વેંકટ રમણય્યા, નેલતુરી (જ. 1893; અ. 1977) : આંધ્રના નિબંધકાર અને ઇતિહાસકાર. ગરીબ પણ વિદ્વાન બ્રાહ્મણ પરિવારમાં જન્મ. તેમણે 1919માં ઇતિહાસમાં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. પછી બૅંગાલુરુ અને મદ્રાસ (ચેન્નાઈ) ખાતે તેલુગુ પંડિત તરીકે અને મદ્રાસની ક્રિશ્ચિયન કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. મદ્રાસ યુનિવર્સિટીમાંથી તેમના શોધ-પ્રબંધ ‘ધી ઓરિજિન ઑવ્ સાઉથ ઇન્ડિયન ટેમ્પલ્સ’ માટે તેમને પીએચ.ડી.ની પદવી મળી.
તેઓ તેલુગુ, સંસ્કૃત, કન્નડ અને ફારસી ભાષાના વિદ્વાન હતા. તેમણે તેમનાં અસંખ્ય પ્રકાશનો દ્વારા આંધ્રના ઇતિહાસ તથા તેલુગુ સાહિત્યને સમૃદ્ધ કર્યાં. 1928માં તેઓ મલ્લમ્પલ્લે સોમશેખર શર્માના સંપર્કમાં આવ્યા અને તેમના સહયોગમાં આંધ્રને અધિકૃત ઇતિહાસ આપ્યો. નીલકંઠ શાસ્ત્રીના સહયોગમાં તેમણે ‘મૅગ્નમ ઓપસ’ નામક ગ્રંથ દ્વારા વિજયનગર સામ્રાજ્ય વિશે વિશેષ આધાર-સામગ્રી પૂરી પાડી. તેમના અન્ય મહત્વના ગ્રંથોમાં, ‘થર્ડ ડિનેસ્ટી ઑવ્ વિજયનગર’; ‘અર્લિ મુસ્લિમ એક્સ્પાન્શન’; ‘ત્રિલોચન પલ્લવ અને કારિકલ ચોલા’ તથા ‘હિસ્ટરી ઑવ્ ઈસ્ટર્ન વેંગી ચાલુક્યઝ’(1951)નો સમાવેશ થાય છે. તેમના ‘વાઙ્મય વ્યાસમંજરી’ માટે તેમને આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
બળદેવભાઈ કનીજિયા