વીરાસામી, વી. (. 1 ફેબ્રુઆરી 1931, ધારપુરમ્, જિ. પરિયર, તામિલનાડુ) : તમિળ પંડિત. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને કેરળ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. ત્યારબાદ ભારતીદાસન્ યુનિવર્સિટીના ભારતીદાસન્ એડવાન્સ્ડ રિસર્ચ સેન્ટરના પ્રાધ્યાપક અને વડા તરીકે અધ્યાપનકાર્ય કર્યું.

તેઓ 1988-92 દરમિયાન તમિળ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના સલાહકાર બૉર્ડના સભ્ય અને 1994માં જ્ઞાનપીઠ ઍવૉર્ડ પસંદગી સમિતિના સભ્ય રહ્યા.

તેમણે 26 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘વેર્રિયિન ઈરુમુગમ્’ (1969) અને ‘આયવુક્કાદિર’ (1974) નિબંધસંગ્રહો છે; જ્યારે ‘પટ્ટરાઈયિલે ભારતીદાસન્’ (1971); ‘તમિળિલ સમુકા નવલકાલ’ (1978); ‘તમિળ નવલ વાકૈકાલ’ (1979); ‘ભારતી ઇલક્કિયમઓરુ પર્વાઈ’ (1982); ‘તમિળ કપ્પિયક્કોલ્કાઈ : કમ્બ રામાયણમ્ વિલ્લી ભારતમ્’ (1988) તેમના ઉલ્લેખનીય વિવેચનગ્રંથો છે. વળી ‘આકારતિક્કલૈ’ (1989) તે શબ્દકોશ અને ‘ટે. પો. મીનાક્ષિસુંદરમ્’ (1995) જીવનચરિત્ર છે. તેમણે સંખ્યાબંધ તમિળ વિવેચનાત્મક ગ્રંથોનું તથા બૃહત તમિળ શબ્દકોશનું સંપાદન કર્યું છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને રાજ્ય સરકારનો ઍવૉર્ડ તથા તમિળ રાઇટર્સ ઍસોસિયેશન ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા