વેંકટરામૈયા, સી. કે. (. 1896; . 1973) : કન્નડ વાર્તાકાર, ચરિત્રકાર, વિવેચક અને નાટ્યકાર. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી, પછી મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને એલએલ.બી.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી. ત્યારબાદ મૈસૂર સરકારમાં અનુવાદક તરીકે જોડાયા અને વખત જતાં નિર્દેશકપદે રહ્યા.

તેમણે મોટેભાગે પારિવારિક જીવનને કેન્દ્રમાં રાખીને મસ્તી-પરંપરામાં વાર્તાઓ રચી છે, તેમાંની મોટાભાગની વાર્તાઓ ભાવનાશીલ છે, રોચક છે તેમજ ભલાઈ અને કરુણા પર ભાર મૂકીને આકર્ષિત કરે છે. મૈસૂરના વૉડિયાર ચોથા કૃષ્ણરાજનું ચરિત્ર ‘આલિડા મહાસ્વામિયવરુ’ તેમની પ્રશિષ્ટ કૃતિ છે. તેના વિષયવસ્તુમાં લેખકે તેમની વીરપૂજાની પ્રતીતિ કરાવી છે. જોકે કૃતિ એક પ્રમાણભૂત દસ્તાવેજ હોવા છતાં તેમાં ખુશામતનો ભાવ વ્યક્ત થયા વિના રહેતો નથી.

તેમણે મોટેભાગે સમયની રુખ જોઈને ભૂતકાળની ભવ્યતાની ઝાંખી કરાવવા પૌરાણિક કથાઓ પર નાટકો રચ્યાં છે. કાલિદાસ અને ભાસ પરની તેમની કૃતિઓમાં તેમની વિદ્વત્તા અભિવ્યક્ત થાય છે. તેઓ પ્રતિભાસંપન્ન વક્તા હતા અને તેમના શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી શકતા હતા. લેખક તરીકે તેમની શૈલી મનોહર અને સુસ્પષ્ટ હતી.

તેઓ કન્નડ સાહિત્ય પરિષદના મંત્રી હતા અને 1947માં કન્નડ સાહિત્યિક સંમેલનના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. તેમના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહો છે : ‘હલ્લિય કતેગલુ’ અને ‘તુરાયી’. ‘અબ્રાહમ લિંકન’, ‘હર્ષવર્ધન’, ‘આલિડા મહાસ્વામિયવરુ’ તેમનાં નોંધપાત્ર ચરિત્રો છે. ‘સુંદરી’, ‘નમ્મ સમાજ’, ‘નચિકેતા’, ‘મંદોદરી’ અને ‘બ્રહ્મવાદી’ તેમનાં જાણીતાં નાટકો છે. ‘કાલિદાસ’ અને ‘ભાસ’ વિવેચનગ્રંથો છે.

તેમને 1950માં ‘રાજસેવાસક્ત’ અને 1962માં ‘પદ્મશ્રી’ જેવાં ઘણાં સન્માનો પ્રાપ્ત થયાં હતાં. 1971માં તેમને રાજ્ય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

બળદેવભાઈ કનીજિયા