વેંકટપ્પૈયા, વેલગા (. 12 જૂન 1932, તેનાલી, જિ. ગુન્તુર, આંધ્ર પ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી. પછી આંધ્ર પ્રદેશ સરકારના જાહેર ગ્રંથાલયોના વિભાગમાં ગ્રંથપાલ તરીકે જોડાયા અને સેવાનિવૃત્ત થયા તે પહેલાં 1966-68 સુધી તેમણે વિજયવાડામાં સ્કૂલ ઑવ્ લાઇબ્રેરી સાયન્સના આચાર્ય તરીકે કામગીરી કરી. 1965થી તેઓ તેલુગુ બાલાલ રચૈતાલ સંઘમના મંત્રી રહ્યા.

તેમણે આશરે 120 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘પોડુપુ કથાલુ’ (1980, ઉખાણાં); ‘બાલ ગેયલુ’ (1980, લોકગીતો); ‘બાલસાહિત વિકાસમ્’ (1982, સંશોધન); ‘સમાચાર વિજ્ઞાનમ્’ (1972); ‘એન્સાઇક્લોપીડિક ડિક્શનરી ઑવ્ લાઇબ્રેરી ઇન્ફર્મેશન સાયન્સ’ 2 ગ્રંથોમાં (અંગ્રેજી તથા તેલુગુમાં) નોંધપાત્ર છે. આ ઉપરાંત તેમણે માહિતી અને લાઇબ્રેરી સાયન્સ વિશે સંખ્યાબંધ વિવરણાત્મક પુસ્તકો સંકલન અને સંપાદન કરીને પ્રગટ કર્યાં છે.

તેમના આવા વિવિધ પ્રકારના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1989માં આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ અને ભારત સરકારના પ્રૌઢ શિક્ષણ મંત્રાલય તરફથી બેસ્ટ બુક ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા