વૂડ પરિવાર [વૂડ રેલ્ફ (જ. 1715; અ. 1772); વૂડ આરૉન (જ. 1717; અ. 1785); વૂડ જૉન (જ. 1746; અ. 1797); વૂડ વિલિયમ (જ. 1746; અ. 1808); વૂડ રેલ્ફ (જુનિયર) (જ. 1748; અ. 1795); વૂડ એનૉખ (જ. 1759; અ. 1840)] : બ્રિટનના સ્ટેફૉર્ડશાયરનો નામાંકિત કુંભકાર પરિવાર. રેલ્ફ અને આરૉન ભાઈઓ હતા. રેલ્ફ (જુનિયર) અને જૉન રેલ્ફના તથા વિલિયમ તથા એનૉખ આરૉનના પુત્રો હતા. 1730માં રેલ્ફે જૉન ઍસ્ટ્બરી હેઠળ કુંભકળાની તાલીમ લીધી. એ પછી રેલ્ફે ફેન્ટન લો ખાતે થૉમસ વ્હીલ્ડૉન હેઠળ વધુ તાલીમ લીધી અને રંગીન અને ચળકતી (glazed) સપાટીઓ બનાવવાનું કૌશલ્ય હસ્તગત કર્યું. 1754થી બર્સ્લેમ ખાતે રેલ્ફે પોતાના આગવી કલાકારીગરીવાળા કુંભોનું ઉત્પાદન શરૂ કર્યું. આરૉને કુંભકાર થૉમસ વેજ્વૂડ હેઠળ 1731થી 1746 સુધી કુંભકળાની તાલીમ લીધી. 1746થી 1750 સુધી આરૉને વ્હીલ્ડૉન હેઠળ કુંભકળાની તાલીમ મેળવી. 1750માં આરૉને પોતાનો અલાયદો સ્ટુડિયો સ્થાપી સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો.
બંને ભાઈઓ કથ્થાઈ, લીલા અને ભૂખરા રંગોની મોટી શ્રેણીઓ કુંભની સપાટી પરના ચળકાટ(glaze)માં આણી શકવામાં પાવરધા થયા. તેમણે વિવિધ જાણીતી વ્યક્તિઓનાં બસ્ટ-શિલ્પો તેમજ આખી આકૃતિઓ રજૂ કરતાં શિલ્પો પણ સર્જવાં શરૂ કરેલાં. તેમાં સાબર, હરણાં, સસલાં, બિલાડાં જેવાં પ્રાણીઓ ઉપરાંત ‘વિકાર ઍન્ડ મોઝિઝ’ જેવા વિષયોનું વૈવિધ્ય જોવા મળે છે. જૉને ભાઈ રેલ્ફ (જુનિયર) સાથે થોડાં વર્ષો કામ કર્યા બાદ 1787માં બ્રાઉન હિલ્સ ખાતે પોતાનો સ્ટુડિયો શરૂ કર્યો. દસ વરસ પછી તેમનું ખૂન થઈ ગયું. પોતાની દીકરીના એક પ્રેમીએ આ ખૂન કરેલું, કારણ કે જૉને તેને દીકરીનો હાથ લગ્નમાં સોંપેલો નહિ.
એનૉખે રુબેન્સના ચિત્ર ‘ડિસેન્ટ ફ્રૉમ ધ ક્રૉસ’ ઉપરથી પ્રેરણા લઈ રંગીન શિલ્પ બનાવેલું. એમનું માટીના માધ્યમ વડે સર્જેલું પૂરા કદનું આત્મ-આલેખન આજે બ્રિટિશ મ્યુઝિયમમાં છે. 1783માં બર્સ્લેમ ખાતે એનૉખે સ્વતંત્ર સ્ટુડિયોની સ્થાપના કરી. પછીથી તેમણે એક અન્ય જાણીતા કુંભકાર જેમ્સ કૅલ્ડ્વેલ સાથે ભાગીદારી કરી. તેમનો ભાગીદારીનો સ્ટુડિયો ‘વૂડ ઍન્ડ કૅલ્ડ્વેલ’ નામે ઓળખાયો; પણ 1818માં એનૉખ આ ભાગીદારીમાંથી છૂટા થઈ ગયા. તેમની કલાકૃતિઓની અમેરિકામાં મોટા પાયે નિકાસ શરૂ થઈ. જૉન વેસ્લીનું તેમણે 1781માં સર્જેલું બસ્ટ તેમનો ઉત્તમ કલાકીય નમૂનો (માસ્ટર પીસ) ગણાય છે.
અમિતાભ મડિયા