વૂડ, ગ્રાન્ટ (. 13 ફેબ્રુઆરી 1892, એનામોસા નજીક, આયોવા, અમેરિકા; . 12 ફેબ્રુઆરી 1942, આયોવા સિટી, આયોવા, અમેરિકા) : અમેરિકન ચિત્રકાર. વૂડ પ્રથમ વિશ્વયુદ્ધ(1914-18)માં વિમાનો, ટકો, લશ્કરી છાવણીના તંબુઓ તથા નૌકાઓને દુશ્મનોની નજરોથી બચાવવા માટે આસપાસના પર્યાવરણમાં ભેળવી દેવાનું રંગકામ (camouflage) કરતો. એ પછી 1923માં તેમણે એક વરસ માટે ઉચ્ચ માધ્યમિક શાળામાં કલાનું અધ્યાપન કર્યું. 1924માં એક વરસ તેમણે પૅરિસની જુલિયન અકાદમી(Julian Academie)માં કલાનો અભ્યાસ કર્યો. આયોવા પાછા ફર્યા બાદ સિડાર રૅપિડ્સ (Cedar Rapids) ખાતે તેમના આશ્રયદાતાએ તેમને ઘર અને સ્ટુડિયો આપ્યાં.

ગ્રાન્ટ વૂડ દ્વારા ચિત્રિત ચિત્ર : અમેરિકન ગૉથિક

1930માં વૂડે ચીતરેલું ચિત્ર ‘અમેરિકન ગૉથિક’ તેમનો ‘માસ્ટરપીસ’ ગણાયું. પહેલી વાર તે શિકાગોમાં પ્રદર્શિત થયું ત્યારે લોકોનાં ટોળેટોળાં તે જોવા ઊમટેલાં. અમેરિકન ચિત્રકલામાં ધાર્મિક વિષયો જવલ્લે જ ચીતરાયા હોવાથી લોકોની ઉત્કંઠા જાગી ઊઠેલી. પોતાની બહેન નૅન તથા દંતચિકિત્સક બી. એચ.- મૅક્કીબી(Mekeeby)ને તેમણે આ ચિત્રમાં અનુક્રમે એક પુત્રી તથા ગામડાના ચર્ચના પાદરી તરીકે ચીતર્યાં છે. પશ્ચાદ્ભૂમાં ગૉથિક-રિવાઇવલ શૈલીમાં લાકડા વડે બાંધેલું ચર્ચ દેખાય છે. આ ઉપરાંત ‘વુમન વિથ પ્લાન્ટ્સ’ (1929) નામનું તેમણે ચીતરેલું ચિત્ર પણ મહત્વનું ગણાય છે. 1934માં આયોવા યુનિવર્સિટીમાં તેઓ ચિત્રકલાના મદદનીશ પ્રાધ્યાપક નિમાયેલા.

અમિતાભ મડિયા