વીરેન્દ્રનાથ, યેન્દામુરી (જ. 1948, કાકિનાડા, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્ર) : તેલુગુ નવલકથાકાર અને નાટ્યકાર. તેમણે બકના અધિકારી તરીકે કામગીરી કરવાની સાથોસાથ લેખનકાર્ય કર્યું.
તેમણે અત્યાર સુધીમાં 8 નવલકથાઓ, 4 નાટ્યસંગ્રહો અને 4 નાટિકાસંગ્રહો આપ્યાં છે. તેમની નવલકથાઓમાં ‘તુલસી ડાલમ’ (1981); ‘ડબ્બુ ડબ્બુ ડબ્બુ’; ‘ચેંગલ્વા પુડન્ડા’; ‘અભિલાષા’; ‘નિસ્સાબ્દમ્ નીકુ નાકુ મધ્ય’; ‘રાધાકુન્તી’; ‘યુગાન્તમ’ અને ‘પર્ણસાલા’ ઉલ્લેખનીય છે. આ પૈકી ‘તુલસી ડાલમ’નું સૌથી ઉત્તમ વેચાણ રહ્યું. તેમણે તેમની નવલકથાઓ દ્વારા વિજ્ઞાન સાથે સનસનાટી, સંશય, રોમાંચક અને અલૌકિક તત્ત્વોનું સુંદર નિરૂપણ કર્યું છે. આમ તેમણે વિવિધ કથાવસ્તુ તેમની કૃતિઓમાં વણીને આપ્યું છે.
તેમના નાટ્યસંગ્રહોમાંથી ‘પુટ્ટા’; ‘જલતરંગિણી’; ‘શિવરંજની’; ‘દમિત કથા અડ્ડમ તિરિગિન્ડી’ એ કૃતિઓ અતિ લોકપ્રિય બની અને મંચ પર ખૂબ જ સફળ નીવડી. તેમની નાટિકાઓમાં ‘કુક્કા’ (કૂતરો); ‘જાગ્રત’; ‘મની + શી = મનીશી’ અને ‘મનુષ્યુલુ વસ્તુન્નારુ જાગ્રત’નો સમાવેશ થાય છે. તેમના નાટક ‘રઘુપતિ રાઘવ રાજારામ’ને રાજ્ય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.
બળદેવભાઈ કનીજિયા