વૅમ્પિલૉવ, ઍલેક્ઝાન્દ્ર વૅલેન્તિનૉવિચ

February, 2005

વૅમ્પિલૉવ, ઍલેક્ઝાન્દ્ર વૅલેન્તિનૉવિચ (. 1937; . 1972) : રશિયન નાટ્યકાર. પોતાની પેઢીના સૌથી મહાન ગણાયેલા આ નાટ્યકારના પ્રભાવ તળે તેમના સમકાલીનો અને અનુગામીઓ આવેલા. સાઇબીરિયાના આ લેખકે ઉચ્ચશિક્ષણ ઇર્કૂત્સ્ક યુનિવર્સિટીમાં લીધું હતું. ત્યાંથી 1960માં તેમણે સ્નાતકની ઉપાધિ મેળવી હતી. ‘અ ચેન ઑવ્ બીઇંગ’(1961)માં ટૂંકી વાર્તાઓ અને હાસ્યપ્રધાન રેખાંકનો છે. તેમણે પાંચ વર્ષ પત્રકારત્વમાં ગાળેલાં. શરૂઆતમાં તેમણે ‘કાત્યા કૉઝલોવાઝ હેપિનેસ’ (એકાંકી નાટકો, 1959) અને ‘તિચૈયા ફૅક્ટરી’ (1960) લખ્યાં ત્યારે વૅમ્પિલોવ મૉસ્કોના ગૉર્કી લિટરરી ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થી હતા. તે સમયના ‘થિયેટર’ સામયિકમાં ‘ધ હાઉસ ઓવરલુકિંગ અ ફીલ્ડ’ (1964) પ્રસિદ્ધ થયેલું. ‘ફેરવેલ ઇન જૂન’ 1965માં અને ‘ધી એલ્ડર સન’ 1967માં પ્રસિદ્ધ થયાં. ‘હન્ટિંગ’ (1967) અને ‘લાસ્ટ સમર ઇન ચુલિમ્સ્ક’ (1971) તેમનાં નોંધપાત્ર નાટકો છે. આ નાટકોમાં હતાશાથી ભરપૂર પાત્રો જીવનથી જાણે કે તદ્દન ભાંગી પડ્યાં છે; સાઇબીરિયાના ભયંકર વેરાન પ્રદેશની એકલતા જાણે કે તેમની પછવાડે પડી છે અને તેથી તેઓ એકબીજાંને ધિક્કારે છે. ‘ધી ઇનકમ્પેરેબલ નેકૉનેચનિકૉવ’ (1971) તેમનું અધૂરું રહી ગયેલું નાટક છે. ‘પ્રૉવિન્શિયલ ઍનેક્ડૉટ્સ’ (1971)માં તેમના અપ્રસિદ્ધ નાટકો ‘ટવેન્ટી મિનિટ્સ વિથ ઍન એન્જલ’ (1962) અને ‘ઍન ઇન્સિડન્ટ વિથ અ ટાઇપસેટર’(1970)નો સમાવેશ કરવામાં આવ્યો છે. દરિયાઈ મુસાફરી દરમિયાન તેમને નડેલા અકસ્માત બાદ તેમનું મૃત્યુ હૃદયરોગના હુમલાને લીધે થયેલું. આજે પણ રશિયાની રંગભૂમિ પર તેમનાં નાટકો વારંવાર ભજવાય છે.

વિ. પ્ર. ત્રિવેદી