વૂ તિ (Wu Ti) (. . પૂ. 156; . 29 માર્ચ . પૂ. 87) : ચીન દેશના પશ્ચિમી હાન વંશનો પ્રતાપી સમ્રાટ. ચીનના ઇતિહાસના અગ્રગણ્ય અને પ્રસિદ્ધ શાસકોમાંના એક. સોળ વર્ષની ઉંમરે ગાદીએ બેસીને હાન વંશમાં સૌથી લાંબું શાસન (ઈ. પૂ. 140 – ઈ. પૂ. 87) કર્યું. અન્ય રાજવંશોમાં થયેલા શાસકોથી પોતાને અલગ રીતે ઓળખાવવા ‘હાન વૂ તિ’ નામ ધારણ કરેલું. ‘ચીન વંશે’ વારસામાં આપેલા સામ્રાજ્યને તેણે વધાર્યું. ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમે સામ્રાજ્યની સરહદો વધારીને વિદેશોમાં ચીની સંસ્કૃતિ ફેલાવી. તેના વિજયી અભિયાનોને લઈને ચીનના ઇતિહાસમાં તે શૂરવીર સમ્રાટ તરીકે ઓળખાયો. તેની રાજધાની ચાંગાન (Changan) વેઈ નદી ખીણની પશ્ચિમે આવેલી હતી તેથી જ તેનો રાજવંશ પશ્ચિમી હાન વંશ (ઈ. પૂ. 207 – ઈ. સ. 8) કહેવાય છે. ત્યારબાદ રાજધાની પૂર્વ તરફ ખસી તેથી રાજવંશ ‘પૂર્વીય હાન વંશ’ (ઈ. સ. 8-220) તરીકે ઓળખાયો.

ઉત્તર પશ્ચિમે કાન્સૂ પ્રદેશમાં ચીનના દુશ્મન શીયુંગ નૂ (Hsiung Nu) અર્ધરખડુ લોકો હતા. તેઓ ચીનના ફળદ્રૂપ પ્રદેશમાં પ્રવેશવા પ્રયત્નશીલ રહેતા. ચીન વંશના સમ્રાટ શી હુઆંગ ટીએ તેમને રોકી રાખેલા, પરંતુ હાન વંશની સ્થાપના-સમયે અરાજકતાનો લાભ લઈને સંગઠિત બન્યા હતા. તેઓ હાન-સામ્રાજ્યની સરહદે વારંવાર હુમલા કર્યા કરતા. તેમને મહાત કરવા એ સમ્રાટ હાન વૂ તિનું ધ્યેય બન્યું. આ હેતુ માટે વૂ તિએ મધ્ય એશિયાઈ દેશોનો સંપર્ક કર્યો. શીયુંગ નૂને મહાત કરવા તેણે ત્રિપાંખિયા પ્રયત્નો કર્યા : સીધું લશ્કરી અભિયાન, કાન્સૂ પ્રદેશમાં લશ્કરી છાવણીઓની રચના અને મુત્સદ્દીગીરીનો ઉપયોગ. વૂ તિના સેનાપતિઓ વર્ષો સુધી લડતા રહ્યા અને અંતે મોટાભાગનો કાન્સૂ પ્રદેશ જીતી લીધો. હાન સામ્રાજ્યની સરહદ અને ચીનની મહાન દીવાલ આગળ વધારી. શીયુંગ નૂનો સંપૂર્ણ નાશ ન થયો પણ તેમની શક્તિ ક્ષીણ થઈ.

હાન વૂ તિએ શીયૂંગ નૂ સામે અન્ય દેશની મૈત્રી મેળવવા દૂત બનાવીને ચાંગ ચીનને ઈ. પૂ. 138માં પશ્ચિમ તરફ મોકલ્યો. ભૂતકાળમાં કાન્સૂ પ્રદેશમાં વસતા યુએ ચીને શીયુંગ નૂએ સ્થળાંતરની ફરજ પાડેલી આ યુએ ચી પ્રજા ઇન્ડોયુરોપિયન હતી. તેઓ કાન્સૂથી પશ્ચિમે ઇલિ અને પછી ઑક્સસ અને અંતે બૅક્ટ્રિયામાં વસ્યા હતા. પશ્ચિમ તરફ જતાં ચાંગ ચીને શીયુંગ નૂએ દસ વર્ષ કેદમાં રાખ્યો હતો, જ્યાંથી છટકીને બૅક્ટ્રિયામાં યુએ ચીઓને મળ્યો અને એક વર્ષ તેમની સાથે રહ્યો, પણ મૈત્રીકરાર ન થઈ શક્યો. ઈ. પૂ. 126માં ચાંગ ચી પાછો આવ્યો ત્યારે ચીનમાં પશ્ચિમી સંસ્કૃતિનાં તત્વો લઈ ગયો. બૅક્ટ્રિયામાં તેણે વાંસ અને કાપડ જોયાં જે યુનાન-બર્મા સરહદેથી ભારત થઈને ત્યાં આવ્યા હતા. તેણે પશ્ચિમ સાથે ચીનના ઉપર્યુક્ત સંપર્ક-માર્ગની યોજના પણ વિચારી હતી પણ પછી બિનવ્યવહારુ લાગી. થોડાં વર્ષો પછી ચાંગ ચીન ફરી વાર પશ્ચિમે ગયો. એમ કહેવાય છે કે રજકો અને દ્રાક્ષની ખેતી તેના દ્વારા ચીન પહોંચી હતી.

ચાંગ ચીનને અનુસરીને હાન વૂ તિએ પશ્ચિમે સિંગકિયાંગ (Singkiang) ઉપર સત્તા સ્થાપી. ઉપરાંત ‘તેરીમ ખાડી’ અને ઇલિ વિસ્તારના લોકો પણ વૂ તિના શરણે આવ્યાં. સિંગકિયાંગની પશ્ચિમે ફરગાના વિસ્તારના એક રાજ્ય સાથે વૂ તિના સેનાપતિને યુદ્ધ કરવું પડ્યું કારણ તેણે ઘોડા આપવાની ના પાડીને દૂતને મારી નાખેલો. સેનાપતિ લી કુઆંગ લીને મોકલીને હાન વૃ તિએ ત્યાં સત્તા સ્થાપી.

હાન વંશની સ્થાપના સમયે દક્ષિણ મંચુરિયા અને ઉત્તર કોરિયાના વિસ્તારમાં ચાઓશીન (Chaohsien) નામે રાજ્ય ઉદ્ભવેલું. જાપાનીઓ તેને ‘ચોઝેન’ કહેતા. તેના ઉપરની ચીનની સર્વોપરિતા સંદિગ્ધ હતી. તેથી ત્યાં બળવો થયો. ત્યારબાદ વૂ તિએ ચાઓશીન હાન સામ્રાજ્યમાં ભેળવી દીધું. ત્યાં ચીની સંસ્કૃતિ ફેલાઈ. ઉત્તર-પૂર્વ હોવેઈ, દક્ષિણ મંચુરિયા અને કોરિયામાં ચીની વસાહતીઓ વસ્યા, જેથી સામ્રાજ્યની પકડ મજબૂત બને. કોરિયા થઈને ચીની સંસ્કૃતિ જાપાનમાં પ્રવેશી હતી.

હાન વૂ તિના સામ્રાજ્યની સરહદ દક્ષિણે પણ વિસ્તરી. યાંગત્સે અને અન્નામ વિસ્તાર ભૂતકાળમાં ચીન વંશના સામ્રાજ્યમાં હતો, પરંતુ શી હુઆંગ ટીના મૃત્યુ પછી સામ્રાજ્યની નબળાઈનો લાભ લઈને તેઓ સ્વતંત્ર થઈ ગયેલા; પરંતુ અનેક સ્થાનિક શાસકોમાં વિભક્ત ઉપર્યુક્ત પ્રજા શક્તિશાળી વૂ તિ સામે ટકી શકી નહિ. પ્રથમ ચેકિયાંગ ખાલસા કરાયું અને પછી ફૂકીન દક્ષિણ વિસ્તારમાં શી હુઆંગ ટીના અધિકારીએ સ્થાપેલું નાન યી (Nan Yiieh) નામે રાજ્ય હતું; જે પહેલાં તો હાનનું ખંડિયું રાજ્ય હતું, પણ પછી સ્વતંત્ર થઈ ગયેલું. આ રાજ્યમાં ક્વાંગસી, ક્વાંગતુંગ અને ઉત્તરપૂર્વી હિંદી ચીનનો સમાવેશ થતો હતો. તેની રાજધાની કેન્ટન હતી. વૂ તિએ આક્રમણ કરીને ઈ. પૂ. 108માં નાન યી જીતી લીધું. વૂ તિના મૃત્યુ પૂર્વે તેના સામ્રાજ્યમાં દક્ષિણના ચેકિયાંગ, ફૂકીન, ક્વાંગતુંગ, ક્વાંગશી, હેનાન, ઈશાન હિંદી ચીન, ક્વૅઈઓ અને યુનાનનો સમાવેશ થતો હતો.

હાન વૂ તિએ તેના 53 વર્ષના શાસન દરમિયાન સામ્રાજ્યની સરહદો વધારી અને સામ્રાજ્યને સ્થિર બનાવ્યું. ચીન વંશની પરંપરાઓ અને વહીવટી તંત્રનો ઉચ્છેદ કર્યા વગર તેમાં સુધારા કર્યા એટલે ચીન અને હાન પરંપરાઓમાં એકતા સ્થપાઈ. નવા જિતાયેલા પ્રદેશોમાં ચીની સભ્યતા અને સંસ્કૃતિ ફેલાવી. કોરિયા અને જાપાન તો ચીની સંસ્કૃતિનાં રંગે રંગાઈ ગયાં. ચીન વંશની નૈતિક પરંપરાઓના સ્થાને તેણે કૉન્ફ્યૂશિયન વિચારધારાને પ્રાધાન્ય આપ્યું હતું. વૂ તિની મહાન લશ્કરી સિદ્ધિઓ માટે તેના લશ્કરી સુધારા જવાબદાર હતા. ચીનના ઇતિહાસમાં સૌપ્રથમ તેમણે જ મધ્ય એશિયાઈ સંસ્કૃતિઓ સાથે સંપર્ક સાધ્યો હતો.

મોહન વ. મેઘાણી