વૅટિકન સિટી : યુરોપમાં આવેલો દુનિયાભરનો નાનામાં નાનો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : 41° 54´ ઉ. અ. અને 12° 27´ પૂ. રે.. તેનો વિસ્તાર 44 હેક્ટર જેટલો છે. દુનિયાના સૌથી મોટા ગણાતા રોમન કૅથલિક ચર્ચના આધ્યાત્મિક અને રાજકીય મથક તરીકે તેની ગણના થાય છે. તે કરોડો રોમન કૅથલિક પર આધ્યાત્મિક વર્ચસ્ ધરાવે છે. નામદાર પોપ તેના વડા ગણાય છે. વૅટિકન સિટી રોમ શહેરમાં આવેલું છે; તેમ છતાં રોમ-નિવાસીઓને તે જાણે કે વિદેશી હોય તેમ લાગે છે. 1929માં લૅટેરનની સંધિ પર હસ્તાક્ષર થયા ત્યારથી તે સ્વતંત્ર દેશનો મોભો ભોગવે છે. તેનું સત્તાવાર નામ વૅટિકન સિટી સ્ટેટ છે, પરંતુ તે સામાન્યપણે તો વૅટિકનના ટૂંકા નામથી જ ઓળખાય છે. યુ. એસ. સરકાર માટે જેમ વૉશિંગ્ટન અથવા બ્રિટિશ સરકાર માટે જેમ લંડન છે, તે જ રીતે વૅટિકન શહેર અને પોપ અન્યોન્ય પર્યાયવાચી બની રહેલાં છે. 2000 મુજબ તેની વસ્તી 900 જેટલી છે.
વૅટિકન સિટી કોઈ એક વિશાળ કદના શહેરી ઉદ્યાન જેવડું છે. તે વાયવ્ય રોમમાં પશ્ચિમ તરફ ટાઇબર નદી નજીક વૅટિકન ટેકરી પર આવેલું છે. તેની આજુબાજુ પથ્થરની ઊંચી દીવાલ છે. દીવાલની અંદરના ભાગમાં વિવિધ સ્થાપત્યશૈલીની સુંદર ઇમારતો છે. વળી તેમાં ઘણાં મોટાં પ્રાંગણ, બાગ-બગીચા અને શાંત શેરીઓ છે. સેન્ટ પીટર્સ ચર્ચ ઘણું વિશાળ છે, ઉપરના ભાગમાં રાજ્યની ઓળખ આપતો ઘુંમટ છે, તે આખાય શહેરમાંથી નજરે પડે છે. એટલું જ નહિ, તે (ચર્ચ) વૅટિકન શહેર માટેનું ભૂમિચિહ્ન પણ બની રહેલ છે.
જોવાલાયક સ્થળો : તેનાં જોવાલાયક સ્થળો નીચે પ્રમાણે છે :
સેન્ટ પીટર્સ ચર્ચ : દુનિયામાં આવેલું મોટામાં મોટું ખ્રિસ્તી દેવળ. લોકમાન્યતા જે હોય તે, આ સ્થળ પોપનું વિશેષાધિકાર ધરાવતું દેવળ હોવાથી તે બૅસિલિકા ગણાય, કૅથીડ્રલ નહિ. પોપ રોમના બિશપ છે અને તેમનું કૅથીડ્રલ ચર્ચ સેન્ટ જ્હૉન લૅટેરન છે.
વૅટિકન મહેલ : વૅટિકન મહેલ 1,000થી વધુ કક્ષ ધરાવે છે. તે એક ઇમારતી સંકુલ છે. મોટાં મોટાં પ્રાંગણોની આજુબાજુ ઘણાં ચૅપલ, ઍપાર્ટમેન્ટો, સંગ્રહસ્થાનો તેમજ બીજા કક્ષ વિસ્તરેલાં છે. નામદાર પોપનું નિવાસસ્થાન, રાજ્ય-સચિવાલયનાં કાર્યાલયો, આગંતુકો માટેના સ્વાગત-કક્ષ તેમજ અન્ય ખંડો આ મહેલના એક ભાગને આવરી લે છે. બાકીનો ભાગ વૅટિકન સંગ્રહાલયો, વૅટિકન આર્કાઇવ્ઝ અને વૅટિકન પુસ્તકાલય માટેનો છે.
વૅટિકન સંગ્રહાલયો : આ સંગ્રહસ્થાનોમાં વિવિધ શિલ્પો, મૂર્તિઓ-બાવલાંનો અમૂલ્ય ખજાનો છે. તેમાં પ્રખ્યાત ઍપોલો બેલવિદર અને લાઓકૂન પણ છે. સંગ્રહાલયોમાં પૅગન અને ખ્રિસ્તી અભિલેખો, ઇજિપ્શિયન અને એટ્રુસ્કન પુરાતન ચીજો તથા આધુનિક કલાસંગ્રહ માટેના અલાયદા વિશાળ વિભાગો પણ છે. ફ્રા એન્જેલિકો, પિન્ટુરિક્સિઓ, રફેલ, ટિટિયન અને લિયૉનાર્દો દ વિન્સી જેવા ખ્યાતનામ કલાકારોની કૃતિઓથી સંગ્રહાલયોના ઘણા કક્ષ તેમજ ચૅપલોને સજાવેલા છે. સિસ્ટાઇન ચૅપલની છત અને એક વિશાળ દીવાલને માઇકલૅન્જેલોનાં અમુક પ્રખ્યાત ચિત્રોથી શણગારેલી છે.
વૅટિકન આર્કાઇવ્ઝ : વૅટિકન આર્કાઇવ્ઝ મહત્વના ધાર્મિક અને ઐતિહાસિક દસ્તાવેજો ધરાવે છે. પોપ પૉલ પાંચમાએ 1672માં આ આર્કાઇવ્ઝને વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું હતું. ગૅલિલિયો (1633) પર ચલાવાયેલા મુકદ્દમાનો અસલી અહેવાલ, હેન્રી આઠમાના ઍરેગૉનની કૅથેરાઇન સાથેનાં લગ્ન રદબાતલ કરવા માટેની ઇંગ્લિશ પાર્લમેન્ટની વિનંતી (1530) તથા નૅપોલિયનનો રાજ્ય અને ચર્ચ વચ્ચેનો કરાર (1801) જેવા અગત્યના દસ્તાવેજો આ આર્કાઇવ્ઝમાં જાળવી રાખવામાં આવેલા છે. પોપ લિયો તેરમાએ 1881માં વિદ્વાનો માટે આ આર્કાઇવ્ઝને ખુલ્લો મૂકેલો. ત્યારપછીથી ઘણાં યુરોપિયન રાષ્ટ્રોએ પોતપોતાના દેશ પરની માહિતી માટે આર્કાઇવ્ઝની ખોજ કરવા માટે ઐતિહાસિક સંસ્થાઓ પણ ઊભી કરી છે.
વૅટિકન પુસ્તકાલય : આ પુસ્તકાલયમાં જૂની હસ્તપ્રતો અને પુસ્તકોનો ઘણો મોટો અમૂલ્ય સંગ્રહ છે.
ઇમારતો : વૅટિકન સિટીની ગણાતી પરંતુ શહેરની દીવાલ બહાર રોમમાં આવેલી ઇમારતોમાં સેંટ જ્હૉન લૅટેરન, સેંટ પૉલ અને સેંટ મેરી મેજર જેવી બૅસિલિકાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પોપનું ઉનાળુ નિવાસસ્થાન તથા કૅસલ ગૅન્ડોલ્ફો ખાતે વૅટિકન વેધશાળા પણ છે.
વહીવટ : નામદાર પોપ વૅટિકન શહેરના એકમાત્ર શાસક તરીકે ત્યાંની બધી જ સરકારી વહીવટી શાખાઓનો વહીવટ સંભાળે છે ખરા, પરંતુ તેઓ તેમનો મોટા ભાગનો સમય આધ્યાત્મિક બાબતોમાં વિતાવતા હોવાથી વહીવટ કરવા માટે અધિકારીઓને કામ વહેંચી આપેલું છે.
વૅટિકન શહેરના ગૃહખાતાની આંતરિક સમસ્યાઓનો હવાલો ગવર્નરને હસ્તક રાખવામાં આવેલો છે, ગવર્નરની ફરજો શહેરના મેયરની સમકક્ષ ગણાય છે. વિદેશખાતું રાજ્યના કાર્ડિનલ સચિવ સંભાળે છે, તેમાં રાજકીય બાબતોનો સમાવેશ થાય છે. વૅટિકન શહેરમાં કાયદાની સિવિલ કૉર્ટ, તેમજ પવિત્ર રોમન રોટાની ટ્રિબ્યૂનલ કૉર્ટની વ્યવસ્થા ગોઠવેલી છે, જે ધાર્મિક સમસ્યાઓનું નિરાકરણ કરે છે; પરંતુ મોટાભાગના સિવિલ-ફોજદારી દાવાઓ ઇટાલિયન સરકાર દ્વારા ચલાવાય છે. પાપલ મહોત્સવોના કર્તાહર્તાનું કાર્યાલય બધી જાતના ઉત્સવોની દોરવણી આપે છે, આ ઉત્સવોમાં નામદાર પોપ પણ ભાગ લે છે.
વૅટિકન શહેરને પોતાની અલગ પોસ્ટની ટિકિટો, સિક્કા (ચલણી નાણું) તથા લાઇસન્સ કાર્ડ બહાર પાડવાની સત્તા છે. પોપનો પોતાનો શ્વેત-પીળા રંગના પટ્ટાવાળો ધ્વજ છે.
જાહેર સેવાઓ : વૅટિકન શહેરને માટે તાર-ટપાલ, ટેલિફોન, પાણીપુરવઠો, વીજળી, માર્ગોની સફાઈ, જેવી સેવાઓ પોતાની અલાયદી છે. લોકોની સુવિધાઓ માટે બૅંક, વિશાળ મુદ્રણાલય છે, અહીં જેલની વ્યવસ્થા પણ છે, જેનો ભાગ્યે જ ઉપયોગ થાય છે. રાજ્યને પોતાનું રેલમથક હોવા છતાં, હજી સુધી કોઈને તે માટે ટિકિટ ખરીદવાની જરૂરત ઊભી થઈ નથી. ઇટાલિયન રેલવે સાથે સાંકળેલો 270 મીટર લંબાઈનો રેલમાર્ગ માત્ર માલની અવરજવર માટે જ ઉપયોગમાં લેવાય છે.
સશસ્ત્ર લશ્કરી દળ : વૅટિકન શહેર યુદ્ધ લડવાની ક્ષમતા ધરાવતું કોઈ ભૂમિદળ કે નૌકાદળ ધરાવતું નથી; તેમ છતાં, વૅટિકન શહેર સ્વિસ રક્ષકોની લશ્કરી ટુકડી નિભાવે છે. નામદાર પોપના સતત રક્ષણની તેમજ તેમના નિવાસસ્થાનનું પણ રક્ષણ કરવાની જવાબદારી સ્વિસ રક્ષકોની રહે છે. આ ઉપરાંત, તકેદારી માટેનું મધ્યસ્થ કાર્યાલય વૅટિકન શહેરના રક્ષણની જવાબદારી નિભાવે છે. વળી સેન્ટ પીટર ઍન્ડ પૉલ ઍસોસિયેશન રોજબરોજની પોલીસસેવા પણ પૂરી પાડે છે.
ઇતિહાસ : વૅટિકન હિલ, એક જમાનામાં રોમન સમ્રાટ નીરોનાં જાહેર ઉદ્યાનો તથા અખાડાની જગા હતી. અનેક ખ્રિસ્તીઓએ પ્રાચીન સમયમાં ત્યાં શહીદી વહોરી હતી. પરંપરા મુજબ, સેન્ટ પીટરને આ ટેકરી ઉપર રિબાવીને મારી નાખીને, ત્યાં દફનાવવામાં આવ્યા હતા. ત્યાં ઈ. સ. 100 પછીનાં વર્ષોમાં પીટરની સમાધિ (કબર) હતી. તેથી આ સ્થળે વૅટિકન સિટી બાંધવામાં આવ્યું.
ખ્રિસ્તી સમ્રાટ મહાન કૉન્સ્ટેન્ટાઇને, સેન્ટ પીટરની સમાધિ ઉપર દેવળ (basilica) બંધાવ્યું. તેની આસપાસ વૅટિકન પૅલેસ અને બીજી ઇમારતો ક્રમશ: બાંધવામાં આવી. મધ્યયુગમાં પોપનું મુખ્ય નિવાસસ્થાન વૅટિકન નહિ પણ રોમમાં લૅટેરન પૅલેસમાં હતું. ઈ. સ. 1309થી 1377 સુધી પોપ ફ્રાંસના એવિગ્નનમાં રહ્યા હતા. તેઓ રોમ પાછા ફર્યા તે પછી, તેમણે લૅટેરન પૅલેસ બાળી નખાયેલો જોયો અને તેથી તે વૅટિકન રહેવા ગયા.
કૉન્સ્ટેન્ટાઇનના બંધાવેલા જૂના દેવળની જગાએ સોળમી સદીમાં સેંટ પીટર્સ ચર્ચ બાંધવામાં આવ્યું. સમય જતાં, પોપનાં રાજ્યો (Papal States) તરીકે ઓળખાતા, મધ્ય ઇટાલીના વિસ્તારમાં પોપે અંકુશ મેળવ્યો. કેટલાક રાજકીય પરાજયો પછી, ઈ.સ. 1870માં પોપ પાયસ 9માએ પોપનાં રાજ્યો પરની સત્તા ગુમાવી. તેના વિરોધમાં, પોપ અને તેમના વારસો વૅટિકનમાં જતા રહ્યા અને ઇટાલીની સરકાર સાથે સંબંધો રાખવાનો ઇનકાર કર્યો. આખરે 1929માં લૅટેરનની સંધિ કરવામાં આવી. આ સંધિથી પોપે પોપનાં રાજ્યો પરના પોતાના તમામ દાવા જતા કર્યા અને વૅટિકન સિટીનું સ્વતંત્ર રાજ્ય સ્થાપવા ઇટાલી કબૂલ થયું.
જયકુમાર ર. શુક્લ
ગિરીશભાઈ પંડ્યા