વીમાવાળા (માળવી), નટવરલાલ મૂળચંદ
February, 2005
વીમાવાળા (માળવી), નટવરલાલ મૂળચંદ (જ. 20 સપ્ટેમ્બર 1900, સૂરત; અ. 6 એપ્રિલ 1973) : બાલસાહિત્યકાર. ઉપનામો : ‘કે. જી. પંડિત’, ‘પ્રયોગી’, ‘મયૂરક’, ‘મંગો પાર્ક’, ‘સુધન્વા’. પિતાનું નામ : મૂળચંદ ઘેલાભાઈ વીમાવાળા. માતા : વિજયાલક્ષ્મી ત્રિભોવનદાસ. જ્ઞાતિએ સૂરતી તળપદા દશા શ્રીમાળી વણિક; એમના પિતાના વીમાના વ્યવસાયને કારણે ‘મહેતા’ અટક ગઈ અને ‘વીમાવાળા’ અટક પ્રચલિત થઈ. વિદ્યાર્થી તરીકેની કારકિર્દી ખૂબ યશસ્વી. કૉલેજનું શિક્ષણ વિલ્સન કૉલેજ, ફર્ગ્યુસન કૉલેજ અને સૂરતની કૉલેજમાં. જુનિયર બી.એ.માં હતા ત્યારે ગાંધીજી-પ્રેરિત અસહકારની લડતમાં જોડાયા ને પછી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ. વિદ્યાપીઠની સ્નાતક-પદવી પણ જતી કરીને બારડોલી સત્યાગ્રહમાં સક્રિય. 1925માં સુમતિબહેન હરવદન મહેતા સાથે લગ્ન. 1930માં જેલનિવાસ. પિતા મૂળચંદભાઈ ગીતો-ભજનો લખતાં. નટવરલાલને નાનપણથી લેખન-વાચનનો શોખ. બાર-તેર વર્ષની વયથી લેખનની શરૂઆત. ‘સુંદરી-સુબોધ’ અને ‘ગુજરાતી’ અઠવાડિક માટે કવિતા, ચર્ચાપત્રો, વાર્તા વગેરેનું લેખન. મોટાભાઈ ઈશ્વરલાલ વીમાવાળાએ તેમના સાથથી તા. 1-8-1921ના રોજ સેવા-દૃષ્ટિએ ‘ગાંડીવ સાહિત્ય મંદિર’ની સ્થાપના કરી અને વિવિધ પ્રકારે સાહિત્યપ્રવૃત્તિ આદરી. 1922માં છાપખાનું કાઢ્યું. ‘ગાંડીવ’નું સમગ્ર સૂત્રસંચાલન તેઓ સંભાળતા. ઈ. સ. 1923માં વિનોદસાહિત્ય પીરસતા સામયિક ‘તોપ’નું પ્રકાશન, જે 1925ના ઑગસ્ટથી ‘ગાંડીવ’માં રૂપાંતર પામ્યું. ગુજરાતી સાહિત્યમાં અનન્ય સ્થાન ધરાવતી હરિપ્રસાદ વ્યાસરચિત ‘બકોર પટેલની કથાઓ’ આ પાક્ષિકનું સુફળ છે. તેઓ બંગાળી અને મરાઠી ભાષાઓ પણ જાણતા. તેમણે સાહિત્યસર્જનની શરૂઆત ‘વીમાવાળા’ અટકથી કરી, પણ 1950થી ‘માળવી’ અટક રાખી. આજે તેઓ ‘નટવરલાલ માળવી’ તરીકે વધુ જાણીતા. સૂરતના બોલતા-ચાલતા, હરતાફરતા માહિતીકોશ સમા સારસ્વત તેઓ ગણાતા. તેમનો ગ્રંથપ્રેમ પણ અનન્ય. તેમના પર રસ્કિન અને ગાંધીજીનો પ્રભાવ પડેલો. ‘ગાંડીવ’ પાક્ષિક તરીકે ઈ. સ. 1973માં બંધ થયું ત્યાં સુધી તેમણે બાલસાહિત્ય અને બાલશિક્ષણમાં ગણનાપાત્ર ફાળો આપેલો. આજેય તેનું પ્રકાશનકાર્ય ચાલુ છે. 1930-32માં ગુજરાતનાં જે ચાર જાણીતાં મુદ્રણાલયો જપ્ત થયાં તેમાં ‘નવજીવન’, ‘સૌરાષ્ટ્ર’ અને ‘વિકાસ’ (ભરૂચ) સાથે સૂરતનું આ ‘ગાંડીવ’ પણ હતું. નર્મદ સાહિત્ય સભાના તેઓ સ્થાપક હતા. 1923માં ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ સ્થપાયું ત્યારથી ચાળીસેક વર્ષ સુધી તેઓ તેના એક સૂત્રધાર હતા. આ સિવાય સેવા મંડળ, યુવક સંઘ, મૂંગાં પ્રાણીઓની સંસ્થા જેવી અનેક સંસ્થાઓ સાથે સંલગ્ન. એક અઠવાડિયાની સામાન્ય માંદગી બાદ અવસાન.
તેમણે બાલસાહિત્યનાં લગભગ પચાસ જેટલાં પુસ્તકો લખ્યાં છે. તેમાં મૌલિક ઉપરાંત ભાષાંતરિત-રૂપાંતરિત સાહિત્યનો પણ સમાવેશ થાય છે. તેમનું વિશિષ્ટ પ્રદાન તો બંગાળી સાહિત્યના પ્રખ્યાત પાત્ર ‘ગોપાલ ભાંડ’ને ગુજરાતીમાં ઉતાર્યું તે છે. ‘ગાંડીવ’માળા નિમિત્તે લેખન-સંપાદન રૂપે તેમણે જે વિપુલ સાહિત્ય આપ્યું તેમાં નોંધપાત્ર કૃતિઓ આ પ્રમાણે છે : ‘ધૂપસળી’ (1928, હાન્સ એન્ડરસનની ‘ટિન્ડર બૉક્સ’નું રૂપાંતર), ‘હાથી ધમ ધમ ચાલે’ (1928, હાથી-વિષયક વિવિધ કથાઓ), ‘ગધેડાનું રાજ’ (1929, રમૂજી બોધકથા), ‘જાદુઈ જમરૂખ’ (1929, એક ચમત્કારપ્રધાનકથા), ‘શાલિવાહન’ (1937, કથાત્મક-ચરિત્ર) વગેરે. વળી તેમણે ‘ગાંડીવ’ની ‘બાલોદ્યાનમાળા’માં અનેક વિષયનાં અને અનેક લેખકોનાં પુસ્તકો સંપાદિત કરીને આપ્યાં છે. તેમની પાસેથી ‘બલિદાન’, ‘કુરબાનીની કહાણીઓ’, ‘ભવાટવી’ જેવી સામાજિક કથાઓ મળી છે. ‘રાષ્ટ્રીય ગરબાવળી’ (1924), ‘ચાલો ભજવીએ’ (1955), ‘અમીઝરણાં’ (1955) એ અનુક્રમે ગરબા, બાલનાટકો અને ગીતોનાં સંપાદનો છે. આ ઉપરાંત મરાઠી, બંગાળી અને અંગ્રેજીમાંથી અનુવાદો કર્યા છે; જેવાં કે ‘શિરહીન શબ’ (1915), ‘સોનેરી શિર’ (1919), ‘બૉંબયુગનું બંગાળા’ (1923), ‘હાય આસામ !’ (1923), ‘કલકત્તાનો કારાગાર’ (1923), ‘પંજાબનું પ્રચંડ કાવતરું’ (1924), ‘બંગાળનો બળવો’ (1929) વગેરે. ટૂંકમાં, ‘ગાંડીવ’ પ્રકાશન નિમિત્તે પૌરાણિક, ઐતિહાસિક, સામાજિક, કાલ્પનિક – એમ વિવિધ પ્રકારની વસ્તુસામગ્રીવાળી તેમજ પ્રાણીકથાઓ, પરીકથાઓ, વિજ્ઞાનકથાઓ, સાહસકથાઓ, વિનોદકથાઓ, ચાતુરીકથાઓ, બોધકથાઓ વગેરે પ્રકારની અનેક કથાઓ તેમણે સુલભ કરી આપી છે. ઊગતી પેઢીને જ્ઞાન સાથે ગમ્મત અને બોધ સાથે મનોરંજન આપવામાં ‘ગાંડીવ’નું અને એ નિમિત્તે નટવરલાલ માળવીનું મહત્ત્વનું પ્રદાન છે. તેમની લેખનશૈલી જીવનના પૂર્વાર્ધમાં તીખી, આગ ઝરતી અને સામર્થ્યવાળી હતી; જ્યારે ઉત્તરાર્ધની શૈલી તળપદી, હળવી, રમૂજી, સરળ અને ચોટદાર હતી. આમ ‘ગાંડીવ’ નિમિત્તે નટવરલાલે ગુજરાતી સાહિત્યમાં બાલકથાસર્જન અને તેના પ્રસારમાં એક મહત્ત્વના પ્રેરક અને પોષક પરિબળ રૂપે ચિરસ્મરણીય કામ કર્યું છે.
શ્રદ્ધા ત્રિવેદી