વેંકટરામન, બી. (જ. 1911; અ. 20 ડિસેમ્બર 1998) : દક્ષિણ ભારતના કર્ણાટક પ્રદેશમાં વીસમી સદીમાં થયેલા મહાન ખગોળશાસ્ત્રી અને વિદ્વાન જ્યોતિષી. વતન બૅંગાલુરુ. પંચાંગ – સ્પષ્ટ ગ્રહોનું ગણિત કરનાર, સ્વતંત્ર ‘અયનાંશ’ સ્થાપિત કરનાર જ્યોતિર્વિદ. ભારતીય પંચાંગ-ગણિતશાસ્ત્રમાં નિરયન અયનાંશ જે સર્વમાન્ય છે; તેનાથી 1O-26” – 40” ઓછા લે છે. તેથી જન્મલગ્ન સાધનમાં એકવાક્યતા રહેતી નથી. આ માન્યતા રામનની વ્યક્તિગત હોઈ કોઈએ તેનો વિરોધ કર્યો નથી. સાયનપદ્ધતિમાં તો શૂન્ય અયનાંશ લેવા જોઈએ, એ જ મૂળભૂત સિદ્ધાંત છે.
તેમના દાદા પ્રો. બી. સૂર્યનારાયણ રાવે 1895માં ભારતમાં પ્રથમ જ્યોતિષવિદ્યાનું ‘The Astrological Magazine’નું પ્રકાશન શરૂ કર્યું, જે પ્રતિમાસ આજે પણ પ્રગટ થાય છે. દાદા સૂર્યનારાયણ રાવ પછી બી. વી. રામન 1936માં આ મૅગેઝિનના બીજા તંત્રી થયા. તે છેક 1998માં તેમના મૃત્યુ સુધી 62 વર્ષની સુદીર્ઘ સેવા જ્યોતિષ વિજ્ઞાનને આપતા રહ્યા.
જ્યોતિષનું જ્ઞાન તેમને બાલ્યાવસ્થાથી જ દાદા દ્વારા વારસામાં મળ્યું. 26 વર્ષની યુવાન વયે તેઓ પ્રસ્તુત માસિકના તંત્રી થયા. તેઓ જ્યોતિષશાસ્ત્રમાં ગણિત-સ્કંધના તજ્જ્ઞ હતા. સૌપ્રથમ તેમણે 110 વર્ષના સ્પષ્ટ ગ્રહોનું ગણિત કરી ‘Raman’s 110 years ephemenris’ (1891-2000) પ્રગટ કરી. 26 વર્ષની યુવાન-વયે જ્યોતિષ ગણિત-સ્કંધ, હોરા-સ્કંધ અને સંહિતા-સ્કંધનું જ્ઞાન ધરાવનાર તેમનું વ્યક્તિત્વ વિરલ ગણાય એવું હતું. ભારતીય જ્યોતિષશાસ્ત્રને વિજ્ઞાન કે શાસ્ત્રની માન્યતા અપાવવાનું કાર્ય સૌપ્રથમ તેમણે કર્યું.
ભારતીય જ્યોતિષ વિજ્ઞાન સમિતિ(Indian Council of Astrological Science ICAS)ના તેઓ સ્થાપક સભ્ય અને પ્રમુખ હતા.
તેમની બાલ્યાવસ્થા સંઘર્ષપૂર્ણ હતી. તેમનું જીવન જ્યોતિષ-વિજ્ઞાનને સમર્પિત હતું. દાદાના માનસ-સંતાન સમા ‘The Astrological Magazine’નું તંત્રીપદ સંભાળ્યા પછી તેની ખોટ પૂરવામાં તેઓ સતત નાણાભીડ અનુભવતા હતા. આવી આર્થિક કટોકટીમાં કેટલીક વાર પત્ની રાજેશ્વરીદેવીનાં ઘરેણાં વેચીને પણ મૅગેઝિન ચલાવવાની હિંમત તેમણે દાખવી હતી. તેમનાં પાંચ સંતાનોમાં પુત્રી ગાયત્રીદેવીએ 1999થી ‘The Astrological Magazine’નું તંત્રીપદ સંભાળ્યું છે.
તેઓ ભારતીય પ્રાચીન જ્યોતિષ પરંપરાના સૂક્ષ્મ અભ્યાસી હતા. વૈદિકયુગથી પ્રારંભાયેલ વેદાંગજ્યોતિષનો અભ્યાસ કરી ‘બૃહદ્ જાતક’ (વરાહમિહિર) અને ‘ગર્ગસંહિતા’ જેવા પ્રાચીન સંહિતા ગ્રંથોનું મૂળ શ્ર્લોકો સાથે અંગ્રેજીમાં ભાષાંતર કરી અને તેમાંના સિદ્ધાંતોનું પુનર્મૂલ્યાંકન કરી ભારતીય જ્યોતિષની પાશ્ર્ચાત્ય જ્યોતિષને ભેટ ધરી.
પ્રાચીન મુંડન (Mundan) જ્યોતિષના આધારે તેમણે મૃત્યુ, રાજકારણ, રાજકીય નેતાઓ વગેરેનું ભાવિ નિશ્ચિત કરવામાં રસ લીધો.
વળી વીસમી સદીમાં ભારતમાં બનેલા બનાવો (જેવા કે ભારતની આઝાદી, બીજું વિશ્વયુદ્ધ, ભારત-ચીન યુદ્ધ વગેરે) અંગેના તેમનાં પૂર્વાનુમાનો સમયની એરણ ઉપર સચોટ પુરવાર થયાં છે. ‘The World Prospects in 1938-1939’ નામના તેમના ગ્રંથમાં આપવામાં આવેલ બીજા વિશ્વયુદ્ધ વિશેની આગાહી, મુંડન જ્યોતિષ સિદ્ધાંતોની સફળતાના પુરાવારૂપ છે. વળી નીલકંઠકૃત ‘પ્રશ્નતંત્ર’નો તથા જૈમિની ઋષિકૃત સંસ્કૃત જ્યોતિષગ્રંથ ‘જૈમિની સૂત્ર’નો પોતાની ટીકા અને મૂળ સાથે અંગ્રેજીમાં અનુવાદ તેમણે કર્યો છે.
વળી હિન્દી ભાષામાં કેટલાક મહત્વપૂર્ણ ગ્રંથો પણ તેમણે લખ્યા છે. તેમાં ‘तीनसो महत्त्वपूर्ण योग’ ‘जैमिनी सूत्र का अध्ययन’, ‘जातकनिर्णय’ – V. I & II’, ‘ग्रह और भावबल’ ઉલ્લેખનીય છે. ‘Ashtakavarga System of Prediction’ (‘અષ્ટક વર્ગ પદ્ધતિ અને ફળાદેશ’) ગ્રંથમાં અષ્ટક વર્ગ પદ્ધતિના સિદ્ધાંતો અને તેના ઉપરથી ફળાદેશ કઈ રીતે થાય તેની સરળ સમજૂતી આપી છે. આ ઉપરાંત તેમણે વિશિષ્ટ કુંડલીઓનો અભ્યાસ તેમના ‘Notable Horoscopes’ ગ્રંથમાં આપેલ છે. કુંડલીની સમીક્ષા કઈ રીતે કરવી તે તેઓ ‘How to Judge a Horoscope V. I & II’માં સમજાવે છે. શિખાઉ જ્યોતિષ જિજ્ઞાસુ માટે તેમણે રચેલો ‘Astrology for Beginners’ ઉત્તમ ગ્રંથ છે.
માનવીય જીવન ઉપર ગ્રહો કઈ અસર કરે છે, તે અંગેનો ગ્રંથ ‘Planetary Influences on Human Affairs’ માણસનાં મનોવલણો અને ગ્રહો સાથેના તેમના સંબંધનો ઉત્તમ અભ્યાસગ્રંથ છે. ‘વૈદિક જ્યોતિષ’ એમના જ્યોતિષજ્ઞાનનો પાયો છે. ‘A Manual of Hindu Astrologoy’, ‘Hindu Predictive Astrology’, જેવા ગ્રંથો તેમની હિન્દુ જ્યોતિષશાસ્ત્ર અંગેની સજ્જતા દર્શાવે છે. આ ઉપરાંત ‘Graha and Bhav Balas’, ‘Three hundred Important Combinations’(Yoga)માં તેમણે જ્યોતિષશાસ્ત્રના ત્રણસો યોગોની ચર્ચા કરી છે. આ ઉપરાંત ‘Prashna Marg’ (V. I & II) જ્યોતિષના પ્રશ્નસિદ્ધાંતના ઉત્તમ ગ્રંથો છે. ‘Varshafal, Muhurtha’ જેવા ગ્રંથો તેમની વ્યુત્પન્ન પ્રતિભાના ચમકારા દર્શાવે છે. તેમના કેટલાક ગ્રંથો જેમ હિન્દી અને અંગ્રેજીમાં તેમ કન્નડ ભાષામાં પણ મળે છે. જાપાની, જર્મની અને રશિયન ભાષાઓમાં પણ એમના ભાષાંતર પામેલા ગ્રંથો પ્રચલિત છે. જ્યોતિષ-જગતમાં વીસમી સદીની ભારતની વિશ્વને એક અમૂલ્ય ભેટ તે ડૉ. બી. વી. રામન છે.
બટુક દલીચા