વીર : કૌલ સાધનામાં પ્રયત્નપૂર્વક મોહ કે માયાના પાશને છેદી નાખનાર સાધક. કૌલ સાધનામાં ત્રણ પ્રકારના સાધક અથવા અધિકારી ગણાય છે : દિવ્ય, વીર અને પશુ. ‘વીર’ મધ્યમ કોટિના અધિકારી છે. આત્મા અને પરમાત્મા અથવા જીવ અને બ્રહ્મના અદ્વૈતનો આછો આભાસ મેળવીને સાધના માર્ગમાં ઉત્સાહપૂર્વક મોહ-માયાના પાશને છેદી નાખનાર સાધકને કૌલમાર્ગી ‘વીર’ની સંજ્ઞા આપે છે. તે ક્રમશઃ અદ્વૈત જ્ઞાન તરફ અગ્રેસર થઈને શિવ સાથે પોતાની એકાત્મતાને જલદીથી પિછાણી લે છે. વીરભાવના સાધકમાં સત્વગુણની અપેક્ષાએ રજોગુણ અધિક પ્રબળ હોય છે.

‘સર્વોલ્લાસ’ નામના ગ્રંથમાં મહાસિદ્ધ સર્વાનંદજીએ ત્રણ પ્રકારના વીરોનો ઉલ્લેખ કર્યો છે – વીર, સભાવ વીર અને વિભાવ વીર. સાધક પશુ અવસ્થામાંથી સભાવ પશુ અને વિભાવ પશુની અવસ્થાઓ પાર કરીને ‘વીર’ અવસ્થાને પામે છે. વીરમાંથી સભાવ વીર અને પછી વિભાવ વીર થઈને અંતે તે ‘દિવ્ય સાધક’ બની જાય છે.

પ્રવીણચંદ્ર પરીખ