વૅસારેલી, વિક્ટૉર (Vasarely, Victor)

February, 2005

વૅસારેલી, વિક્ટૉર (Vasarely, Victor) (. 1908, હંગેરી; . 2001) : આધુનિક ચાક્ષુષવાદી (‘ઑપ્ટિસિસ્ટ’) ચિત્રકાર. કારકિર્દીના આરંભમાં તેઓ ચિત્રકારો મોન્દ્રિયાં અને કૅન્ડિન્સ્કીથી પ્રભાવિત થયા. પછી તેઓ આંખોને ચકરાવામાં નાંખી દઈ અમૂર્ત કલાની દર્શકના દિમાગમાં મૂંઝારો ઊભી કરતી ચાક્ષુષવાદી શાખા તરફ વળ્યા.

વિક્ટૉર વૅસારેલીનું ચિત્ર : ‘મટાગૅલક્સી’

આ શાખાની કલા અત્યંત ભડક રંગોમાં સર્જાયેલી ભૌમિતિક આકૃતિઓ વડે દર્શકને ચકાચૌંધ કરવાની નેમ રાખે છે. અમૂર્ત ભૌમિતિક આકારોમાં સપાટ રંગો ભરીને રસપ્રદ ભાત રચવાનું તેઓ પસંદ કરે છે. દૃશ્યમાન જગતનું કલાના માધ્યમ વડે અનુકરણ કરવું તેમને મુનાસિબ જણાયું નથી. 1955માં તેમણે બહાર પાડેલા ઢંઢેરા ‘યલો મૅનિફેસ્ટો’માં તેમણે સર્જવા ધારેલી કલાને ‘કાઇનેટિક પ્લાસ્ટિક્સ’ કહી છે; જેમાં, આવી અમૂર્ત ભૌમિતિક આકારો વડે સર્જાયેલી કલાની સર્જનક્રિયાની એવી પદ્ધતિની હિમાયત કરી છે, જે આધુનિક યાંત્રિક મુદ્રણપદ્ધતિ વડે ઝડપથી જથ્થાબંધ સર્જાઈ શકે અને તેથી આધુનિક ઔદ્યોગિક સમાજના ભોક્તાઓને તેની લગભગ અનંત નકલો પ્રાપ્ત થઈ શકે. આમ કલાના પ્રત્યેક નમૂનાનાં વિરલ તત્વનો તેમણે સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

અમિતાભ મડિયા