વીલૅન્ડ, હેન્રિક ઑટો (Wieland, Heinrich Otto) (. 4 જૂન 1877, ફોર્ઝહાઇમ, જર્મની; . 5 ઑગસ્ટ 1957, મ્યૂનિક) : પિત્તામ્લો (bile acids) અને સંબંધિત પદાર્થો પર અગત્યનું સંશોધન કરનાર 1927ના વર્ષ માટેના નોબેલ પુરસ્કારવિજેતા જર્મન રસાયણવિદ. તેમના પિતા ડૉ. થિયોડૉર વીલૅન્ડ એક ઔષધ-રસાયણજ્ઞ હતા. મ્યૂનિક, બર્લિન તથા સ્ટટ્ગાર્ટનાં વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કર્યા બાદ વીલૅન્ડ મ્યૂનિકની બાયર લૅબોરેટરીમાં પાછા ફર્યા અને 1901માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1913માં તેઓ મ્યૂનિક યુનિવર્સિટીની રાસાયણિક પ્રયોગશાળામાં સિનિયર લેક્ચરર નિમાયા. 1917માં તેઓ મ્યૂનિક ટૅક્નિકલ હાઈસ્કૂલમાં પ્રાધ્યાપક બન્યા. 1917-18 દરમિયાન તેમણે કૈસર-વિલ્હેમ ઇન્સ્ટિટ્યૂટ, બર્લિનમાં સંરક્ષણ (defence) ઉપર કાર્ય કર્યું. 1921માં તેઓ મ્યૂનિક યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક બન્યા અને 1925માં વીલસ્ટાટરની નિવૃત્તિ બાદ તેમની ખુરશી સંભાળી. અહીં તેમણે 27 વર્ષ સુધી કામ કર્યું હતું.

શરૂઆતનું તેમનું સંશોધન ફુલ્મિનેટ જેવાં નાઇટ્રોજનયુક્ત સંયોજનો ઉપર હતું. 1911માં તેમણે સૌપ્રથમ નાઇટ્રોજન મુક્ત મૂલકો (free radicals) બનાવ્યાં. તેમણે દર્શાવ્યું કે કાર્બનિક સંયોજનોમાં રહેલા નાઇટ્રોજનનાં વિભિન્ન સ્વરૂપોને અલગ અલગ પારખી શકાય છે. તેઓએ કુદરતી પદાર્થો જેવા કે વાનસ્પતિક આલ્કેલૉઇડો, પતંગિયાની પાંખ ઉપરના વર્ણકો (પ્ટેરિન્સ, pterins) તથા સ્ટેરૉઇડ સંયોજનો ઉપર પણ સંશોધન કર્યું છે. આ વર્ણકો ઉપરના તેમના સંશોધનને કારણે જૈવિક દૃદૃષ્ટિએ અગત્યના એવાં પેક્ટિન (pectin) સંયોજનોના નવા વર્ગની શોધ થઈ શકી.

હેન્રિક ઑટો વીલૅન્ડ

પિત્ત(bile)માંથી તેમણે કોલાનિક (cholanic) ઍસિડ નામનો સંતૃપ્ત ઍસિડ મેળવ્યો; જેને પિત્તામ્લોના માતૃદ્રવ્ય (mother substance) તરીકે ગણાવી શકાય. કોલેસ્ટેરોલમાંથી પણ તેમણે આ જ પદાર્થ બનાવ્યો. આથી એ સ્પષ્ટ થાય છે કે ત્રણ પિત્ત-ઍસિડો અને કોલેસ્ટેરોલનું કાર્બન-માળખું (carbon skeleton) એકસરખું હોવું જોઈએ. આ પરથી તેમણે મૂળ સ્ટેરૉઇડ-માળખા માટેની સંરચના રજૂ કરી. જોકે તેમની પ્રથમ સંરચના સાચી ન હતી અને તેથી 1932માં તેમણે સુધારેલી સંરચના રજૂ કરી. સ્ટેરૉઇડ સંયોજનો ઉપરના તેમના સંશોધન બદલ તેમને 1927ના વર્ષ માટેનો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

તેમનાં અન્ય સંશોધનોમાં ભેક-વિષ (એક પ્રકારના દેડકાનું વિષ, toad poision), ક્યુરારિ (તીર ઉપર લગાડાતું વિષ, curare), જૈવિક ઉપચયન વગેરેને ગણાવી શકાય.

મૉર્ફિન અને સ્ટ્રિક્નિની સંરચના પણ તેમણે સ્પષ્ટ કરી તથા લૉબેલિયા (lobelia) આલ્કેલૉઇડના બંધારણ પર પણ કાર્ય કર્યું. એક પ્રકારના મશરૂમમાંના ઝેરી પદાર્થ ઉપરના તેમના સંશોધનને કારણે ફેલોઇડિન (phalloidine) તથા એમિનાઇટીન (aminitine) નામના સ્ફટિકમય સાઇક્લોપેપ્ટાઇડ અલગ થઈ શક્યા.

જીવંત કોષોમાં થતા ઉપચયન અંગેના તેમના સંશોધને દર્શાવ્યું કે જૈવિક ઉપચયન એ ખરેખર તો વિહાઇડ્રોજનીકરણ (dehydrogenation) જ છે અને નહિ કે ઑક્સિજનનું ઉમેરાવું. આ સિદ્ધાંત જૈવ રસાયણ, શરીરક્રિયાશાસ્ત્ર તથા ઔષધવિજ્ઞાનમાં ખૂબ જ મહત્વનો પુરવાર થયો છે.

તેમને ‘ઑર્ડર ઑવ્ મેરિટ’ (Order of Merit) તેમજ હેબર પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલાં છે.

જ. પો. ત્રિવેદી