વીરપ્પા મોઈલી, એમ. (જ. 12 જાન્યુઆરી 1940, મારપદી, જિ. દક્ષિણ કન્નડ, કર્ણાટક) : કન્નડ લેખક. મૈસૂર યુનિવર્સિટીમાંથી બી. એ. અને બૅંગાલુરુ યુનિવર્સિટીમાંથી બી. એલ., ઍડવોકેટ તથા કર્ણાટક વિધાનસભાના સભ્ય અને સક્રિય રાજકારણી તરીકેની કારકિર્દી. અનેક સત્ર સુધી વિધાનસભાના સભ્ય રહ્યા. લઘુઉદ્યોગોના મંત્રી (1974-78); પ્રવાસન, આયોજન તથા સહકારના મંત્રી (1980-83); શિક્ષણમંત્રી, કાયદામંત્રી વગેરે હોદ્દાઓ પર રહ્યા પછી કર્ણાટકના મુખ્ય મંત્રી (1992-94).
તેમનાં પ્રકાશનોમાં ‘મિલન’ (1958), ‘પરાજિત’ (1981), ‘પ્રેમ વેંદરે’ (1981), ‘મૂરુ નટ કાગલુ’ (1994) – એ નાટકો; ‘સુલી ગલી’ (1982), ‘સાગરદીપ’ (1983), ‘કોટ્ટા’ (1993) એ નવલકથાઓ (હિંદી તથા તમિળમાં અનુવાદ થયેલ) તેમજ ‘હેગોંદુ યક્ષ પ્રશ્ર્ને’ (1985), ‘જોતેયગી નંદેયોંદા’ (1992), ‘હલુ જેનુ’ (1997) – એ કાવ્યસંગ્રહો મુખ્ય છે.
તેમણે ઇંગ્લૅન્ડ, જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, હોલૅન્ડ, ફ્રાન્સ, અમેરિકા અને નેપાળ વગેરે દેશોનો પ્રવાસ કર્યો છે.
મહેશ ચોકસી