વીરમ મુનિવર (. 1680, કેસ્ટિગ્લિયૉન ડેલ્લા સ્ટિવિયેરા, વેનિસ, ઇટાલી; . 1742) : જાણીતા ઇટાલિયન મિશનરી અને તમિળ લેખક. તેઓ 18 વર્ષની વયે વક્તૃત્વશાસ્ત્ર, ફિલસૂફી અને ખ્રિસ્તી ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરીને 1709માં પાદરી નિમાયા. ઇટાલી છોડીને 1711માં તેઓ ભારત આવ્યા, અને મદુરાઈ મિશનમાં જોડાયા. 1712માં તેમણે તાંજાવૂરમાં તેમનું મંત્રાલય શરૂ કર્યું અને સમગ્ર તામિલનાડુના વિશાળ વિસ્તારોમાં તેમની પ્રવૃત્તિ ફેલાવી.

તેમણે તેમના કાર્ય માટે જરૂરી લૅટિન ગ્રીક, હિબ્રૂ અને ઇટાલિયન ભાષા જાણવા ઉપરાંત પૉર્ટુગીઝ, ફ્રેંચ, અંગ્રેજી, સંસ્કૃત ભાષાની જાણકારી મેળવી. વળી ફારસી, હિંદુસ્તાની, કન્નડ, તમિળ અને તેલુગુ ભાષા પર પણ પ્રભુત્વ મેળવ્યું. તમિળો સાથે તમિળ જેવા બની રહ્યા. તેમનું મૂળ નામ ‘કૉન્સ્ટેન્ઝો’ એટલે વીરતા હતું અને તેમણે તેમનું નામ ‘ધૈર્યનાથ સ્વામી’ એટલે કે વીરસંત રાખ્યું. તેમના નિકટવર્તી પંડિત તમિળોએ તેમને વીરમ્ મુનિવર એવું તમિળી નામ આપ્યું; અને તે નામે ઓળખાવાનું ચાલુ રહ્યું.

તેમણે કોનન કુપ્પમમાં મધર મેરીનું મંદિર બાંધ્યું. તેમાં મેરીનું વસ્ત્ર-પરિધાન તમિળ સ્ત્રી જેવું કર્યું અને ક્રાઇસ્ટના પિતા જૉસેફની સ્તુતિમાં ‘થેમ્બાવાણી’ નામક મહાકાવ્ય રચ્યું. તેમાં તમિળ ભાષા પરની તેમની પંડિતાઈની પ્રતીતિ કરાવી છે. મધર મેરીના માનમાં તેમણે ‘તિરુક્કોવલુર કલમ્બકમ્’; ‘અન્નાઈ અલુંગલ અંતડી’ નામક પ્રશિષ્ટ છંદકાવ્યની રચના કરી.

‘તિરુક્કુરલ’ના ‘નીતિશાસ્ત્ર અને દુન્યવી વ્યવહાર’ (ધર્મ અને અર્થ) સમજાવતા બે ભાગનું લૅટિનમાં અનુવાદ કરીને યુરોપિયન પ્રજા સમક્ષ પહેલી વાર તેની મહાનતા રજૂ કરનાર તેઓ પ્રથમ ભારતીય વિદ્યાના તજ્જ્ઞ હતા. આને પરિણામે આ ગ્રંથ ઘણી યુરોપિયન ભાષાઓમાં અનૂદિત કરવામાં આવ્યો.

ત્યારબાદ તેમણે સેન તમિળ (પ્રશિષ્ટ તમિળ) વ્યાકરણ અને કોડમ તમિળ (બોલચાલની તમિળ) વ્યાકરણની રચના કરી. સેન તમિળ વ્યાકરણની રચના એ તેમની સર્વોચ્ચ સિદ્ધિ છે. ત્યારપછી અક્ષર, શબ્દ, વિષયવસ્તુ, છંદ અને અલંકાર – એ પાંચેય વિભાગોને આવરી લેતાં પરંપરાગત 370 સૂત્રોમાં ‘તોન્નલ વિલક્કમ્’ નામક વ્યાકરણની રચના કરી. આ ગ્રંથો સૌપ્રથમ તેમણે લૅટિનમાં રચ્યા અને ત્યાર પછી અન્ય ભાષાઓમાં ઉતાર્યા. તે ઉપરાંત લૅટિન અર્થ અને વ્યાખ્યા આપતા તમિળ બોલચાલની 9,000 નોંધો ધરાવતો તેમનો તમિળ-લૅટિન શબ્દકોશ તથા તમિળ અને લૅટિન પર્યાયો આપતા 4,400 પોર્ટુગીઝ શબ્દોનો પોર્ટુગીઝ-તમિળ-લૅટિન શબ્દકોશ તેમના ચિરસ્મરણીય ગ્રંથો છે. એવી જ તેમની મહાન કૃતિ છે : ‘સડુર અકારાતી’ નામક તમિળ શબ્દકોશની. ‘ચદુર અકારાતી’ને કક્કાવારી પ્રમાણે ગોઠવ્યો અને તેને નામ, પર્યાયો, શ્રેણી અને જોડકણાં  એમ ચાર ભાગમાં વહેંચ્યો.

‘અવિવેક પરમાર્થ ગુરુકતાઈ’ નામક ગદ્યકૃતિ તેમની ગુરુકુળ-પ્રથા પરની વ્યંગ્યાત્મક કૃતિ છે. આ ઉપરાંત તેમણે કેટલાક કૅથલિક ધર્મ પરના ગ્રંથો અને મધર મેરી પરનાં ભક્તિકાવ્યોની રચના કરી છે. આમ તેમણે 13 કાવ્યો, 9 ગદ્ય, 6 શબ્દકોશ, 4 વ્યાકરણ, 1 અનુવાદ અને 3 ઔષધને લગતા ગ્રંથો આપ્યા છે. આ રીતે પાદરી તરીકેના તેમના વ્યવસાયની સાથે તેમણે તમિળ ભાષા અને સાહિત્યમાં મહત્વપૂર્ણ પ્રદાન કર્યું હતું.

બળદેવભાઈ કનીજિયા