વેઝ (. આશરે 1100, આઇલ ઑવ્ જર્સી; . આશરે 1174) : નૉર્મન કવિ. શરૂઆતનું શિક્ષણ કૅનમાં; કેટલાક વખત માટે પૅરિસમાં. વ્યાવસાયિક રીતે લૅટિનમાંથી નૉર્મન ભાષામાં અનુવાદો કરી કાવ્યક્ષેત્રે ઝુકાવ્યું. આ સાથે તેમની સ્વરચિત મૌલિક કાવ્યરચનાઓ પણ ધનાઢ્ય કુટુંબોમાં વંચાતી. તેમનાં કાવ્યોના ત્રણ ગ્રંથો ‘વી દ સેંત માર્ગરિત’, ‘કૉંસેપ્સન દ નૉસ્ત્રે  દૉં’ અને ‘વી દ સેંત નિકોલસ’ પ્રસિદ્ધ થયેલ છે. કવિએ ઇંગ્લૅન્ડનો પ્રવાસ કરેલો. ‘રૉમન દ બ્રુત’ (1155) એ જ્યૉફ્રી ઑવ્ મન્મથના ‘હિસ્તોરિયા રૅગમ બિતાન્નિયા’નો કાવ્યાનુવાદ છે. ઇંગ્લૅન્ડના રાજા હેનરી પહેલોનાં પત્ની ઍત્તિનૉર ઑવ્ ઍક્વિતેનને તેનું અર્પણ થયું છે. 1160માં રાજાના આદેશથી ‘રૉમન દ રાઉ’ (ગૅસ્તે દે નૉર્માન્ઝ) લખવાનું શરૂ કર્યું. તેમાં નૉર્મન ડ્યૂક હૉલ્ફ(રૉલૉ)થી શરૂ કરી, તિન્ચેબ્રાઇના યુદ્ધ (1106) સુધીનો ઇતિહાસ છે. 1169 પહેલાં કવિને રાજા હેન્રી તરફથી વર્ષાસન બાંધી આપવામાં આવેલું. તેમની કવિતામાં અભિવ્યક્ત થયેલ સત્ય, રાજા હેન્રી દ્વારા અપાયેલા ન્યાયચુકાદાઓનું તેમનું વિવરણ અને તેમની સુસ્પષ્ટ શૈલી સવિશેષ નોંધપાત્ર છે.

વિ. પ્ર. ત્રિવેદી