વેંકટ કવિ, ચેમકુરા (જ. સત્તરમી સદી) : તાંજોરના રઘુનાથ નાયકના દરબારમાં પ્રસિદ્ધ કવિ. તેમનું નામ હતું ચેમકુરા વેંકટરાજુ. રાજાના લશ્કરી પ્રવાસોમાં તેમણે રાજાની સેવા કર્યાનું જણાય છે.
તેમની કાવ્યકૃતિ ‘વિજયવિલાસમ્’ તેલુગુમાં એક મહાકાવ્ય ગણાય છે. તેમાં તેઓ તેમની જાતને લક્ષ્મણામાત્યના પુત્ર તરીકે અને તેમના કાવ્યને સૂર્યદેવ તરફથી મળેલી પ્રેરણારૂપ માને છે. તેઓ તેમની જાતને નિયોગી બ્રાહ્મણ કહેવડાવતા હતા. ‘વિજયવિલાસમ્’ મહાકાવ્ય પ્રગટ થતાંની સાથે તેઓ ત્વરિત પ્રસિદ્ધિ પામ્યા.
તેમની અન્ય કૃતિ ‘સારંગધર ચરિત્ર’ છે. તેને ‘વિજયવિલાસમ્’ જેટલી સફળતા અને લોકપ્રિયતા મળી ન હતી; કારણ કે તે દ્વિપદ છંદમાં રચાયેલું કાવ્ય છે અને તેનો પ્લૉટ અને ઘટનાઓ ગૌરાનાના નવનાથ ચરિત્રમાંથી લીધાં છે. ગૌરાનાની કથામાં નાથ સંપ્રદાયની મહાનતા વર્ણવી છે; જ્યારે ચેમકુરાએ સારંગધરની કથાનું સ્વતંત્ર નિરૂપણ કરવાની પહેલ કરી છે. તેની કથા નીચે પ્રમાણે છે :
રાજમહેન્દ્રવરમના રાજા રાજારાજને સારંગધર નામનો પુત્ર હતો. રાજા તેમનાથી ઘણી નાની વયની ચિત્રાંગી નામની અતિ સુંદર ગણિકાના પ્રેમમાં હતા; જ્યારે ગણિકા સારંગધરના પ્રેમમાં પડી હતી ! પરંતુ ગણિકાના પ્રેમને લગતા અનુનયનો સારંગધરે અસ્વીકાર કરતાં વેરવૃત્તિથી તેણે તેની લાજ લેવાનો પ્રયાસ કર્યાની જૂઠી વાત ઉપજાવી કાઢી. તેથી રાજાએ તેના પુત્રના બંને હાથ-પગ કાપી નાખવાનો હુકમ કર્યો. જોકે મહાન સંત મચ્છેન્દ્રનાથે સારંગધર પર દયા લાવીને તેના ઘાની સારવાર કરી. તેમણે તેમના સંપ્રદાયનાં રહસ્યો અંગે તેને દીક્ષા આપી અને તેણે ગુમાવેલ અંગો પુન:સ્થાપિત કર્યાં. પછી સારંગધરે તેનું નવું નામ ચૌરંગી રાખ્યું.
ચેમકુરાએ આ કથા ત્રણ સર્ગમાં રચી છે; પરંતુ તેમાં પ્રારંભમાં અપાતી પ્રચલિત સમર્પણભાવની કાવ્યરચના અને છેલ્લે પુષ્ટિપકા પૂરી પાડવામાં આવી નથી; તેમ છતાં તેઓ કથામાં ચમત્કૃતિ લાવવામાં સફળ રહ્યા છે.
‘વિજયવિલાસમ્’ કૃતિ ચાર સર્ગમાં અર્જુનની પ્રેમકથા વર્ણવે છે. અર્જુન નાગલોકની ઉલૂપી પાંડ્ય રાજ્યની ચિત્રાંગદા અને છેલ્લે યાદવ સૈન્યને હરાવી ભગવાન કૃષ્ણનાં બહેન સુભદ્રા સાથે લગ્ન કરે છે. મહાભારતમાંની કથાવસ્તુની જેમ અહીં અર્જુનનો આનંદ અને શૂરવીરતાનું વર્ણન છે. તેમણે વસ્તુસંકલના કે પાત્રાલેખનમાં કોઈ જ ફેરફાર કર્યો નથી, છતાં તેલુગુ કાવ્યમાં જીવનનાં વિવિધ ક્ષેત્રોના વૈવિધ્યપૂર્ણ અનુભવોનું નિરૂપણ કરતાં અદ્ભુત લાવણ્ય ઉપસાવ્યું છે. આમ, રોજિંદા જીવન અને તળપદી ભાષાનો કાવ્યાત્મક રીતે લાભ લેનારા ચેમકુરા એકમાત્ર તેલુગુ કવિ છે.
બળદેવભાઈ કનીજિયા