વીરસેન : મથુરાનો નાગવંશી રાજા (ઈ. સ.ની ત્રીજી કે ચોથી સદી). મથુરાને રાજધાની બનાવી તેણે પશ્ચિમી ઉત્તર પ્રદેશ ઉપર શાસન કર્યું હતું. કુષાણોની સત્તા નબળી પડતાં વીરસેનનો ઉદય થયો હતો. પૌરાણિક પરંપરા, સિક્કા અને લેખિત પુરાવાઓના આધારે માહિતી મળે છે કે નાગ લોકો અનાર્ય હતા અને ઈ.સ.ની ત્રીજી અને ચોથી સદી દરમિયાન ઉત્તર ભારતના સારા એવા વિસ્તાર ઉપર તેમનું શાસન હતું અને તેમનાં શાસનકેન્દ્રો મથુરા ઉપરાંત પદ્માવતી, વિદિશા અને કાંતિપુરીમાં પણ હતાં. વીરસેનના ઉદય પહેલાં પણ મથુરા આસપાસના વિસ્તારમાં થઈ ગયેલા નાગજાતિના શાસકોની યાદી મળે છે. ઈ. પૂ.ની પ્રથમ સદીના મથુરા આસપાસથી શાહી ખિતાબરહિત રાજાઓના સિક્કા મળ્યા છે અને ઈ. સ.ની બીજી સદીના રાજાપદ ધરાવતા રાજાઓના સિક્કાઓ પણ મળ્યા છે, જે રાજાઓ કુષાણોના સામંતો હતા. કુષાણોના શાસનના અંત પછી મથુરામાં સાત નાગરાજાઓ થઈ ગયાની પૌરાણિક માહિતી મળે છે.
વીરસેનનો ઉદય ઉપર્યુક્ત રાજાઓના શાસન પછી મથુરામાં થયો હતો. તેના પુરોગામીઓ વિશેની ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. વીરસેનના પોતાના સિક્કાઓ મુખ્યત્વે મથુરા આસપાસના વિસ્તારમાંથી મળી આવ્યા છે. આ ઉપરાંત બુલંદશહર, ઇટાહ અને ફર્રુખાબાદ જિલ્લામાંથી અને કેટલાક તો પંજાબમાંથી પણ મળ્યા છે. ફર્રુખાબાદ જિલ્લાના દક્ષિણમાં આવેલા જંખતથી વીરસેનના શાસનના તેરમા વર્ષનો એક શૈલલેખ પણ મળી આવ્યો છે. વીરસેનના શાસનની અંતિમ તારીખ જાણવા મળતી નથી. પ્રાચીન ગ્રંથો, સિક્કાઓ અને શૈલલેખોના આધારે વિવિધ નાગકુલોની સંસ્કૃતિ, તેમની સત્તા અને રાજકીય પ્રતિષ્ઠા-વિષયક જાણકારી મળે છે. તેમની શાસન-પરંપરા તો મગધમાં શિશુનાગ અને નાગદર્શકથી શરૂ થયાનું વિદ્વાનો માને છે.
મથુરામાંથી વીરસેનના અનુગામી શાસકોની સત્તાના અંત વિશેની ચોક્કસ જાણકારી મળતી નથી; પરંતુ કુષાણોની સત્તા નબળી પડતાં ઉદિત થયેલાં વિવિધ નાગકુલોની સત્તા ભારતના શક્તિશાળી ગુપ્ત સામ્રાજ્યમાં વિલીન થયાનું ઐતિહાસિક આધારો દ્વારા જાણવા મળે છે. ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્ત(335-375)ની વિજયયાત્રા દરમિયાન તેણે આર્યાવર્તના વિવિધ રાજાઓને તાબે કર્યા હતા; તેમાં વિદિશાના ગણપતિનાગ, મથુરાના નાગસેન અને પદ્માવતીના નાગદત્તનો સમાવેશ થતો હતો. સમુદ્રગુપ્તની વિજયયાત્રા પછી વિવિધ નાગકુલોના સ્વતંત્ર શાસનનો અંત આવ્યો હતો; એટલું જ નહિ, પણ તેઓ ગુપ્ત શાસનવ્યવસ્થાના ભાગરૂપ બની ગયા હતા. સમુદ્રગુપ્તનો પુત્ર ચંદ્રગુપ્ત2 (375414) નાગક્ધયા ‘કુબેરનાગા’ને પરણ્યો હતો અને ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના શાસન દરમિયાન સર્વનાગ અંતર્વેદીનો વિષયપતિ (466 ઈ.સ.) હતો. આમ અન્ય નાગરાજ્યોની જેમ મથુરાના વીરસેનના અનુગામીઓનું નાગરાજ્ય પણ ગુપ્ત સામ્રાજ્યમાં ભળી ગયું હતું.
મોહન વ. મેઘાણી