વેકર પ્રવિધિ (Wacker process) : ઇથિનનું (ઇથિલીનનું) ઉદ્દીપકની હાજરીમાં હવા કે 99 % ઑક્સિજન વડે ઉપચયન કરી ઇથેનાલ(એસિટાલ્ડિહાઇડ)ના ઉત્પાદનની ઔદ્યોગિક પ્રવિધિ. આ પ્રવિધિ જે. સ્મિટ અને સહકાર્યકરોએ 1959માં વેકર કેમી ખાતે વિકસાવેલી. ઍલેક્ઝાંડર વૉન વેકર(1846-1922)ના નામ ઉપરથી તેનું નામ વેકર પ્રવિધિ રાખવામાં આવેલું.
તેમાં ઇથિન (ઇથિલીન) અને હવાના (અથવા 99 % ઑક્સિજનના) મિશ્રણને પેલેડિયમ (II) ક્લૉરાઇડ અને કૉપર (II) ક્લૉરાઇડના દ્રાવણમાંથી પરપોટારૂપે પસાર કરવામાં આવે છે. ઇથિનના કાર્બન-કાર્બન દ્વિબંધના p-ઇલેક્ટ્રૉન સાથે પેલેડિયમ આયન (Pd++) જોડાઈને સંકીર્ણ બનાવે છે. જેના લીધે બંધનમાં ઇલેક્ટ્રૉન-ઘનતા ઘટે છે. તેના કારણે પાણીના અણુઓ (કેન્દ્રાનુરાગીઓ) વડે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થાય છે. પરિણામે સંકીર્ણનું ખંડન થાય છે અને ઇથેનાલ (એસિટાલ્ડિહાઇડ) તથા પેલેડિયમ ધાતુ બને છે. આયન વડે પેલેડિયમનું Pd2+ આયનમાં ઉપચયન થાય છે, જ્યારે આયન માં ફેરવાય છે. પરંતુ હવાની હાજરીના લીધે નું માં ઉપચયન થાય છે. આમ આ પ્રવિધિમાં Cu (II) અને Pd (II) આયનો અસરકારક રીતે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. ઇથિનનું ઇથેનાલમાં રૂપાંતરણ એ વેકર પ્રવિધિનું એક ઉત્તમ ઉદાહરણ ગણાય.
આ પ્રક્રિયા નીચે મુજબ દર્શાવી શકાય :
ઇથેનાલના વધુ ઉપચયન વડે ઇથેનોઇક (એસેટિક) ઍસિડ મળી શકે છે. આ પ્રવિધિ અન્ય આલ્કીનો માટે પણ વાપરી શકાય છે.
પ્ર. બે. પટેલ