 1880, બર્લિન; . નવેમ્બર 1930, ગ્રીનલૅન્ડ) : પૂરું નામ વેજનર, આલ્ફ્રેડ લોથર. જર્મન આબોહવાશાસ્ત્રી અને ભૂભૌતિકશાસ્ત્રી. ખંડીય પ્રવહન સિદ્ધાંત(continental drift theory)ના પ્રણેતા. ‘ભૂસ્તરીય અતીતમાં કોઈ એક કાળે બધા જ ખંડો ભેગા ભૂમિસમૂહ રૂપે હતા અને પછીથી ધીમે ધીમે તૂટતા જઈને પ્રવહન પામતા ગયેલા છે અને વર્તમાન સ્થિતિ પ્રાપ્ત કરેલી છે’, આ પ્રમાણેનો ખ્યાલ તે વખતે તદ્દન નવો ન હોવા છતાં તેની રૂપરેખા વ્યવસ્થિત વિકસાવીને આ અધિતર્કની ભૌગોલિક, ભૂસ્તરીય અને પ્રાચીન જીવાવશેષોના પુરાવા સહિત હકીકતો અને દલીલો ગંભીરતાપૂર્વક રજૂ કરનાર તેઓ સર્વપ્રથમ હતા. પૃથ્વીના પટ પર કરોડો વર્ષો અગાઉ ‘પેન્જિયા’ નામે માત્ર એક જ મહાખંડ હતો, જે ત્યારપછીથી તૂટીને લોરેશિયા અને ગોંડવાના ખંડ જેવા બે અલગ ભૂમિસમૂહોમાં વિભાજિત થયો. કાળક્રમે આ ગોંડવાના ખંડ પણ ટુકડાઓમાં વિભાજિત થતો જઈને, તે તે વિભાગો જુદી જુદી દિશામાં ખસતા જઈને આજની સ્થિતિમાં ગોઠવાયેલા છે. તેમણે તેમની આ સંકલ્પનાને ‘ખંડીય પ્રવહન અધિતર્ક’ સ્વરૂપે વ્યાખ્યાન દ્વારા 1912માં સર્વપ્રથમ રજૂ કરેલી; જેમાં તેમણે સ્પષ્ટતા કરી કે દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ભારત, ઑસ્ટ્રેલિયા અને ઍન્ટાર્ક્ટિકાથી રચાયેલો દક્ષિણ ગોળાર્ધસ્થિત ભેગો રહેલો ગોંડવાના ભૂમિસમૂહ ભૂસ્તરીય અતીતનાં 30 કરોડ વર્ષથી 15 કરોડ વર્ષ અગાઉના કાળગાળા દરમિયાન અસ્તિત્વ ધરાવતો હતો. વળી તે હકીકતને તેમણે જે તે ખંડોમાંનાં પ્રાણી અને વનસ્પતિ-અવશેષોના સામ્ય પરથી પુષ્ટિ આપી. વળી આફ્રિકા અને બ્રાઝિલના વિષુવવૃત્તીય વિસ્તારો ક્યારેક હિમાવરણોથી આચ્છાદિત હતા, તે ત્યાં મળી આવતા નિક્ષેપો પરથી સમજાવ્યું. તેઓ માનતા હતા કે તત્કાલીન અને વર્તમાન આબોહવાના ફેરફારો ખંડીય પ્રવહનને કારણે જ શક્ય બની શકે. તેમના આ અધિતર્કમાં આટલાન્ટિક મહાસાગરની બંને તરફના આફ્રિકા-દક્ષિણ અમેરિકાના દરિયાકિનારાની રૂપરેખાનું મળતાપણું પણ સમજાવવામાં આવેલું છે.

આલ્ફ્રેડ વેજનર

આ અંગેનું તેમનું પ્રકાશન ‘The Origin of the Continents and Oceans’ 1915માં બહાર પડ્યું. કેટલાક સમર્થકો તરફથી સારો પ્રતિભાવ પણ સાંપડેલો. તેમની આ સંકલ્પનાથી તેઓ એક ક્રાંતિકારી વિચારક તરીકે ખૂબ પ્રસિદ્ધિ પણ પામ્યા. તેમના સમયમાં એવી માન્યતા પ્રવર્તતી હતી કે ખંડો જુદી જુદી જગાઓમાં ભૂમિસેતુઓથી જોડાયેલા છે; એ માન્યતાના એક વિકલ્પ તરીકે તેમણે પોતાનો અધિતર્ક રજૂ કરેલો. બીજા થોડાક વૈજ્ઞાનિકોએ માત્ર તેમની સંકલ્પના પૂરતી સ્વીકૃતિ આપી અને વિચારો રજૂ કરવા પ્રત્યે સહાનુભૂતિ દાખવી. અમેરિકી ખનિજતેલ-ભૂસ્તરશાસ્ત્રીઓના 1928માં ભરાયેલા સંમેલનમાં વેજનેરે રજૂ કરેલા પુરાવા અને સમયગણતરીની બાબતમાં ઘણાં ઉદાહરણો ખોટાં જણાવાથી વૈજ્ઞાનિકોએ આ અધિતર્કને અમાન્ય ઠેરવ્યો. વિરોધનો મુખ્ય સૂર ખંડીય પ્રવહનની ક્રિયાપદ્ધતિમાં ખામી (ગોંડવાનો ભૂમિસમૂહ જ્યાં હતો અને તે ખંડો જ્યાં આજે છે એટલા અંતર સુધી કેવી રીતે ખસી શકે તે ખામી) બાબતનો હતો. આમ એ વખતે તેમના પ્રકાશનને ઠંડો પ્રતિસાદ મળ્યો. (જોકે તાજેતરના વીતેલા દશકાઓમાં વેજનરને ફરીથી એક ક્રાંતિકારી વિચારક તરીકે પ્રસિદ્ધિ મળી છે.)

લગભગ એ જ અરસામાં આર્થર હોમ્સના વિચારો વેજનરની તરફેણમાં હોવા છતાં તેમને પણ અન્ય નિષ્ણાતો તરફથી કોઈ મહત્વ મળેલું નહિ અને ખંડીય પ્રવહન અધિતર્ક પર વધુ કાર્ય કરવા યોગ્ય નથી એવો મત ચાલુ રહેલો. 1950ના દશકા સુધીમાં તો ખંડોના ચુંબકત્વ અને પ્રાચીન ચુંબકત્વ પર અભ્યાસ થયો. અક્ષાંશોનાં પ્રાચીન સ્થાન અને ખંડોના વિભાગોની દિકસ્થિતિની આંકડાકીય માહિતી પૂરી પાડવામાં આવી. સાથે સાથે ઉત્તર અમેરિકા અને યુરોપમાં ખંડો કઈ સ્થિતિમાં ભેગા હતા અને પછીથી કઈ રીતે છૂટા પડ્યા તે પર કામ થયું.

મધ્ય મહાસાગરીય ડુંગરધારોનાં સંકુલોના અભ્યાસે આફ્રિકા-દક્ષિણ અમેરિકાની દરિયાકિનારારેખાનો ભૌમિતિક મેળ બેસાડતી હકીકતો પૂરી પાડી. તેમાંથી જ સમુદ્રતલીય વિસ્તરણનો ખ્યાલ ઊભો થયો, તેનાં અર્થઘટનો થયાં અને છેવટે વેજનરના અધિતર્કની યથાર્થતાને સ્વીકૃતિ મળી. 1970 અને 1980ના દશકાઓ દરમિયાન ખંડોમાંના ભૂસ્તરીય સંગ્રહને અને કાળ અનુસાર પૃથ્વીની ઉત્ક્રાંતિ કઈ રીતે થયા કરી છે તે સમજવામાં આ અધિતર્કથી સહાય મળી શકી છે.

આબોહવાત્મક અને ભૂસ્તરીય સંશોધનના સંદર્ભમાં ગ્રીનલૅન્ડનાં ત્રણ અભિયાનો(1906-08, 1912-13 અને 1929-30)માં વેજનરે ભાગ લીધેલો. દ્વિતીય અભિયાન દરમિયાન અન્ય નિષ્ણાતોની સાથે રહીને ગ્રીનલૅન્ડના સળંગ લંબાઈના હિમાવરણને આરપાર પસાર કરવાનું ભગીરથ કાર્ય પાર પાડ્યું. તેમાં તેમણે ગ્રીનલૅન્ડના વાતાવરણનાં ઉષ્માગતિવિષયક અન્વેષણો કર્યાં, આબોહવાની માહિતી એકઠી કરી આપી, તેમજ ધ્રુવીય હિમાવરણની જાડાઈ શોધી આપી. ત્રીજા અભિયાનને દોરવણી આપતાં આપતાં 1930ના શિયાળામાં તેઓ મૃત્યુ પામ્યા.

ગિરીશભાઈ પંડ્યા