વેંકટચેલૈયા, એમ. એન. (જ. 25 ઑક્ટોબર 1929) : ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને સામાજિક-આર્થિક પ્રવૃત્તિઓના સંકલનકાર. જૂના મૈસૂર રાજ્યના નિવાસી તરીકે શાલેય અને કૉલેજ-શિક્ષણ બૅંગાલુરુ ખાતે લીધું. બૅંગાલુરુની ફૉર્ટ હાઈસ્કૂલમાં અભ્યાસ પૂરો કરી, વિજ્ઞાન શાખામાં પ્રવેશ મેળવી તેઓ ત્યાંની સેન્ટ્રલ કૉલેજમાંથી સ્નાતક થયા. ત્યારબાદ ગવર્નમેન્ટ લૉ કૉલેજમાંથી કાયદાના સ્નાતક થયા.
1951થી તેમણે કાયદાના ક્ષેત્રે કારકિર્દીનો આરંભ કર્યો. નવેમ્બર, 1975માં કર્ણાટક રાજ્યની વડી અદાલતના અને 1987માં ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે પોતે નિમાયા અને ફેબ્રુઆરી, 1993થી ઑક્ટોબર, 1994 સુધી 25મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સેવાઓ આપ્યા બાદ તેઓ નિવૃત્ત થયા.
નિવૃત્તિ પછી ઘણાં સામાજિક-આર્થિક સંગઠનો તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા રહી વિવિધ ક્ષેત્રોમાં કામગીરી બજાવે છે. 1998માં તેમણે નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે અને પછી કરવેરા સમિતિના અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી હતી. ફેબ્રુઆરી, 2000માં નૅશનલ કમિશન ટુ રિવ્યૂ ધ વર્કિગ ઑવ્ ધ કૉન્સ્ટિટ્યૂશન(NCRWC)ની રચના થઈ. આ પંચ ટૂકમાં બંધારણ સમીક્ષા પંચ તરીકે જાણીતું હતું, જેના અધ્યક્ષ તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી બજાવી હતી. આ પંચનો અહેવાલ તેના અધ્યક્ષ તરીકે તેમણે 31 માર્ચ, 2002ના રોજ ભારત સરકારને સુપરત કર્યો. 2004માં તેમને ‘પદ્મશ્રી’ એનાયત કરવામાં આવ્યો છે.
રક્ષા મ. વ્યાસ