વૅરહાઉસ વૉરન્ટ (ગોદામ-સમર્થનપત્ર)

February, 2005

વૅરહાઉસ વૉરન્ટ (ગોદામસમર્થનપત્ર) : જાહેર ગોદામમાં માલ અનામત રાખવા માટે સોંપ્યો છે તેનું સમર્થન કરતો ગોદામ-અધિકારીએ આપેલો પત્ર. વિદેશથી આયાત કરેલો માલ જહાજમાંથી ઉતાર્યા પછી બંદરની અંદર અથવા બંદરની નજીકમાં જાહેર ગોદામમાં સંગૃહીત કરવામાં આવે છે. આ માલ વેચાય અથવા ઉપયોગમાં લેવાય ત્યાં સુધી ગોદામમાં રાખવામાં આવે છે. તેવી રીતે દેશનાં વિવિધ સ્થળોએથી નિકાસ કરવા માટે બંદર ઉપર આવેલો માલ જ્યાં સુધી જહાજમાં ચઢાવાય ત્યાં સુધી જાહેર ગોદામમાં રાખવામાં આવે છે. આમ આયાતકારો અને નિકાસકારો પોતાનો માલ જરૂરી સમય માટે ગોદામમાં રાખવા માટે જગ્યા ભાડે રાખે છે. જ્યારે માલ ગોદામમાં રાખવા માટે ગોદામ-અધિકારીને સોંપવામાં આવે ત્યારે જે સમર્થનપત્ર આપવામાં આવે છે તે ગોદામના સમર્થનપત્ર (warehouse warrant) તરીકે ઓળખાય છે. સમર્થનપત્રમાં માલના પ્રકાર અને જથ્થાનું વિગતવાર વર્ણન કરેલું હોય છે તેથી માલની સ્પષ્ટ ઓળખ થઈ શકે છે. માલ જો બંદરની અંદર જ આવેલા ગોદામમાં રાખવામાં આવે તો તે માટે મળેલા દસ્તાવેજને ગોદી-સમર્થનપત્ર (dock warrant) અથવા ડક્કા-સમર્થનપત્ર (wharfage’s warrant) પણ કહેવાય છે.

જ્યારે ગોદામમાંથી માલ પરત લેવો હોય ત્યારે સમર્થનપત્ર ગોદામ-અધિકારીને સોંપી દેવો પડે છે. આમ સમર્થનપત્ર માલ પરત લેવા માટેનો અધિકારપત્ર હોવાથી ધારક (holder) તેના ઉપર શેરો (endorsement) કરીને તેની તબદીલી કરી શકે છે અથવા તેને જામીનગીરી તરીકે બૅન્કમાં ગીરો મૂકીને ઉછીનાં નાણાં (loan) પણ લઈ શકે છે. સમર્થનપત્રમાં માલનું પ્રમાણીકરણ કરેલું હોવાથી આ દસ્તાવેજના હસ્તાંતરણમાં પક્ષકારો વચ્ચે ગેરસમજ અથવા અણસમજ થવાની શક્યતા ન્યૂનતમ થઈ જાય છે; તેથી સમર્થનપત્રના હસ્તાંતરણથી માલની માલિકીની તબદીલી કરતી સમયે માલ તપાસવા કે માપવા માટે ગોદામમાં જવાની તકલીફ ઉઠાવવી પડતી નથી. તેથી ગોદામ-સમર્થનપત્રની મદદથી ખરીદ-વેચાણના વ્યવહારો સહેલાઈથી કરી શકાય છે અને જેને માલની ખરેખર જરૂર હોય તે ગોદામ-અધિકારીને સમર્થનપત્ર સુપરત કરીને તેમાં વર્ણવેલો માલ સહેલાઈથી મેળવી શકે છે.

સૂર્યકાંત શાહ