વેંકટ પાર્વતીશ્વર, ક્વુલુ : બલન્ત્રપુ વેંકટરાવ (1880-1971) અને વૉલેટી પાર્વતિસમ (1882-1955) નામના તેલુગુમાં ગદ્ય અને પદ્યના ઘણા ગ્રંથોના સંયુક્તપણે રચયિતા જોડિયા કવિઓ. તેમણે બંનેએ બંગાળી, હિંદી અને મરાઠી નવલકથાઓના તેમના અનુવાદ દ્વારા તેલુગુ નવલકથાના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. તે નવલકથાઓ તેમણે આંધ્ર પ્રચારિણી ગ્રંથમાળાના અન્વયે પ્રસિદ્ધ કરી હતી. આ બંને કવિઓ કાકિનાડામાં રહેતા હતા અને પિઠાપુરમના રાજાનો આશ્રય માણતા હતા.

તેમણે બંનેએ બંકિમચંદ્ર ચેટ્ટરજીની પ્રખ્યાત નવલકથાઓ ‘કપાલકુંડલા’ અને ‘વિષવૃક્ષ’નું ભાષાંતર કર્યું હતું. તેમનું ગદ્ય સરળ, લાલિત્યપૂર્ણ અને સુઘડ છે. તેમની વિલક્ષણ અભિવ્યક્તિના કારણે મધ્યમવર્ગની ગૃહિણીઓ તેનું વાચન કરવા પ્રેરાઈ અને આ રીતે સાહિત્યને બેઠકખંડમાંથી રસોડા સુધી પહોંચાડવાનું શ્રેય તેઓને શિરે જાય છે.

ભાષાંતરના પરિણામસ્વરૂપ ભારતની પ્રાચીન ભવ્યતાના પુનરુજ્જીવન માટેની હિમાયત કરતી મૌલિક નવલકથા ‘માતૃમંદિરમ્’ તેમણે પ્રગટ કરી. ‘પ્રમદવનમ્’માં જોવા મળે છે તેમ, તેમની મૌલિક નવલકથાઓમાં પાત્રાલેખન કરતાં વર્ણનનું પ્રાધાન્ય વ્યક્ત થાય છે. ‘મધુર ભક્તિ’ સંપ્રદાયમાંથી પ્રેરણા લઈને તેમણે ‘એકાંત સેવા’ કાવ્યસંગ્રહ આપ્યો. તેમાં પ્રેમના પ્રતીકરૂપ ઈશ્વર સાથે એકાકાર બનવા મથતા માનવ-આત્માનો તલસાટ, તીવ્ર વેદના અને અત્યાનંદ, વિયોગ અને મિલન, અપેક્ષા અને પરિતૃપ્તિ જેવી ઉત્કટ લાગણીઓના ભાવો અભિવ્યક્ત થાય છે. વિયોગ વખતે સંદેશવાહક તરીકે પુષ્પો, ગીત ગાતાં પક્ષીઓ અને ગણગણતા ભ્રમરોનો પ્રતીકાત્મક ઉપયોગ તેમણે કર્યો છે. આમ, પ્રેમની લાગણીને, તમામ વિલાસિતાને દૂર કરી ઉન્નત ભાવોન્માદમાં પરિવર્તિત કરવાની તેમની ખૂબીના કારણે તેમની કાવ્યકૃતિઓ અદ્યતન તેલુગુમાં અજોડ ગણાય છે.

પાછળથી તેમણે ‘વૃંદાવનકાવ્ય’ની રચના કરી; જે તેમણે પિઠાપુરમના રાજાને અર્પણ કરી હતી. આ પ્રેમના નાટકમાં પરમાત્મા સાથે મિલન ઝંખતા આત્માનું, આ કવિઓના આદર્શભૂત ચંડીદાસ અને જયદેવનાં ભક્તિકાવ્યોની તાજગી અને મોહકતાનો લાભ લઈ ચિત્રાંકન કરાયું છે.

આ કવિઓએ આકર્ષક ઉદાહરણો દ્વારા આપણી પ્રશિષ્ટ કૃતિઓને બાળકો સમજી શકે તેવી સરળ અને સ્પષ્ટ શૈલીમાં સુલભ કરી છે. તેમણે બાળકો માટે રચેલી શ્રેણી  ‘ભારતમ્’, ‘ભાગવતમ્’ અને ‘રામાયણમ્’ ઉલ્લેખનીય છે. અભિવ્યક્તિની મોહકતા અને સરળતા, રુચિની શુચિતા અને શૈલીની ઊંચાઈ દ્વારા તેઓ અર્વાચીન કવિઓમાં સન્માનનીય સ્થાન પામ્યા છે.

બળદેવભાઈ કનીજિયા