વીરમગામ સત્યાગ્રહ (1930-32) : સવિનય કાનૂનભંગની ચળવળ દરમિયાન વીરમગામ મુકામે મીઠાના કાનૂનભંગ માટે થયેલ સત્યાગ્રહ. ‘સૌરાષ્ટ્ર’ અખબારના તંત્રી અમૃતલાલ શેઠ તથા ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના મંત્રી મણિલાલ કોઠારી સત્યાગ્રહ-સંગ્રામ અંગે ગાંધીજીનું માર્ગદર્શન મેળવવા ગયા અને ગાંધીજીએ અમદાવાદ જિલ્લાના ધોલેરા અને વીરમગામમાં મીઠાના કાનૂનભંગના સત્યાગ્રહ માટે મંજૂરી આપી અને વીરમગામ સત્યાગ્રહની જવાબદારી મણિલાલ કોઠારીને સોંપવામાં આવી. અસહકારની ચળવળ (1920-22) દરમિયાન મણિલાલે વકીલાતનો ત્યાગ કરીને અસહકારની લડતમાં ઝંપલાવ્યું હતું.
રાજકોટ, ભાવનગર, વઢવાણ, લીંબડી, ગોંડલ વગેરે ઠેકાણેથી ભરતી કરેલા યુવકો વઢવાણ કૅમ્પની છાવણીમાં ભેગા થયા. મણિલાલે બધા સત્યાગ્રહીઓને ગાંધીજીના સત્યાગ્રહ-સંગ્રામનું રહસ્ય સમજાવ્યું. 6ઠ્ઠી એપ્રિલની સવારે ગાંધીજી દાંડીના દરિયાકિનારેથી મીઠું ઉપાડીને કાયદાભંગ કરે તે સાથે સમગ્ર દેશમાં કાયદાભંગ શરૂ કરવાનો આદેશ અપાયો હતો. મણિલાલ કોઠારીની આગેવાની હેઠળ પંચાવન સત્યાગ્રહીઓ બિનજકાતી મીઠાની થેલીઓ સાથે વઢવાણ સ્ટેશનેથી ઊતર્યા. તેઓ ‘ઇન્કિલાબ… ઝિન્દાબાદ’, ‘હિન્દુસ્તાન… હો આઝાદ’, ‘નોકરશાહી… હો બરબાદ’, ‘મહાત્મા ગાંધી કી જય’ એવા જયઘોષો કરતા હતા. એટલામાં આબકારી અધિકારી તે બધાને ગિરફતાર કરી સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં લઈ ગયા. સત્યાગ્રહીઓની ધરપકડના સમાચાર જાણી આખા ગામમાં હડતાળ પડી. મિલો, કારખાનાં અને દુકાનો બંધ થઈ ગયાં. કોર્ટની બહાર કમ્પાઉન્ડમાં અને રસ્તા ઉપર હજારો લોકો ટોળે વળી ‘ઇન્કિલાબ… ઝિન્દાબાદ’, ‘વન્દે… માતરમ્’ વગેરેના જયઘોષ કરવા લાગ્યા. મણિલાલને છ માસની સાદી કેદની સજા અને પાંચસો રૂપિયા દંડ કરી, સાબરમતી જેલમાં લઈ જવામાં આવ્યા. બાકીના પંચાવન સત્યાગ્રહીઓને છોડી મૂકવામાં આવ્યા. બીજે દિવસે દસ દસની એક એવી પાંચ ટુકડીઓ વઢવાણથી રવાના થઈ. તેના નાયકો સહિત પંચાવન સત્યાગ્રહીઓ વીરમગામ આવતાં તેમની પાસેથી મીઠું ઝૂંટવી લેવા પોલીસોએ ઝપાઝપી કરી. પોલીસોએ તેમના હાથ મરડ્યા, ખેંચ્યા, ગળું દબાવ્યું, તેમને નીચે પછાડી બળજબરીથી મૂઠીઓ ખોલાવી મીઠું ધૂળમાં મેળવી દીધું. તે જ ટ્રેનમાં આવેલા ફૂલચંદ શાહ, જે કાનૂનભંગ કરવા નીકળ્યા ન હતા, તેમના હાથમાં મીઠું ન હતું, છતાં તેમની ધરપકડ કરી અને છ માસની સખત મજૂરી સાથેની કેદ અને પચાસ રૂપિયા દંડ અને દંડ ન ભરે તો છ સપ્તાહની વધુ સજા કરવામાં આવી. બીજા જથ્થાના આગેવાન અર્જુન લાલાની ધરપકડ કરી, તેમને છ માસની સાદી કેદ અને 500 રૂપિયા દંડની સજા કરવામાં આવી. આ દરમિયાન કોર્ટના કમ્પાઉન્ડ બહાર દસેક હજાર લોકોનું ટોળું સૂત્રો પોકારતું હતું અને રાષ્ટ્રગીત તથા લડતનાં ગીતો ગાતું હતું.
ફૂલચંદભાઈ અને અર્જુન લાલાને જેલમાં મોકલ્યા પછી વીરમગામ તથા ગામડાંઓમાં લોકોમાં જાગૃતિ આવી. સરકારનાં જુલમી પગલાંઓને વખોડતી જાહેર સભાઓ થઈ તથા વિદેશી કાપડની હોળીઓ થઈ. વીરમગામમાં અને સૌરાષ્ટ્રનાં નગરોમાં સખત હડતાળો પડી. આ દરમિયાન ગાંધીજીએ સંદેશા મોકલી લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. 8 એપ્રિલથી 12 એપ્રિલ સુધી વઢવાણ કૅમ્પથી વીરમગામ સુધી સત્યાગ્રહીઓ મીઠું લઈને નિયમિત જતા અને પોલીસ સાથે અથડામણમાં ઊતરી અત્યાચારને નોતરતા હતા. કેટલાકને ઈજાઓ થતી હતી. તે પછી વીરમગામ, વણી તથા તાલુકાનાં બધાં સ્ટેશને બિનજકાતી મીઠા સાથે સત્યાગ્રહીઓ જવા લાગ્યા. પોલીસો સત્યાગ્રહીઓ ઉપર વિવિધ પ્રકારના જુલમો તથા અત્યાચારો ગુજારતા હતા.
વીરમગામમાં પોલીસોના અત્યાચારોના સમાચાર જાણી અમદાવાદના વકીલો તથા મહાદેવભાઈ દેસાઈ 19 એપ્રિલ, 1930ના રોજ વીરમગામ ગયા. તે દિવસે સત્યાગ્રહીઓ મીઠું લઈને ઊતર્યા ત્યારે તેમની સાથે માનવતાભર્યો વર્તાવ કરવાનો પોલીસોએ દેખાવ કર્યો. ગાંધીજીની સૂચના મુજબ છગનલાલ જોશી વીરમગામની લડતનું સંચાલન કરવા ત્યાં ગયા.
8મી મેના દિવસે મણિભાઈ વાઘજીભાઈ પટેલની સરદારી હેઠળ 17 સત્યાગ્રહીઓ બિન-જકાતી મીઠું લઈને વીરમગામ સ્ટેશને ઊતર્યા. પોલીસો અને અધિકારીઓએ તેમને ઘેરી લઈ ચારેક કલાક તડકામાં ઊભા રાખ્યા. તેઓ ખૂબ તરસ્યા થયા હતા, પણ તેમને પાણી આપ્યું નહિ કે પાણી પીવા જવા દીધા નહિ. તેમાંનો એક સત્યાગ્રહી પાણી વિના બેભાન થઈ ગયો. આ વાતની ગામમાં જાણ થતાં સાતસો જેટલી બહેનો પાણીનાં બેડાં લઈ ત્યાં પહોંચી અને સત્યાગ્રહીઓને પાણી પાયું. પાછી ફરતી બહેનોના ટોળા પર ઘોડેસવારો તૂટી પડ્યા. અનેક સ્ત્રીઓને હડફેટમાં લઈને પાડી નાખી. ત્યાંથી ભાગવા પ્રયાસ કરતી બહેનોની સામે ઝડપથી મોટર ચલાવી તેની ફ્લેશલાઇટથી આંજી નાંખી. કેટલીક બહેનોને પોલીસોએ ધક્કે ચડાવી. કેટલીક ઉપર સોટીના પ્રહારો કર્યા. કેટલીક બહેનોનાં કપડાં ફાટી ગયાં, કાખમાંથી છોકરાં પડી ગયાં, કેટલીકને બીભત્સ ગાળો દીધી તથા ચાબુક અને બંદૂકના કુંદા માર્યા. બધી બહેનો રોતી-કકળતી ઘેર ગઈ. તેથી આખા નગરમાં હાહાકાર મચી ગયો. તે પછી હથિયારબંધ પોલીસો સ્ટેશનમાં બેઠેલા સત્યાગ્રહીઓ ઉપર તૂટી પડ્યા. પોલીસોએ તેમને બંદૂકના કુંદા, લાઠી, મુક્કા, ગડદાપાટુ અને બૂટવાળા પગની લાતો મારી. કેટલાકને આરવાળી લાકડીઓ ઘોંચી હાથમાંથી મીઠું છોડાવવા પ્રયાસો કર્યા. કેટલાકના ગુહ્ય ભાગ ઉપર લાકડીના ગોદા મારી તેમને પીડા પહોંચાડી. તેમાંથી નવ સત્યાગ્રહીઓ બેભાન થઈ ગયા. બાકીના બધા ઘાયલ થયા. પોલીસો ગયા પછી રેલવેના અને શહેરના ડૉક્ટરે તેમની સારવાર કરી.
આ ઘટનાના સમાચાર અમદાવાદ પહોંચતાં, સરકારી જુલમોની તપાસ કરવા ધારાશાસ્ત્રી ભૂલાભાઈ દેસાઈ, મિલમાલિક અંબાલાલ સારાભાઈ, સરલાદેવી સારાભાઈ, પ્રોફેસર જેઠાલાલ સ્વામીનારાયણ, વલ્લભભાઈનાં પુત્રી મણિબહેન વગેરે વીરમગામ ગયાં. ઘાયલ બહેનો અને સત્યાગ્રહીઓની મુલાકાતો લીધી. ઘાયલ થયેલી બહેનોના બરડા ઉપર, બાજુના પડખામાં, હાથ અને મોઢા ઉપર સોટીના સોળ જોયા. ઘોડાની ખરીઓનાં નિશાન જોયાં. એક વૃદ્ધ ડોશીને વાંસાના અને સાથળના પાછલા ભાગમાં હથેળી જેટલા ઘેરાવામાં ચામડી ઉતરડાઈ ગયેલી જોઈ. બહેન મણિ ઉપર આચરવામાં આવેલા અશિષ્ટ વ્યવહારની કથની તેના મુખેથી સાંભળી પોલીસોની હેવાનિયત ઉપર લોકોમાં ખૂબ રોષ વ્યાપી ગયો.
આ અમાનુષી અત્યાચારના સમાચાર ગુજરાતભરમાં ફેલાઈ જતાં લોકોમાં હાહાકાર મચી ગયો, વર્તમાનપત્રોએ તથા જાહેર કાર્યકરોએ સરકારના આ કૃત્યની સખત ઝાટકણી કાઢી.
ત્રણ દિવસ પછી 11 મે, 1930ના રોજ કેટલાક સત્યાગ્રહીઓ મીઠું લઈને મુનસર તળાવ પાસેથી જતા હતા ત્યારે પોલીસોએ તેમના ઉપર અને પસાર થતા લોકો પર લાઠી ચલાવી ઘાયલ કર્યા.
24 મે, 1930ના રોજ સવારે પાટડીના આગેવાન પ્રાણજીવનદાસની આગેવાની હેઠળ દેત્રોજ, અઘાર, રામપુરા અને વીરમગામની છાવણીઓમાંથી પસંદ કરેલા 75 જેટલા સત્યાગ્રહીઓએ જૂના ખારાઘોડા જઈ મીઠાના ઢગલાઓમાંથી થેલીઓમાં મીઠું ભરી લીધું. તેઓ પાટડી તરફ જતા હતા. એટલામાં પોલીસોની ટુકડીએ તેઓને ઘેરી લીધા અને નિર્દયતાથી કડિયાળી ડાંગો વડે (લાઠી)માર કર્યો. તેનાથી 25 જેટલા સત્યાગ્રહીઓ તમ્મર ખાઈને જમીન પર ઢળી પડ્યા. પાંચ ભાઈઓનાં માથાં ફૂટવાથી, લોહીથી કપડાં ભીંજાઈ ગયાં. વારંવાર લાઠીઓ મારીને, મીઠાની થેલીઓ ઝૂંટવી લઈને તેમને જવા દીધા. પાટડીના પ્રાણજીવનદાસ, ગાંડાલાલ હરખચંદ અને નાનાલાલ છગનલાલ, કાંઝ ગામના દેવશંકર ભાઈશંકર અને દક્ષિણામૂર્તિના શિક્ષક ભાસ્કરરાવ વિદ્વાંસ સહિત કેટલાય સત્યાગ્રહીઓને ક્રૂરતાથી કડિયાળી ડાંગો, બંદૂકના કુંદા, બૂટની એડીની લાતો અને ધક્કા મારવામાં આવ્યા. ઘાયલોને પાટડી લઈ જઈને સારવાર કરવામાં આવી.
શાહપુરમાં સામુદાયિક સવિનય કાનૂનભંગ કરવા સેંકડો લોકો એકઠા થયા. તેમના ઉપર પોલીસોએ નિર્દયતાથી લાઠીમાર કર્યો. કેટલાકનાં માથાં ફૂટ્યાં, બરડાઓમાં સોળ ઊઠ્યા, હાથપગ ભાંગ્યા અને કોણીઓ સૂજી ગઈ. પોલીસોના અત્યાચારથી 200 માણસો ઘવાયા. કુલ 35 જેટલા ગ્રામજનો અને સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી.
1930ના એપ્રિલથી ડિસેમ્બર સુધી અને 1931ના જાન્યુઆરીથી માર્ચની 6ઠ્ઠી સુધી વીરમગામમાં સત્યાગ્રહના કાર્યક્રમો ચાલુ રહ્યા. ગાંધીજી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ઇંગ્લૅન્ડ ગયા અને સ્વરાજ લીધા વિના પાછા ફર્યા. 4 જાન્યુઆરી, 1932ના રોજ ગાંધીજીની ધરપકડ થઈ અને ફરીથી લડત શરૂ થઈ. વીરમગામ સત્યાગ્રહ પણ ફરી શરૂ થયો. ચમનલાલ વૈષ્ણવ, વેણીલાલ બૂચ, કીરચંદ કોઠારી, ફૂલચંદ શાહ, ભાવનગરની દક્ષિણામૂર્તિના અને રાજકોટની રાષ્ટ્રીય શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ વીરમગામની લડત ચાલુ રાખી. ધરપકડો, જેલગમન, સજા, દંડ વગેરે પ્રવૃત્તિઓનો અખંડ પ્રવાહ મહિનાઓ સુધી વહેતો રહ્યો.
આ લડત દરમિયાન મુંબઈથી ‘કૉંગ્રેસ બુલેટિન’ અને ‘કૉંગ્રેસ પત્રિકા’, ધોલેરાથી ‘ધોલેરા સત્યાગ્રહ’ પત્રિકા, બરવાળાથી ‘તણખા’, ધંધુકાથી ‘રાજદ્રોહ’ પત્રિકા, સાબરકુંડલાથી ‘ક્રાંતિ’ પત્રિકા અને વીરમગામથી ‘વીરમગામ-સત્યાગ્રહ’ પત્રિકા બહાર પડતી અને સ્વયંસેવકો દૂર દૂરનાં ગામો સુધી પત્રિકાઓ વહેંચીને લડતનો પ્રચાર કરતા હતા. સત્યાગ્રહીઓ દેશભક્તિનાં ગીતો ગાઈને લોકોનો જુસ્સો જાળવી રાખતા હતા.
આ લડત દરમિયાન સત્યાગ્રહીઓ ખૂબ ઉત્સાહ, ઉમંગ અને જુસ્સાપૂર્વક નીચેનાં લોકપ્રિય ગીતો ગાતા હતા :
(1) ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે,
શૂરા જાગજો રે કાયર ભાગજો રે
(2) કરો સાંધા ઢીલા સરકારના રે,
શસ્ત્ર છોડીને શુદ્ધ અસહકાર… કરો સાંધા…
આ ગીતની નીચેની છેલ્લી પંક્તિઓ લોકો ખૂબ મોટેથી ગાતા :
તારી તોપુમાં ઊગશે ઝાડવાં રે,
તારાં શસ્ત્રો થશે સૌ ખાક… કરો સાંધા…
જયકુમાર ર. શુક્લ