વી. શાંતારામ (. 18 નવેમ્બર 1901, કોલ્હાપુર; . 27 ઑક્ટોબર 1990, મુંબઈ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભારતીય ચલચિત્ર-નિર્માતા, દિગ્દર્શક તથા અભિનેતા. વતન કોલ્હાપુર નજીકનું ગામડું, જ્યાં બાળપણ ગાળ્યું. તેમના દાદા કોલ્હાપુરની કોર્ટમાં વકીલાત કરતા હતા. પિતા રાજારામ શરૂઆતમાં નાટક કંપનીમાં અભિનેતા તરીકે જોડાયેલા. માતાનું નામ કમલ. પરિવારની અટક વણકુર્દે. શાંતારામ છ-સાત વર્ષના હતા ત્યારે પરિવારે કોલ્હાપુર ખાતે કાયમી વસવાટના હેતુથી સ્થળાંતર કર્યું. પિતાએ રંગમંચપ્રવૃત્તિને તિલાંજલી આપી અને ભરણપોષણ માટે કોલ્હાપુર નગરમાં કરિયાણાં તથા પરચૂરણ વસ્તુઓની દુકાન શરૂ કરી. કોલ્હાપુર ખાતે સ્થળાંતર કર્યા પછી શાંતારામે શાળામાં પ્રવેશ કર્યો હતો. શાળાની ટૂંકી કારકિર્દી દરમિયાન સંસ્થાના વાર્ષિક સંમેલનમાં વિખ્યાત મરાઠી સાહિત્યકાર ન. ચિં. અર્થાત્ તાત્યાસાહેબ કેળકર દ્વારા લિખિત મરાઠી નાટક ‘તોતયાચે બંડ’માં નાની ભૂમિકા કુશળતાથી ભજવી અને ત્યારથી અભિનય કરવાની ક્ષમતા અંકુરિત થવા લાગી. સમયાંતરે અન્યની નકલ (મિમિક્રી) કરવામાં નિપુણતા પ્રાપ્ત કરી અને તેને લીધે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બન્યા. 1914-15માં ગંધર્વ નાટક કંપનીમાં તથા 1920માં મહારાષ્ટ્ર ફિલ્મ કંપનીમાં પ્રવેશ કર્યો અને સમય જતાં તેને જ વ્યવસાયનું ક્ષેત્ર કર્યું (1920-90). 1921માં ‘મહારાષ્ટ્ર ફિલ્મ કંપની’ દ્વારા નિર્મિત મૂક ચિત્રપટ ‘સુરેખાહરણ’માં કૃષ્ણની ભૂમિકા ભજવી અને આ રીતે તે પછીના સાત દાયકા દરમિયાન ઉત્તમ ચલચિત્રોના નિર્માતા, લોકપ્રિય અભિનેતા તથા કુશળ દિગ્દર્શક થવાનાં બીજ રોપાયાં. મૂક ચલચિત્રોના તે જમાનામાં 1921-29 દરમિયાનનાં નવ વર્ષોમાં છ ઐતિહાસિક મૂક ચલચિત્રો, આઠ પૌરાણિક મૂક ચલચિત્રો, એક કલ્પનારમ્ય (fantasy) ચલચિત્ર તથા એક સામાજિક કથાનક ધરાવતા મૂક ચલચિત્રમાં શાંતારામે ભૂમિકા તો ભજવી જ, સાથોસાથ ‘નેતાજી પાલકર’ (1927) નામના ઐતિહાસિક ચલચિત્રનું દિગ્દર્શન પણ કર્યું અને સુવર્ણચંદ્રક મેળવ્યો. 1929માં પ્રભાત ફિલ્મ કંપનીમાં જોડાયા અને ત્યાર પછીના માત્ર બે વર્ષમાં તે કંપનીના નેજા હેઠળ છ મૂક ચલચિત્રોમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી; જેમાંથી બે પૌરાણિક, બે સ્ટંટ, એક બાલચલચિત્ર (‘રાનીસાહબા’) અને એક ઐતિહાસિક કથાવસ્તુ (‘ઉદયકાલ’) ધરાવતાં ચલચિત્રો હતાં. આ બધાં ચલચિત્રોનું દિગ્દર્શન પણ વી. શાંતારામે કર્યું હતું.

વી. શાંતારામ

પ્રભાત ફિલ્મ કંપની દ્વારા માર્ચ, 1932માં બે ભાષાઓ – મરાઠી અને હિંદીમાં નિર્મિત ‘અયોધ્યેચા રાજા’/‘અયોધ્યા કા રાજા’ આ ભારતના પ્રથમ બોલપટનું દિગ્દર્શન કરવાનું ભાગ્ય શાંતારામને સાંપડ્યું હતું; જેમાં ભવિષ્યમાં દિગ્ગજ અભિનેતા બનેલા ત્રણ ચલચિત્ર-કલાકારો દુર્ગા ખોટે, બાબુરાવ પેંઢારકર તથા માસ્ટર વિનાયકે પોતાની અભિનય-કારકિર્દીની શરૂઆત કરી હતી. આ રીતે જોઈએ તો બોલપટ-નિર્માણના યુગની શરૂઆત થઈ તે પૂર્વે મૂક ચલચિત્ર-નિર્માણના જમાનામાં વી. શાંતારામે 1921-32ના ગાળામાં બાર ચલચિત્રોમાં અભિનય કર્યો હતો; જેમાંથી સાત ચલચિત્રોનું તેમણે દિગ્દર્શન કર્યું હતું. તેમાંનું એક ‘ગોપાળકૃષ્ણ’ ખૂબ લોકપ્રિય નીવડ્યું હતું.

ત્યારપછીની તેમની અડધી સદીની કારકિર્દી (1932-83) દરમિયાન આશરે 77 જેટલાં બોલપટો સાથે તેમનું નામ એક યા બીજી રીતે જોડાયેલું છે. આમાંથી પ્રથમ દસ વર્ષ(1932-42)ના અરસામાં 27 ચલચિત્રો અન્ય નિર્માણ-કંપનીઓના નેજા હેઠળ તૈયાર થયાં હતાં; જ્યારે તે પછીનાં આશરે ચાર દાયકા(1942-83)માં પચાસ જેટલાં ચલચિત્રો તેમની પોતાની નિર્માણસંસ્થા રાજકમલ કલા મંદિર-(સ્થાપના : 1942)ના નેજા હેઠળ તૈયાર થયાં હતાં. આ પચાસ ચલચિત્રોમાં 33 હિંદી ભાષામાં (જેમાંથી પાંચ લઘુપટ), દસ ચલચિત્રો મરાઠી ભાષામાં, એક અંગ્રેજીમાં (‘The Song of Buddha’ – 1946), બે બંગાળી ભાષામાં (જેમાંથી એક ‘પલાતક’નું સ્વતંત્ર નિર્માણ, 1963 અને બીજું મરાઠી ચલચિત્ર ‘અમર ભૂપાળી’નું બંગાળી ભાષામાં ડબિંગ દ્વારા સંસ્કરણ, 1951) તથા એક તમિળ ભાષામાં (હિંદી ‘અપના દેશ’નું ‘નમનાડુ’ શીર્ષક હેઠળ તમિળ સંસ્કરણ) – આ બધાંનો સમાવેશ થાય છે. વળી કેન્દ્ર સરકાર હસ્તકના ચલચિત્ર- વિભાગની નિશ્રામાં વી. શાંતારામે પાંચ હિંદી ચલચિત્રો તથા કેટલાંક દસ્તાવેજી ચલચિત્રોનું નિર્માણ પણ કર્યું હતું.

ચલચિત્રક્ષેત્રે શાંતારામની એકંદર કામગીરીના ગાળા (1921-85) દરમિયાન તેમનાં 25 ચલચિત્રોને આંતરરાષ્ટ્રીય અથવા રાષ્ટ્રીય અથવા રાજ્યસ્તરનાં પારિતોષિકો એનાયત થયાં છે; જે નીચે મુજબ છે :

(1) ‘નેતાજી પાલકર’ (1927) ઐતિહાસિક મૂક ચલચિત્રને સામાજિક સંસ્થા દ્વારા દિગ્દર્શન માટે સુવર્ણચંદ્રક.

(2) પૌરાણિક કથા પર આધારિત ‘શકુંતલા’ ચલચિત્ર(1943)ને 1944માં બૅંગોલ ફિલ્મ ક્રિટિક્સ દ્વારા ધ્વનિલેખન માટે પુરસ્કાર.

(3) વેનિસ ફિલ્મ સમારોહ(1947)માં ‘શકુંતલા’ને ઉત્કૃષ્ટ પટકથાનું પારિતોષિક.

(4) કાન્સ ચલચિત્ર સમારોહ(1948)માં ઉત્કૃષ્ટ પટકથાનો ઍવૉર્ડ ‘ડૉક્ટર કોટનીસ કી અમર કહાની’(1946)ને એનાયત.

(5) ‘પરબત પે અપના ડેરા’ (1948) ચલચિત્ર બગોલ ફિલ્મ ક્રિટિક્સ દ્વારા ધ્વનિલેખન માટે પુરસ્કૃત.

(6) ‘અમર ભૂપાળી’ (મરાઠી : 1951) ચલચિત્રને કાન્સ ચલચિત્ર સમારોહ(1951)માં સર્વોત્કૃષ્ટ ધ્વનિલેખન માટે ‘ગ્રાન્ડ પ્રી’ પારિતોષિક એનાયત.

(7) ‘અમર ભૂપાળી’ (મરાઠી) ચલચિત્રને ફિલ્મ જર્નાલિસ્ટ્સ ઍસોસિયેશન દ્વારા 1951માં ભારતીય ભાષાઓમાં સર્વોત્કૃષ્ટ ચલચિત્રનો ઍવૉર્ડ એનાયત.

(8) ‘ઝનક ઝનક પાયલ બાજે’ (1955) ચલચિત્રને રાષ્ટ્રપતિ ઍવૉર્ડ. આ ઉપરાંત તે જ ચલચિત્રને ફિલ્મ ઍસોસિયેશન દ્વારા વર્ષ 1955 માટે સર્વોત્કૃષ્ટ ચલચિત્ર, સર્વોત્કૃષ્ટ દિગ્દર્શન, સર્વોત્કૃષ્ટ ધ્વનિલેખન, સર્વોત્કૃષ્ટ સંકલન અને સર્વોત્કૃષ્ટ કલાનિર્દેશન માટે પાંચ પારિતોષિકો એનાયત. આ પાંચેય સર્વોત્કૃષ્ટતાઓ માટે ‘ફિલ્મ ફેર’ ઍવૉર્ડ, ફિલ્મ ફૅન્સ દ્વારા પુરસ્કારો તથા ભારત સરકારના ફિલ્મ્સ ડિવિઝન દ્વારા 1955 વર્ષના સર્વોત્કૃષ્ટ ભારતીય ચલચિત્ર તથા સર્વોત્કૃષ્ટ હિંદી ચલચિત્રના બે ઍવૉર્ડ્ઝ એનાયત.

વી. શાંતારામ નિર્મિત ‘ઝનક ઝનક પાયલ બાજે’નું ભાવવાહી દૃશ્ય

(9) 1956માં દક્ષિણ અમેરિકાના ઉરુગ્વે દેશના મૉન્ટે વીડિયો ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવમાં ‘સિમ્ફની ઑવ્ લાઇફ’ લઘુ ચલચિત્રને પ્રયોગલક્ષી દસ્તાવેજી ચલચિત્રોની શ્રેણીમાં ‘ગ્રાન્ડ પ્રી’ ઍવૉર્ડ એનાયત.

(10) ‘તૂફાન ઔર દિયા’ ચલચિત્ર(1956)ને ઉત્કૃષ્ટ ગીતરચના માટે ફિલ્મ્સ ક્રિટિક, મુંબઈ દ્વારા પુરસ્કૃત.

(11) ‘દો આંખેં બારહ હાથ’(1957)ને અનેક ઍવૉર્ડ અને પુરસ્કારો મળ્યા :

 સાપ્તાહિક હિંદુસ્તાન દ્વારા રજત પુરસ્કાર (1957).

 રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક (1958). હિંદી ભાષાના વર્ષ 1957ના સર્વોત્કૃષ્ટ ચલચિત્ર તરીકે રાષ્ટ્રપતિ ચંદ્રક તથા સર્વોત્કૃષ્ટ દિગ્દર્શનનું પારિતોષિક.

 ઑલ ઇન્ડિયા ક્રિટિક્સ ઍવૉર્ડ દ્વારા સર્વોત્કૃષ્ટ ચલચિત્ર, સર્વોત્કૃષ્ટ સંગીતનિર્દેશન, સર્વોત્કૃષ્ટ ધ્વનિલેખન તથા સર્વોત્કૃષ્ટ સંકલન માટે પુરસ્કૃત.

 ફિલ્મ્સ ક્રિટિક, મુંબઈ દ્વારા ઉપર દર્શાવેલ બધી જ વિશિષ્ટતાઓ માટે પુરસ્કૃત.

 1957માં બર્લિન ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં તે વર્ષના સર્વોત્કૃષ્ટ ચલચિત્રનો ‘ગોલ્ડન બેર ઍવૉર્ડ’ એનાયત.

 તે જ ચલચિત્રને બ્રસેલ્સ ખાતેના કૅથલિક ફિલ્મ બ્યૂરો દ્વારા ‘ઇન્ટરનૅશનલ કૅથલિક ઍવૉર્ડ’ તથા ‘ફૉરેન ક્રિટિક ઍવૉર્ડ’ એનાયત.

 વર્ષ 1957ના સર્વોત્કૃષ્ટ ચલચિત્રનિર્માણ માટે ‘હોલિવુડ ફૉરેન પ્રેસ ઍસોસિયેશન ઍવૉર્ડ’ તથા ‘સૅમ્યુઅલ ગોલ્ડવિન ઍવૉર્ડ’  બંને એનાયત.

વર્ષ 1961માં બોસ્ટન ખાતે આયોજિત ફિલ્મ ફેસ્ટિવલમાં ઉત્કૃષ્ટ પટકથા, ઉત્કૃષ્ટ અભિનય, ઉત્કૃષ્ટ સંગીત, ઉત્કૃષ્ટ બાહ્યચિત્રીકરણ (outdoor shooting) તથા ઉત્કૃષ્ટ ધ્વનિલેખન માટે પુરસ્કૃત.

(12) ‘નવરંગ’ (1959) ચલચિત્રને ઉત્કૃષ્ટ સંકલન તથા ઉત્કૃષ્ટ ધ્વનિલેખનના વર્ષ 1960 માટેનો ‘ફિલ્મ ફેર’ ઍવૉર્ડ એનાયત.

(13) ‘સ્ત્રી’ ચલચિત્ર (1961) મોશન પિક્ચર્સ એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સ દ્વારા પુરસ્કૃત.

(14) ‘ગીત ગાયા પત્થરોંને’ (1965) ચલચિત્રને મહારાષ્ટ્ર રાજ્યનો પુરસ્કાર (1965).

(15) ‘ઈએ મરાઠીચે નગરી’ નામક મરાઠી ચલચિત્રના હિંદી સંસ્કરણ ‘લડકી સહ્યાદ્રિ કી’ને સરસ્વતી પારિતોષિક એનાયત.

(16) ‘જલ બિન મછલી, નૃત્ય બિન બિજલી’ (1971) ચલચિત્ર ફિલ્મ્સ ફૅન્સ ઍસોસિયેશન દ્વારા પુરસ્કૃત.

(17) ‘પિંજરા’ (મરાઠી  1972) ચલચિત્રની નાયિકા સંધ્યાને ઉત્કૃષ્ટ અભિનય માટે ‘ફિલ્મ ફેર’ ઍવૉર્ડ એનાયત.

(18) મરાઠી ચલચિત્ર ‘ગુંજ’(1976)ને મહારાષ્ટ્ર રાજ્ય સરકારનું પારિતોષિક.

(19) ‘ધરતી કી ઝંકાર’ ચલચિત્ર જે ભારતીય લોકનૃત્ય પર આધારિત હતું, જેનું નિર્માણ ભારત સરકારના ફિલ્મ-વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું અને જેનું દિગ્દર્શન વી. શાંતારામે કર્યું હતું તેને રાષ્ટ્રીય કક્ષાનાં સુવર્ણ અને રજત પારિતોષિકો એનાયત.

વી. શાંતારામની પોતાની માલિકીની ચલચિત્રનિર્માણ-સંસ્થા ‘રાજકમલ કલા મંદિર’ દ્વારા 1942-83ના ગાળામાં નિર્માણ કરેલ ચલચિત્રોમાંથી છ ચલચિત્રોને આંતરરાષ્ટ્રીય સ્તરનાં, નવ ચલચિત્રોને રાષ્ટ્રીય સ્તરનાં, બે ચલચિત્રોને રાજ્યકક્ષાનાં અને 3 ચલચિત્રોને અન્ય પ્રકારનાં પારિતોષિકો પ્રાપ્ત થયાં હતાં, જે એક વિક્રમ ગણાય.

1934માં નિર્મિત અને શાંતારામ દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર ‘અમૃતમંથન’ (મરાઠી તથા હિંદી) મુંબઈના ‘શ્રીકૃષ્ણ’ સિનેમાગૃહમાં સતત ત્રીસ અઠવાડિયાં સુધી પ્રદર્શિત કરવામાં આવ્યું હતું અને એ રીતે ભારતીય ચલચિત્રોમાં સર્વપ્રથમ રજતજયંતી ઊજવવાનું માન શાંતારામના આ ચલચિત્રને હાંસલ થયું હતું. તેવી જ રીતે ભારતીય ચલચિત્રક્ષેત્રે બાયપૅક પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ સર્વપ્રથમ રંગીન ચલચિત્ર ‘સૈરંધ્રી’ (1933), જેનું નિર્માણ પ્રભાત ફિલ્મ કંપનીએ કર્યું હતું, તેનું દિગ્દર્શન પણ વી. શાંતારામે કર્યું હતું. ભારતમાં ત્રણ જુદી જુદી ભાષાઓમાં ચલચિત્ર નિર્માણ કરવાનું સર્વપ્રથમ સાહસ પણ શાંતારામને ફાળે જાય છે (‘ચંદ્રસેના’, 1935, હિંદી, મરાઠી તથા તમિળ). ભારતમાં સર્વપ્રથમ વ્યંગપટ(‘જંબુકાકા’, 1935)નું નિર્માણ અને દિગ્દર્શન શાંતારામે કર્યું હતું. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં મોકલવામાં આવેલ સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર ‘અમરજ્યોતિ’(વેનિસ ચલચિત્ર મહોત્સવ, 1936)નું દિગ્દર્શન પણ શાંતારામે કર્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ નિર્મિત ‘સંત તુકારામ’ (1936) આ જ સમારોહમાં પ્રદર્શિત થયું હતું અને મહોત્સવના નિર્ણાયકોએ તે ચલચિત્રનો ઉલ્લેખ વિશ્વનાં ત્રણ ઉત્કૃષ્ટ ચિત્રપટોની યાદીમાં કર્યો હતો. શાંતારામના માર્ગદર્શન હેઠળ પ્રભાત ફિલ્મ કંપની દ્વારા મરાઠી અને હિંદી બંને ભાષામાં નિર્મિત ‘સંત જ્ઞાનેશ્વર’ (1939) અમેરિકામાં પ્રદર્શિત સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર બન્યું. તેવી જ રીતે શાંતારામ દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર ‘શકુંતલા’ (1943) વ્યાપારી હેતુ માટે અમેરિકામાં પ્રદર્શિત સર્વપ્રથમ ચલચિત્ર બન્યું.

વી. શાંતારામે ચલચિત્રક્ષેત્રમાં જે વિવિધ પદો શોભાવ્યાં હતાં તેમાં 1941-42 દરમિયાન ભારત સરકારના ફિલ્મ ઍડવાઇઝરી બૉર્ડના મુખ્ય નિર્માતા, 1942-48 દરમિયાન ફિલ્મ ઍડવાઇઝરી બૉર્ડના વૃત્તચિત્ર તથા લઘુપટ-વિભાગની સેન્સર સમિતિના પ્રમુખ, 1947-48 દરમિયાન ભારત સરકારના ફિલ્મ્સ ડિવિઝનના પ્રમુખ, 1954-57ના ગાળામાં ‘ફિલ્મ પ્રોડ્યુસર્સ ગિલ્ડ’ના અધ્યક્ષ, 1960-70ના દાયકામાં સેન્ટ્રલ બૉર્ડ ઑવ્ ફિલ્મ સેન્સૉરના સભ્ય તથા 1966-68 અને ફરી 1975-80 દરમિયાન મરાઠી ચલચિત્ર મહામંડળના અધ્યક્ષ. તેઓ ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી, સિનેમૅટોગ્રાફર્સ ઍસોસિયેશન, સિને એક્ઝિબિશન પિક્ચર્સ ડિસ્ટ્રિબ્યુટર્સ ઍસોસિયેશન, ઇન્ડિયન મોશન પિક્ચર્સ ઍસોસિયેશન, સિને એક્ઝિબિટર્સ ઍસોસિયેશન, ઇન્ડિયન મોશન પિક્ચર્સ ઍસોસિયેશન, ઇન્ડિયન ફિલ્મ ડિરેક્ટર્સ ઍસોસિયેશન, ફિલ્મ એડિટર્સ ઍસોસિયેશન તથા સિને આર્ટિસ્ટ્સ ઍસોસિયેશન – આ બધી સંસ્થાઓના સંસ્થાપકોમાંના તેઓ એક હતા.

જે સંસ્થાઓએ વી. શાંતારામનું જાહેર સન્માન કર્યું હતું તેમાં કોલ્હાપુર નગરપાલિકા (1966); ફિલ્મ ચેમ્બર ઑવ્ કૉમર્સ, મદ્રાસ (ચેન્નાઈ) (1971); મદ્રાસ મહાનગરપાલિકા (1972); બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (1972); મદ્રાસ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશન (1977); પુણે મહાનગરપાલિકા (1979); એજ્યુકેશન સોસાયટી, કોલ્હાપુર (1981) જેવી અનેક જાહેર સંસ્થાઓનો સમાવેશ થાય છે. નાગપુર યુનિવર્સિટીએ તેમને 1980માં માનાર્હ ડૉક્ટરેટની પદવી અર્પી હતી.

નવેમ્બર, 1977માં તેમના નામથી ‘વી. શાંતારામ ચલચિત્ર શાસ્ત્રીય અનુસંધાન અને સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન’ની સ્થાપના કરવામાં આવી હતી. 1986માં તેમનું આત્મચરિત્ર ‘શાંતારામા’ પ્રકાશિત થયું છે.

શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક પંડિત જસરાજ તેમના જમાઈ થાય છે.

મરાઠીના પીઢ સાહિત્યકાર તથા પ્રખર અને ઉદ્દામ પત્રકાર આચાર્ય અત્રેએ વી. શાંતારામને ‘ચિત્રપતિ’ પદવીથી નવાજ્યા હતા, જે સર્વથા સાર્થક લેખાયું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે