વીંછી (scorpion) : પૂંછડીને છેડે આવેલ ડંખ(sting)થી અન્ય પ્રાણીઓના શરીરમાં વિષપ્રવેશ કરાવવાની ક્ષમતા ધરાવતું સંધિપાદ પ્રાણી. તેનો સમાવેશ અષ્ટપદી (arachnida) વર્ગના સ્કૉર્પિયોનિડા શ્રેણીમાં થાય છે. ભારતમાં જોવા મળતા મોટાભાગના વીંછીઓ બુથિડે કુળના છે. ભારતમાં સર્વત્ર દેખાતા વીંછીનું શાસ્ત્રીય નામ છે Buthus tamalus. (જુઓ આકૃતિ 1).

આકૃતિ 1 : વીંછીનો પૃષ્ઠ દેખાવ

તેના પ્રથમ ઉપાંગને પાદસ્પર્શક (pedipalp) કહે છે અને તે પકડાંગ (chelate) તરીકે કાર્ય કરે છે. તેના વક્ષભાગમાં દંતમય કાકતાંગ(pectines)ની એક જોડ આવેલી છે. (જુઓ આકૃતિ 2 અને 3).

આકૃતિ 2

વીંછીનું શરીર શિરોરસ (cephalothorax) અને ઉદર (abdomen) – આમ બે ભાગમાં વહેંચાયેલું છે. શિરોરસ પૃષ્ઠ બાજુએથી પૃષ્ઠકવચ(carapaes)થી ઢંકાયેલું છે. શિરોરસમાંથી પાદસ્પર્શકોની એક જોડ, જ્યારે પગની ચાર જોડ નીકળે છે, તેના વક્ષભાગમાં ચાર જોડ શ્વસન-છિદ્રો ખૂલે છે. આવા શ્વસનાંગને બુકલંગ્સ કહે છે. (જુઓ આકૃતિ 3). પૃષ્ઠ-કવચ પર ત્રણ સમૂહોમાં ઝીણી આંખ આવેલી છે. ઉદરપ્રદેશ સાત ખંડવાળા અગ્રઉદર (pre-abdomen) અને પાંચ ખંડવાળા પશ્ર્ચઉદર(post abdomen)થી બનેલું છે. પશ્ર્ચઉદર, આકારે પૂંછડી જેવું છે. ઉદરનો પ્રત્યેક ખંડ ઉપલી બાજુએથી પૃષ્ઠક (tergum) પ્લેટ વડે ઢંકાયેલો છે. કાકતાંગો સ્પર્શકાંગોની ગરજ સારે છે. વીંછી નિશાચર પ્રાણી છે. કાકતાંગો ભક્ષ્યના પરિભ્રમણને લીધે ઉત્પન્ન થતાં મોજાં પ્રત્યે સંવેદનશીલ હોય છે અને તે ભક્ષ્યના અસ્તિત્વનો ખ્યાલ મેળવી લે છે.

આકૃતિ 3

ખોરાક અને ખોરાકપ્રાશન : વીંછી પ્રાણીભક્ષી સજીવ છે અને તક સાંપડતાં પકડી શકે તેવા કોઈ નાના કદનાં પ્રાણીઓને પકડી તેનું ભક્ષણ કરે છે. તેનો મનગમતો આહાર કીટકો, કરોળિયા અને અષ્ટપાદી સંધિપાદોનો બનેલો છે. મોકો મળે તો તે ગોકળગાય, નાના સરીસૃપો અને સસ્તનોનું પણ ભક્ષણ કરે છે. તેના સ્પર્શકો સારી રીતે વિકસેલા હોય છે. નજીકથી પસાર થતા ભક્ષકોનો ખ્યાલ મેળવી ત્વરાથી તે તેને પકડે છે. ભક્ષને પકડવા સ્પર્શપાદો અત્યંત ઉપયોગી થાય છે. તે પ્રસંગોપાત્ત, ભક્ષ્યને ડંખ મારી નિષ્ક્રિય બનાવી દે છે.

પકડેલો ભક્ષ્ય આંતરડામાં આવેલા પાચકરસોની મદદથી પ્રવાહી દ્રવ્યોમાં ફેરવાય છે અને તેનું શોષણ જઠરમાં થાય છે. વીંછી ભક્ષ્યમાંના અપાચ્ય ભાગોને ત્યજી તેને અલગ કરે છે. વીંછીની પાચન-પ્રક્રિયા આમ ધીમી છે.

પ્રજનન અને જીવનચક્ર : વીંછીનો સંવનનકાળ મુખ્યત્વે ગ્રીષ્મ ઋતુનો હોય છે. આ સમય દરમિયાન તે સેંકડો મીટર સુધી પ્રયાણ કરી માદાને આકર્ષે છે. સંવનન(courtship)માં નર મહત્વનો ભાગ ભજવે છે. નર માદાને પાદસ્પર્શકોની મદદ વડે પકડી બન્ને સમૂહમાં એકબીજાને ફરતે નર્તન જેવી હિલચાલ કરે છે. દરમિયાન શુક્રકોષો ધરાવતી કોથળી(spermatophore)ને માદાના પ્રજનન-છિદ્રની નજીક લઈ જાય છે. આને લીધે શુક્રકોષોનો ત્યાગ માદાના શરીરમાં થાય છે.

વીંછી અપત્ય-પ્રસવી પ્રાણી છે અને એકીસાથે 10થી 12 બચ્ચાંને જન્મ આપે છે. આ બચ્ચાંઓને માતા પોતાની પીઠ પર લઈને ફરે છે. 1થી 2 અઠવાડિયાં સુધી માતાની પીઠ ઉપર ફર્યા બાદ બચ્ચાં સ્વતંત્રપણે ફરવા લાગે છે; પરંતુ તે માતાથી દૂર જતાં નથી. બચ્ચાં પુખ્ત થતાં સ્વતંત્ર જીવન ગુજારે છે.

વીંછીની ઉપયોગિતા : વીંછી એક દૃષ્ટિએ માનવજાતને માટે ઉપયોગી પ્રાણી છે. આમ તો વીંછીને ડંખાંગ હોવા છતાં માનવી જેવા મોટા કદનાં પ્રાણીઓને ડંખવામાં તેને રસ હોતો નથી અને તે મોટાં પ્રાણીઓથી દૂર રહેવાનું પસંદ કરે છે. વીંછી માનવીને ઉપયોગી કૃષિ-પાકો ઉપરની જીવાતોનું ભક્ષ કરી પાકોનું રક્ષણ કરે છે. આમ માનવના કૃષિપાકોને સુરક્ષિત રાખવામાં વીંછી મહત્વનો ભાગ ભજવે છે.

રા. ય. ગુપ્તે

મ. શિ. દુબળે