વેંકટમાધવ : જગતના પ્રાચીનતમ ભારતીય ગ્રંથ ‘ઋગ્વેદ’ના ભાષ્યકાર. એક મત અનુસાર તેમણે ઋગ્વેદ પર બે ભાષ્યો લખ્યાં હતાં; પરંતુ હાલ માત્ર એક જ ભાષ્ય ઉપલબ્ધ છે. તેમના ઋગ્વેદભાષ્યના પ્રથમ અધ્યાયમાં તેમણે પોતાનો પરિચય આપ્યો છે, તે મુજબ તેમના પિતાનું નામ વેંકટ અને પિતામહનું નામ માધવ છે. તેમની માતાનું નામ સુંદરી છે અને તેમના માતામહનું નામ ભવગોલ છે. પિતૃપક્ષે તેમનું ગોત્ર કૌશિક છે, જ્યારે માતૃપક્ષનું ગોત્ર વાસિષ્ઠ છે. વેંકટમાધવના નાનાભાઈનું નામ સંકર્ષણ હતું. વેંકટમાધવને વેંકટ અને ગોવિંદ નામના બે પુત્રો હતા. આ પરિવારનો નિવાસ દક્ષિણાપથના ચોલ દેશમાં (હાલના આંધ્રમાં) હતો. ઋગ્વેદના સુપ્રસિદ્ધ ભાષ્યકાર સાયણે તેમના ભાષ્યમાં વેંકટમાધવનો ઉલ્લેખ કર્યો છે (10-8-61). નિઘંટુના ભાષ્યકાર દેવરાજ યજવા(પ્રાય: સં. 1370)ના ભાષ્યોપોદ્ઘાતમાં વેંકટાચાર્ય તથા માધવનો ઉલ્લેખ છે. કોશકાર કેશવ સ્વામી(1300 વિ. સં. પૂર્વ)ના ‘નાનાર્થાર્ણવ’માં પણ તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બધા પુરાવાઓને આધારે સામ્બ સદાશિવ શાસ્ત્રી વેંકટમાધવનો સમય ઈ. સ. 1050થી ઈ. સ. 1150ની વચ્ચે હોવાનું માને છે. વેંકટમાધવનું ઋગ્વેદ પરનું ભાષ્ય પ્રમાણમાં સંક્ષિપ્ત છે. તે પોતે જ શબ્દોનો વિસ્તાર કરવાના બદલે ટૂંકમાં કેટલાક શબ્દોમાં જ પદોનો અર્થ સમજાવવાનું જણાવે છે. આમ આ ભાષ્યમાં મન્ત્રો અને પદોની સરળ વ્યાખ્યા છે. મોટાભાગે તો પદોના પર્યાય આપી તેમણે સંતોષ માન્યો છે. આ ભાષ્યની ખાસ વિશેષતા એ છે કે વેંકટમાધવે બ્રાહ્મણગ્રંથોનો ભરપૂર આધાર લીધો છે. બ્રાહ્મણગ્રંથો વેદના નજીકના ગ્રંથો છે; તેથી તેમના આધારે કરેલું વેદમંત્રોનું અર્થઘટન વધારે વિશ્વસનીય માની શકાય. વેંકટમાધવ પોતે પણ આ મત ધરાવતાં લખે છે કે જેમણે કેવળ વ્યાકરણ અને નિરુક્તનું પરિશ્રમપૂર્વક અધ્યયન કર્યું હોય તેવા વિદ્વાનો સંહિતાના માત્ર એક ચતુર્થાંશ ભાગને જાણે છે; પરંતુ જેમણે શ્રમપૂર્વક બ્રાહ્મણગ્રંથોનું અધ્યયન કર્યું છે તેઓ સંપૂર્ણ સંહિતાને યથાર્થ જાણી શકે છે.

વેંકટમાધવકૃત ઋગ્વેદભાષ્યનું સંપાદન ડૉ. લક્ષ્મણ સરૂપે કર્યું છે અને તેનું પ્રકાશન મોતીલાલ બનારસીદાસ દ્વારા દિલ્હીથી થયું છે. આ ઉપરાંત પંજાબના હોશિયારપુરના વેદસંસ્થાન દ્વારા પણ તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે.

વસંત પરીખ