વૂલી, લિયૉનાર્ડ (જ. 1880; અ. 1960) : પ્રખ્યાત બ્રિટિશ પુરાવિદ. પૂરું નામ સર વૂલી ચાર્લ્સ લિયૉનાર્ડ. ડૉ. વૂલીનું પ્રમુખ સંશોધન ‘ઉર’નું ખોદકામ ગણાય છે (1922-28). વર્તમાન ઇરાક(જૂનું નામ મેસોપોટામિયા)ના દક્ષિણે ફરાત નદીના કિનારે આવેલા સુમેરિયન નગર ‘ઉર’(Ur)નું વૂલીએ પદ્ધતિસરનું ખોદકામ કરી રાજા-રાણીની અકબંધ કબરો સહિતનું આખુંય માળખું પ્રકાશમાં આણ્યું. રાણી-રાજા(પ્રથમ રાણીની પછી રાજાની)ની કબર ટિંબાના છેક તળિયે હતી. રાજા-રાણીની સાથે તેમજ આગળ-પાછળ લગભગ 100 (એકસો) જેટલાં દાટેલાં સ્ત્રી-પુરુષોનાં શબ પણ શોધી કાઢ્યાં. વિવિધ પ્રકારના સોનાના અલંકારો મુકુટ, વિભિન્ન આકારનાં વાસણો (હાથાવાળા વાડકા સહિત), વીણા જેવું વાજિંત્ર, હથિયારો (ખાસ તો ભાલા) વગેરે મળી આવ્યા છે. ડૉ. વૂલીએ એમના આ સંશોધનનો ખૂબ જ વિસ્તૃત રંગીન સચિત્ર હેવાલ પણ ‘Ur of the chaldess’ (ઈ. સ. 1929) પ્રસિદ્ધ કરેલો. ડૉ. વૂલીના પ્રસ્તુત સંશોધનને ‘વીસમી સદીનું સૌથી મહાન સંશોધન’ ગણવામાં આવ્યું છે. ઉર પાસેના ખોદકામમાંથી મળેલી માટીની તકતી(tablet)ના આધારે 5,000 વર્ષ પૂર્વે ઇરાકનો વિનાશ જળપ્રલયથી થયાનું પણ ડૉ. વૂલીનું તારણ છે. ડૉ. વૂલીનાં અન્ય સંશોધનોમાં અલ ઉબીદ, તેલ અમારના, અલાલક વગેરે પ્રાચીન સ્થળોનાં ખોદકામનો સમાવેશ થાય છે.
હસમુખ વ્યાસ