વીરેશલિંગમ્, કુંદાકારી

February, 2005

વીરેશલિંગમ્, કુંદાકારી (. 1848, રાજમુંદ્રી, આંધ્રપ્રદેશ; . 1919) : તેલુગુ કવિ, નાટ્યકાર, નવલકથાકાર અને વિવેચક. બાળપણમાં પિતા ગુમાવ્યા તેથી કાકાએ તેમનો ઉછેર કર્યો. 1870માં તેમણે યુનિવર્સિટી એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી અને વતનની સરકારી જિલ્લા હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. પછી કોરંગી અને ધવલેશ્વરમ્ ખાતે હેડમાસ્તર તરીકે ફરજ બજાવી.

નાની વયે સાહિત્ય માટેની રુચિ વિકસાવી અને કાવ્યરચનામાં અસાધારણ રસ દાખવ્યો. તેમણે તેલુગુ સાહિત્યમાં નવા યુગનો પ્રારંભ કર્યો. તેમણે શરૂમાં પરંપરાગત ઢાળમાં કાવ્યો રચ્યાં, પણ પાછળથી તેમણે નાટક, નવલકથા, ટૂંકી વાર્તા અને વિવેચન જેવાં સાહિત્યનાં અનેક સ્વરૂપોમાં મહત્વનું પ્રદાન કર્યું.

સમાજમાં સ્ત્રીઓની દુર્દશા તરફ તેમનું સૌથી વધુ ધ્યાન ખેંચાયું. બાળવિધવાના પ્રશ્ર્ને તેમનું હૃદય હચમચી ગયું. વિધવાઓના ઉત્કર્ષ માટેનું કાર્ય કરવા તેમણે પ્રતિજ્ઞા લીધી. 1874માં તેમણે ‘વિવેક-વર્ધિની’ નામનું માસિક શરૂ કર્યું. 1881માં તેમણે આંધ્રમાં પ્રથમ વિધવાવિવાહ રચ્યો. તેની ખૂબ ચર્ચા અને ટીકાઓ થઈ અને છેવટે તેમને ન્યાતબહાર મૂકવામાં આવ્યા; પરંતુ તેમણે શ્રુતિ, સ્મૃતિ અને પુરાણોમાંથી વિધવાવિવાહના પ્રસંગો ટાંકીને તેની યોગ્યતાનું સમર્થન કર્યું. વળી સ્ત્રીઓને જાહેરસભામાં વક્તા અને શ્રોતા તરીકે ભાગ લેવા પ્રોત્સાહન આપવામાં તેમણે પહેલ કરી.

તેઓ સંસ્કૃતના પંડિત હતા અને વિદ્વત્તાપૂર્ણ ગ્રંથો રચવા શક્તિમાન હતા. તેઓ ઘણા સારા ગદ્યલેખક હતા. તેથી તેઓ ‘ગદ્ય ટિક્કાના’ તરીકે ઓળખાતા હતા. તેમના સાહિત્યિક પ્રદાનથી ખુશ થઈને તત્કાલીન ભારત સરકારે તેમને ‘રાવ બહાદુર’નો ખિતાબ આપીને સન્માન્યા હતા.

તેમણે ‘ધ વિકાર ઑવ્ વેકફિલ્ડ’નો ‘રાજશેખરચરિત્ર’ શીર્ષક હેઠળ અને ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’નો ‘સત્ય રાજા પૂર્વ દેશ યાત્રા’ નામથી અનુવાદ કર્યો હતો. તેમણે રાણી વિક્ટોરિયા અને જિસસ ક્રાઇસ્ટનાં ચરિત્રો પણ રચેલાં. તેમણે તેલુગુમાં પહેલી વાર આત્મકથા લખી. તેમણે વિવેચન અને સંશોધનક્ષેત્રે ઊંડો રસ લીધો. તેમણે તાડપત્ર પરની અનેક જટિલ હસ્તપ્રતોનો અભ્યાસ કરી તેમનું સંપાદન અને પ્રકાશન કર્યું. ‘શાસનો’ (રાજાજ્ઞા) અને અન્ય ઐતિહાસિક પુરાવા પરના તેમના અભ્યાસ પરથી ‘નન્નય’થી તેમના સમય સુધીનાં કવિ- ચરિત્રોની રૂપરેખા દર્શાવતા 3 ગ્રંથો તેમણે રચ્યા. કાલિદાસના ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’નો તેમનો અનુવાદ વ્યાપકપણે સત્કાર પામ્યો હતો. તેમણે કુલ 120થી વધુ ગ્રંથો આપ્યા છે.

બળદેવભાઈ કનીજિયા