વેંકટરત્નમ્, આદિગોપુલા (. 1 જુલાઈ 1947, કોતાવંગલુ, જિ. નેલ્લોર, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ. તેમણે નાગાર્જુન યુનિવર્સિટીમાંથી સિવિલ ઇજનેરીની પદવી મેળવી અને નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે સેવા આપી.

તેમણે તેલુગુમાં 11 કૃતિઓ આપી છે : ‘સૂર્યોદયમ્’ (1984); ‘એન્નાલ્લી ચરિત્ર’ (1985); ‘જીવન પોરટમ’ (1986); ‘વાણીસત્વમ્ અમ્માબદુનુ’ (1987); ‘મરણાનિકી રેન્ડુ મુખાલુ’ (1988), ‘વિપ્લવાનિકી પુરુતી ગડી’ (1990); ‘અશ્રુવીધિલો અગ્નિજ્ઞાનમ્’ (1991); ‘મટ્ટી મૌનમ્ વહિન્ચડુ’ (1994); ‘મહાપાતમ્’ (1996)  આ તમામ તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે; જ્યારે ‘પુરોગતી અંચુના’ (1985) વાર્તાસંગ્રહ છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને શ્રી શ્રી સ્મારક સુવર્ણચંદ્રક (1984); કંડુર્તી સ્મારક ઍવૉર્ડ (1988); રંજની કંડુર્તી ઍવૉર્ડ (1991, 1992 અને 1993); કરુણા શ્રી ઍવૉર્ડ (1993) તથા અન્ય એવૉર્ડો પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા