વૃત્તિ-3 (ગ્રંથપ્રકાર) : શાસ્ત્રનાં સૂત્રોની સમજ આપતી રચના. પ્રાચીન ભારતમાં દર્શનો, શાસ્ત્રગ્રંથો વગેરે સૂત્રશૈલીમાં રચાયાં છે. તેથી અલ્પ શબ્દોમાં ઘણો અર્થ સૂત્રકારોએ કહ્યો છે. સૂત્રમાં જે કોઈ સિદ્ધાન્તનો નિર્દેશ હોય તેને વિગતવાર સમજાવતી રચનાને વૃત્તિ કહે છે. અલબત્ત, તે ભાષ્ય કરતાં ટૂંકી હોય છે. વેદાંગ યાસ્ક્ના ‘નિરુક્ત’ પર દુર્ગાચાર્યની ‘ઋજ્વર્થા’, પાણિનિની ‘અષ્ટાધ્યાયી’ પર વામન અને જયાદિત્યની ‘કાશિકાવૃત્તિ’, પાણિનીય સૂત્રો પર ભટ્ટોજિ દીક્ષિતની બહુ જાણીતી ‘સિદ્ધાન્તકૌમુદી’ વગેરે વૃત્તિગ્રંથો વૃત્તિનાં ઉત્તમ ઉદાહરણો છે. સૂત્રની સમજ જરૂરી ઉદાહરણો અને પ્રત્યુદાહરણો, દાખલા-દલીલ સાથે આપવામાં આવે છે એ વૃત્તિની વિશિષ્ટતા છે. ટીકા, વ્યાખ્યા, વાર્તિક, વિવૃત્તિ, ભાષ્ય, ચૂર્ણિ, નિર્યુક્તિ, ટિપ્પણી, પંજિકા વગેરે સિદ્ધાન્તની સમજ આપતી જુદા જુદા પ્રકારની રચનાઓ છે, એ બધાંથી વૃત્તિ જુદી તરી આવે છે. પાછળના લેખકોએ શાસ્ત્રની સમજ આપતા ગમે તે ગ્રંથને ‘વૃત્તિ’ એવું નામ આપ્યું છે. તેથી પૂર્વે સૂત્ર કે કારિકાની સમજ આપતા ગ્રંથને જ વૃત્તિ કહેતા હતા તેને બદલે સૂત્ર અને કારિકા સિવાયના ગ્રંથની સમજને પણ વૃત્તિ કહેવા લાગ્યા. તેથી સૂત્ર કે કારિકા વૃત્તિ માટે ફરજિયાત રહ્યાં નહિ. પરિણામે મૂળ ગ્રંથની સમજ આપતી રચના વૃત્તિ શબ્દથી ઓળખાવા લાગી. એથી આગળ વધીને લાંબી ટીકાને પણ વૃત્તિ કહેવાની પરંપરા આરંભાઈ. મૂળમાં વૃત્તિ ભાષ્યથી ટૂંકી અને ટીકાથી વિસ્તૃત એવી રચના ગણાતી હતી. વ્યાકરણશાસ્ત્રમાં વામન અને જયાદિત્યની ‘કાશિકાવૃત્તિ’ને જ વૃત્તિની આદર્શ રચના માનવામાં આવી છે.
પ્ર. ઉ. શાસ્ત્રી